મહારાષ્ટ્ર
પિંપરી ચિંચવડમાં અકસ્માતમાં કોન્સ્ટેબલનું મોત

પુણે: પુણે નજીકના પિંપરી ચિંચવડમાં પણ અજાણ્યા વાહને અડફેટે લેતાં બાઈકસવાર પોલીસ કોન્સ્ટેબલનું મૃત્યુ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના રવિવારની રાતે પિંપળે સૌદાગર વિસ્તારમાં બની હતી.
ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી)માં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો કોન્સ્ટેબલ સચિન વિષ્ણુ માને (43) બાઈક પર ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહને તેની બાઈકને ટક્કર મારી હતી.
ગંભીર રીતે ઘવાયેલા માનેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. 2003માં પોલીસ દળમાં જોડાયેલો માને અત્યારે પુણે સીઆઈડીમાં હતો. આ પ્રકરણે સાંગવી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)