અભિષેકે આઇપીએલ સ્ટાઇલમાં રમીને ફટકારી સેન્ચુરી
ઝિમ્બાબ્વે સામે ઋતુરાજના અણનમ 77 અને રિન્કુના પાંચ સિક્સર સાથે અણનમ 48
હરારે: શુભમન ગિલના સુકાનમાં ભારતની ‘બી’ ટીમે શનિવારે અહીં ઝિમ્બાબ્વે સામે ટી-20 સિરીઝની લો-સ્કોરિંગ પ્રથમ મૅચમાં ફક્ત 102 રનમાં ઑલઆઉટ થઈને પરાજયની નામોશી સાથે ટી-20નું વિશ્ર્વવિજેતાપદ મેળવનાર ભારતનું નામ ડૂબાડ્યું ત્યાર બાદ ગિલની કૅપ્ટન્સીમાં ભારતીય ટીમે બીજી ટી-20 મૅચમાં ધમાકેદાર બૅટિંગ કરીને 20 ઓવરમાં બે વિકેટે 234 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે સામે ભારતનો આ હાઇએસ્ટ સ્કોર છે.
ભારતના બૅટર્સ આઇપીએલ સ્ટાઇલમાં દમદાર બૅટિંગ કરી હતી અને ઝિમ્બાબ્વેના બોલર્સની બોલિંગની ધુલાઈ કરી હતી તેમ જ યજમાન ટીમના ફીલ્ડર્સને ખૂબ દોડાવ્યા હતા.
ભારતે બૅટિંગ લીધા પછી બે વિકેટે જે 234 રન બનાવ્યા એમાં અભિષેક શર્મા (100 રન, 47 બૉલ, આઠ સિક્સર, સાત ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. આઇપીએલ-2024માં સનરાઇઝર્સ હૈદરાબાદ વતી ભારતના સ્ટેડિયમો ગજવનાર અભિષેકે (Abhishek Sharma) 33 બૉલમાં 50 રન પૂરા કર્યા હતા અને પછી બીજા ફક્ત 13 બૉલમાં બીજા 50 રન બનાવીને 46 બૉલમાં સેન્ચુરી નોંધાવી હતી.
આ પણ વાંચો: ટી-20 સિરીઝમાં ભારતીય મહિલાઓની 3-0થી વિજયી સરસાઈ, બાંગલાદેશની સતત છઠ્ઠી હાર
અભિષેક અને વનડાઉન બૅટર ઋતુરાજ ગાયકવાડ વચ્ચે બીજી વિકેટ માટે 12.4 ઓવરમાં 137 રનની ભાગીદારી થઈ હતી. અભિષેક 27મા રને હતો ત્યારે તેનો કૅચ છૂટ્યો હતો. અભિષેકે 88મા રને અને પછી 94મા રને છગ્ગો ફટકારીને પ્રથમ ઇન્ટરનૅશનલ સદી પૂરી કરી હતી અને પછી બરાબર 100 રનના પોતાના સ્કોર પર આઉટ થઈ ગયો હતો.
ઋતુરાજ ગાયકવાડ (અણનમ 77, 47 બૉલ, એક સિક્સર, અગિયાર ફોર)નું પણ ભારતના 234 રનમાં મોટું યોગદાન હતું. તેની અને રિન્કુ સિંહ (48 અણનમ, બાવીસ બૉલ, પાંચ સિક્સર, બે ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 87 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.
અભિષેક પછી ઋતુરાજ અને રિન્કુએ હરારેનું સ્ટેડિયમ ગજવી નાખ્યું હતું. ત્રણેય બૅટર્સે કુલ 14 સિક્સર અને 20 ફોર ફટકારી હતી. ઝિમ્બાબ્વેના સાત બોલરમાં માત્ર બ્લેસિંગ મુઝરાબની અને વેલિંગ્ટન માસાકાદ્ઝાને એક-એક વિકેટ મળી હતી.
એ પહેલાં, ભારતે પાંચ મૅચવાળી ટી-20 સિરીઝમાં શનિવારે પ્રથમ મૅચમાં પરાજયનો આંચકો સહન કરવો પડ્યો ત્યાર બાદ આજે જ નિર્ધારિત થયેલી બીજી મૅચમાં ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. ભારતે ટૉપ-ઑર્ડર બૅટર સાંઇ સુદર્શનને ઇલેવનમાં સમાવીને પેસ બોલર ખલીલ અહમદને આરામ આપ્યો છે. યજમાન ઝિમ્બાબ્વેની ટીમમાં કોઈ ફેરફાર નથી કરાયો. સાંઇ સુદર્શનને ભારત વતી ડેબ્યૂ કરવાની તક મળી છે.
ભારતીય ટીમમાં આઇપીએલ-2024ના સ્ટાર બૅટર્સ અભિષેક શર્મા, ઋતુરાજ ગાયકવાડ, રિયાન પરાગ, રિન્કુ સિંહ વગેરેનો સમાવેશ છે.