ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક
ગત સપ્તાહે એક અજબ ઘટનાક્રમ વિષે જાણવા મળ્યું. થયું એવું કે ભારતમાં એક યુવાનને સતત પાંચ વખત સાપ કરડ્યો, છતાં યુવાન અને સાપ – બંને બચી ગયા!
જે રીતે દુનિયામાં ભાત ભાત કે લોગ જોવા મળે છે, એ જ પ્રમાણે ભાત ભાત કે દૂસરે સજીવ પણ જોવા મળે છે. એમાંના કેટલાકની આજુબાજુ તો અજબ-ગજબનાં રહસ્યમય તાણાવાણા ગૂંથાયેલા હોય છે. ઉત્તર પ્રદેશના ફતેહપુર ખાતેના એક ગામમાં રહેતા વિકાસ દુબે નામના યુવાનને ગત ૨ જૂનની રાત્રે સાપ કરડ્યો. ઘરવાળા તાત્કાલિક દવાખાને લઇ ગયા એટલે વિકાસ બચી ગયો. એ પછી ૧૦ જૂનની રાત્રે વિકાસને ફરી વાર સાપ કરડ્યો વળી પાછા બધા હોસ્પિટલ તરફ દોડ્યા. બંને વખતે સમયસર સારવાર મળી ગઈ એટલે વિકાસભાઈ બચી ગયા, પણ પેલા સર્પ મહારાજને કોણ જાણે કયા ભવનું વેર હશે તે ૧૭ જૂને આવીને વળી એક વાર વિકાસને બચકું ભરી ગયો. એના ચાર દિવસ પછી ફરી એની એ જ બચકાબાજી! કોઈ દેખીતા કારણ વિના વીસેક દિવસમાં ઉપરા છાપરી ચાર વખત સાપ કરડે તો ભલભલા ભડવીરો ભાંગી પડે અને જાતજાતની શંકા-કુશંકા કરવા માંડે. હિન્દી ફિલ્મોમાં જોયેલી ‘નાગિન કા બદલા’ વાળી થિયરી તમારા મગજ પર ફીંડલું વળીને સવાર થઇ જાય. વિકાસ અને એના પરિવારના મગજમાં પણ કદાચ આવા જ વિચારો આવ્યા હશે. એટલે એમણે વિકાસને ઘરથી દૂર માસીના ઘરે હવાફેર કરવા મોકલી આપ્યો. પણ કહાનીમાં ખરો ટ્વિસ્ટ હવે આવે છે. માસીના ઘરે વળી પાછો કોઈક બીજો સાપ આવીને વિકાસને બકી કરી ગયો, બોલો! ડરથી ફફડતો બિચારો વિકાસ દુબે અત્યારે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. કોઈ દેખીતા કારણ વિના એક માણસને એક જ મહિનામાં ઉપરાછાપરી પાંચ વખત એરુ આભડી જાય તો બિચારાની શી વલે થાય! અને આમ વારંવાર કરડવા પાછળ સાપ સમાજે કયું લોજીક લગાવ્યું હશે? જેમ રમખાણો વખતે પોલીસ તંત્રને ‘દેખો ત્યાંથી ઠાર કરો’ના આદેશ અપાતા હોય, એમ સાપ સમાજે પણ વિકાસ વિરુદ્ધ ‘જ્યાં દેખો, ત્યાં કરડો’ જેવો કોઈ ફતવો જારી કર્યો હશે?! આખી વાત તો અમરીષ પૂરી જેવા કોઈ અનુભવી મદારી જ સમજાવી શકે! પણ એટલું નક્કી કે વિકાસનું આખું ગામ છેલ્લા એક મહિના દરમિયાન જરૂર અંધશ્રદ્ધાળુ થઇ ગયું હશે!
આમ તો માનવજાત અને સર્પના સંબંધો બહુ જૂના, પ્રાચીનકાળના છે. વિશ્ર્વની દરેક સંસ્કૃતિ, ધર્મ, સમાજ, લોકકથાઓમાં ક્યાંક ને ક્યાંક સર્પોની કથા તો આવે જ. તમે માનો યા ન માનો, પણ સાપ એક એવો જીવ છે, જે દુનિયાની લગભગ તમામ મુખ્ય સંસ્કૃતિ સાથે અભિન્ન અંગ તરીકે વણાયેલો છે. દરેક પ્રાચીન સંસ્કૃતિમાં જેટલું મહત્ત્વ સર્પને મળ્યું છે, એટલું બીજા જીવોને ભાગ્યે જ મળ્યું હશે. વળી આવી દરેક કથામાં ભય, મૃત્યુ અને રહસ્યના તાણાવાણા જોવા મળે.
આપણી સનાતન સંસ્કૃતિની વાત કરીએ તો પાંડવોના પુત્ર રાજા પરીક્ષિતનું મૃત્યુ સર્પદંશને કારણે થાય છે. એ ઇતિહાસ વિષે જાણ થતા પરીક્ષિતનો પુત્ર જનમેજય સર્પ યજ્ઞ આરંભે છે, જેમાં પૃથ્વીના તમામ સર્પોનો વિનાશ નક્કી છે. પણ વળી આસ્તિક નામનો જ્ઞાની બાળક જનમેજયને પાછો વારીને તક્ષક નાગ સહિતના સર્પોને બચાવે છે. સાપ ભલે દુશ્મન ગણાતો હોય, પણ ભારતીય સંસ્કૃતિ દરેક જીવનું મહત્ત્વ સમજે છે. જનમેજયના સર્પ યજ્ઞવાળી આ ઘટના જ પછીથી મહાભારતના કથનને ભારત વર્ષમાં પેઢી દર પેઢી પ્રચલિત બનાવવામાં કારણભૂત સાબિત થાય છે.
નજીકના ઇતિહાસમાંથી પણ ઘણી સર્પ કથાઓ જડી આવશે, જ્યાં સીધી યા આડકતરી રીતે સર્પ વંશની સંડોવણી હોય. આવી એક અત્યંત જાણીતી ઇતિહાસ કથા એટલે રાણી ક્લિયોપેટ્રાના અંતની દંતકથા. ઈજિપ્તના ટોલેમિક વંશની આ આખરી સમ્રાજ્ઞી બેહદ કામુક અને સુંદર હતી. પોતાના વંશમાં લોહીની શુદ્ધતા જળવાઈ રહે અને સામ્રાજ્યમાં કોઈ બહારની વ્યક્તિ શાસક તરીકે ન આવે એટલા ખાતર એણે પોતાના સગા નાના ભાઈ સાથે જ લગ્ન કરી લીધા અને સમ્રાજ્ઞી બની બેઠી. ક્લિયોપેટ્રાને અનેક પ્રેમીઓ હોવાનું કહેવાય છે. એ પોતે ગણિતશાસ્ત્રની જાણકાર અને એક અચ્છી રસાયણશાસ્ત્રી હોવાને કારણે અનેકવિધ દવા વિશે સારી એવી જાણકારી ધરાવતી હતી.
ક્લિયોપેટ્રાનો સૌથી જાણીતો પ્રેમી રોમન સમ્રાટ જુલિયસ સિઝર, અને ક્લિયોપેટ્રાનો બીજો મહત્ત્વનો પ્રેમી એટલે માર્ક એન્ટોની. આમ તો ક્લિયોપેટ્રાના જીવન અને એના મૃત્યુની આસપાસ અનેક કથાઓ વણાયેલી છે, પણ સૌથી પ્રચલિત વાયકા મુજબ ઓક્ટેવિયન સામ્રાજ્ય સાથેના યુદ્ધમાં પોતાની નિશ્ર્ચિત હારનો અંદેશો આવી જતા ક્લિયોપેટ્રાએ આત્મહત્યા કરી લીધેલી. એને ડર હતો કે દુશ્મનો યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ એને પોતાના દેશ લઇ જશે અને દુશ્મનોના હાથે ચડ્યા પછી સમ્રાજ્ઞી ક્લિયોપેટ્રા સાથે શરમજનક દુર્વ્યવહાર કરવામાં આવશે. આ આશંકાને લીધે કામુક સૌદર્ય સમ્રાજ્ઞીએ પોતાના ડાબા સ્તન પર ‘એસ્પ’ તરીકે ઓળખાતી પ્રજાતિના સર્પનો દંશ લીધો ને મૃત્યુ પામી. ક્લિયોપેટ્રાની આત્મહત્યા વિષે જાણ થતા એનો પ્રેમી-પતિ માર્ક એન્ટોની અત્યંત દુ:ખી-નિરાશ થયો. એણે પોતાની જ તલવાર પોતાના પેટમાં હુલાવી દીધી! એક મત એવો છે કે માર્ક એન્ટોનીએ પણ મરવા માટે સર્પનો દંશ લેવાનું જ પસંદ કરેલું. આમ, એક સર્પ એના દંશ ટોલેમી વંશના સામ્રાજ્યનો અંત આણવામાં નિમિત્ત બન્યો!
આમ સર્પો સાથે જોડાયેલી આવી તો અગણિત કથાઓ માનવ ઇતિહાસ અને સાહિત્યમાંથી મળી આવે છે. પહેલાના સમયમાં દુશ્મનોને મારવાના હથિયાર તરીકે પણ સર્પનો ઉપયોગ થતો. યુદ્ધ સમયે બીજાં હથિયારોની સાથે સાપ પણ રાખવામાં આવતા! દ્વિતીય વિશ્ર્વયુદ્ધ સમયે નાઝીઓના સાથીદાર ગણાતા બલ્ગેરિયાના ઝાર રાજા બોરિસને સર્પ દંશથી મારી નાખવામાં આવેલો. એવું કહે છે કે જો સાપના ઝેરને બહુ થોડી માત્રામાં નિયમિતપણે લેવામાં આવે તો તમારું શરીર જાતે જ એની એન્ટીબોડી ઉત્પન્ન કરી લે છે. એ પછી ખરેખર સાપ કરડે તો એની અસર નથી થતી. સાચું-ખોટું ભગવાન જાણે, પણ આવી માન્યતાને કારણે વિશ્ર્વના અનેક સમ્રાટને બાળપણથી જ ખોરાક સાથે થોડા થોડા પ્રમાણમાં ઝેર ભેળવીને અપાતું. જેથી કોઈ વાર દુશ્મનો ઝેર પીવડાવી દે અથવા સર્પદંશ આપે તો સમ્રાટને એની અસર ન થાય. આજ કારણસર રશિયાનો કુખ્યાત કામાંધ અધ્યાત્મિક ગુરુ રાસ્પુતિન પણ નિયમિત ઝેરનું સેવન કરતો.