Monsoon Session: 2022ની તુલનામાં 2023માં રોડ અકસ્માતમાં 34 ટકાનો વધારો
મુંબઈઃ મહરાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આજે આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યો હતો. અજિત પવાર દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેના અહેવાલ મુજબ મુંબઈમાં ૨૦૨૨ની સરખામણીમાં ૨૦૨૩માં માર્ગ અકસ્માતમાં ૩૪ ટકા અને મૃત્યુઆંકમાં ૪ ટકાનો વધારો થયો છે. મહારાષ્ટ્રમાં આ જ સમાન સમયગાળા દરમિયાન માર્ગ અકસ્માતમાં ૬ ટકા અને મૃત્યુમાં એક ટકાનો વધારો નોંધાયો છે.
૨૦૨૨માં ૧,૮૯૫ અકસ્માત અને ૩૭૧ મૃત્યુની સરખામણીમાં મુંબઈમાં ૨૦૨૩માં ૨,૫૩૩ માર્ગ અકસ્માત અને ૩૮૪ મૃત્યુ નોંધાયા હતા. સમગ્ર મહારાષ્ટ્રમાં ગયા વર્ષે ૩૫,૨૪૩ માર્ગ અકસ્માત અને ૧૫,૩૩૬ મૃત્યુ થયા હતા અને ૨૦૨૨માં ૩૩,૩૮૩ અકસ્માતો અને ૧૫,૨૨૪ લોકો મૃત્યુ પામ્યા હતા.
અહેવાલ મુજબ મુંબઈ અને રાજ્યભરમાં ઈજાઓનું પ્રમાણ પણ વધ્યું છે. સારી વાત એ હતી કે ૧,૦૦૦ વાહનદીઠ અકસ્માતોની સંખ્યા ૨૦૧૫માં ૨૫.૫થી ૨૦૨૩માં ઘટીને આઠ થઈ હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં રોડ અકસ્માતો થવાનું મુખ્ય કારણ ઝડપ છે.
મુંબઈ ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે ફ્લાયઓવરની શરૂઆત જેવા અમુક સ્થળોએ વાહનો ડિવાઈડર સાથે અથડાયા હોવાના કિસ્સાઓ છે. અમે આવા સ્થળોને ઓળખી કાઢ્યા છે અને વાહનચાલકોને ચેતવણી આપવા માટે રિફ્લેક્ટર સ્થાપિત કર્યા છે.
આ પણ વાંચો : પક્ષ બદલ્યો નથી, મારા પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો ક્યારેય સાબિત થયા નથી: અજિત પવાર
ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે તેઓ બ્લેક સ્પોટ ઘટાડવા માટે પગલાં લઇ રહ્યાં છે. તાજેતરના ડેટા અનુસાર, શહેરમાં ૨૬ બ્લેક સ્પોટ છે, જેમાંથી સૌથી ખરાબ માનખુર્દ ખાતે સાયન-પનવેલ હાઇવે છે જ્યાં ૨૦૨૦ અને ૨૦૨૨ વચ્ચે ૧૫ અકસ્માતોમાં ૮ લોકો માર્યા ગયા હતા.