T20 World Cup 2024સ્પોર્ટસ

Victory Parade: ટીમ ઈન્ડિયા કડક બંદોબસ્ત વચ્ચે એરપોર્ટથી નીકળી

મુંબઈઃ ટવેન્ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ ચેમ્પિયન બન્યા પછી ભારતીયોમાં ટીમને વધાવવાનો ઉત્સાહ બેવડાઈ ગયો હતો. બાર્બાડોસથી આજે પાટનગર દિલ્હી પહોંચેલી ભારતીય ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ ટીમ ઈન્ડિયાના સુકાની સાથેના તમામ ખેલાડીઓ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આજે મુંબઈમાં વિકટરી પરેડ માટે આવેલી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓમાં પણ જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો.

મુંબઈ એરપોર્ટ બહાર ક્રિકેટપ્રેમીઓએ ઈન્ડિયા ઈન્ડિયા કહીને જોરદાર સ્વાગત કર્યું હતું. સૌથી પહેલા એરપોર્ટની બહાર નીકળતા હાર્દિક પંડ્યાએ હાથમાં ટ્રોફી લઈને જોવા મળ્યો હતો, ત્યાર બાદ ચાહકોએ તેને ઉઠાવી લીધો હતો. ત્યારબાદ બસમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ સહિત તમામ ખેલાડીઓ બેસીને મરીન ડ્રાઈવ માટે રવાના થયા હતા.

ટીમ ઈન્ડિયા એરપોર્ટથી બે બસમાં નીકળી હતી, જ્યારે નરીમાન પોઈન્ટ સુધી લઈને પહોંચશે. ઓપન બસમાં બેઠેલા ખેલાડીઓ વાનખેડે સ્ટેડિયમમાં પહોંચીને વિકટરી પરેડ કરશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે બસમાં હાર્દિક પંડ્યા સૌથી આગળ બેઠો હતો, જ્યારે તેના હાથમાં વર્લ્ડ કપની ટ્રોફી હતી. એરપોર્ટથી બહાર ટીમ ઈન્ડિયા આવી ત્યારે હાર્દિક પંડ્યાએ ટ્રોફી હવામાં લહેરાવી હતી.

એરપોર્ટથી લઈને મરીન ડ્રાઈવના રસ્તે લાખો લોકોની જનમેદનીને કારણે રસ્તાઓ પર ભયંકર જામ લાગ્યો હતો. વાનખેડે સ્ટેડિયમ પહોંચવામાં કલાકો લાગી શકે એવી ટ્રાફિક પોલીસે પણ શક્યતા વ્યક્ત કરી હતી. દરમિયાન એરપોર્ટથી લઈને મરીન ડ્રાઈવ તેમ જ પશ્ચિમ રેલવેના મહત્ત્વના રેલવે સ્ટેશનમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થવાના ડરને કારણે મુંબઈ પોલીસે પણ લોકોને આ રસ્તે નહીં આવવાની અપીલ કરી હતી.

અહીં એ જણાવવાનું કે બારબાડોસમાં રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને ભારતીય ટીમે સાત રનથી હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. 17 વર્ષ પછી ટીમ ઈન્ડિયા આ ફોર્મેટમાં જીતીને ચેમ્પિયન બની હતી. 2007માં ભારતીય ટીમ પહેલી વખત ચેમ્પિયન બની ત્યારે પહેલી વખતના માફક આજે મુંબઈમાં વિકટરી પરેડ કાઢવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button