મર્સિડીઝ હંકારી બે જણને અડફેટમાં લીધા: મહિલા ચાલકનું ચાર મહિના બાદ પોલીસ સમક્ષ આત્મસમર્પણ
નાગપુર: નાગપુરમાં ફેબ્રુઆરી, 2024માં દારૂના નશામાં મર્સિડીઝ હંકારીને બે જણને અડફેટમાં લેનારી મહિલાએ સોમવારે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.
રિતિકા ઉર્ફે રિતુ માલૂ સોમવારે પોલીસ સ્ટેશનમાં હાજર થઇ હતી અને પૂછપરછ બાદ સાંજે તેની ઔપચારિક ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: એસટી બસની રાહ જોઇ રહેલા ખેતમજૂરોને ટ્રકે અડફેટમાં લીધા: પાંચ મહિલાનાં મૃત્યુ
ગયા મહિનાના અંતમાં મુંબઈ હાઇ કોર્ટની નાગપુર બેન્ચે મહિલાના આગોતરા જામીન નકારી કાઢ્યા હતા. બેન્ચે જણાવ્યું હતું કે કોઇ પણ સમજદાર વ્યક્તિ દારૂના નશામાં વાહન ચલાવતી નથી અને તેને ગંભીર બાબત ગણાવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર 25 ફેબ્રુઆરીએ રામ ઝુલા બ્રિજ પર આ અકસ્માત થયો હતો, જેમાં રિતિકાએ દારૂના નશામાં પુરપાટ વેગે મર્સિડીઝ હંકારીને સ્કૂટર પર જઇ રહેલા બે શખસને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં મોહંમદ હુસૈન ગુલામ મુસ્તફા અને મોહંમદ અતીફ મોહંમદ ઝીયાને ગંભીર ઇજા પહોંચી હતી.
આ પણ વાંચો: પુણે પછી કોલ્હાપુરમાં પણ હિટ એન્ડ રનઃ કારે આઠને અડફેટમાં લીધા, ત્રણનાં મોત
રિતિકા વિરુદ્ધ ભારતીય દંડસંહિતા અને મોટર વેહિકલ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે લોકોના આક્રોશ બાદ અકસ્માતની ગંભીરતાને જોતાં પોલીસ દ્વારા રિતિકા પર વધારાના ફોજદારી આરોપ લગાવાયા હતા.
રિતિકાને શરૂઆતમાં જામીન આપવામાં આવ્યા હતા. જોકે પોલીસે બાદમાં રિતિકાની ફરી ધરપકડ કરવાની માગણી કરતાં તેણે હાઇ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી.
(પીટીઆઇ)