નવી દિલ્હી: ઉત્તર-પશ્ચિમ ભારતમાં (Northwest India) લોકોને જૂન મહિનામાં તીવ્ર ગરમી અને હીટવેવનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે આ વર્ષે જૂન મહિનો ઉત્તર-પશ્ચિમ ભારતમાં 1901 પછી સૌથી ગરમ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન સરેરાશ તાપમાન 31.73 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. નોંધનીય છે કે આ વર્ષે જૂન મહિનામાં ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા શહેરોમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું અને આકાશમાંથી અગનવર્ષા થતાં સામાન્ય લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી. જો કે, હવામાન વિભાગે સોમવારે જણાવ્યું છે કે ઉત્તર-પૂર્વીય ક્ષેત્રના કેટલાક ભાગોને છોડીને, જુલાઈમાં દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થાય તેવી સંભાવના છે.
IMDના ડિરેકટોર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે દેશમાં 11 જૂનથી 27 જૂન સુધીના 16 દિવસમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો હતો. IMD અનુસાર, ઉત્તર-પશ્ચિમ ભારતમાં 33 ટકા, મધ્ય ભારતમાં 14 ટકા અને પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં 13-13 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. જૂન મહિના દરમિયાન માત્ર દક્ષિણ ભારતમાં વધુ વરસાદ (14 ટકા) નોંધાયો હતો.
જૂનમાં ઓછો વરસાદ સિઝનમાં વધુ વરસાદનો સંકેત :
હવામાન વિભાગે એક રસપ્રદ ડેટા પણ શેર કર્યો છે. IMDએ કહ્યું કે 25 માંથી 17 વર્ષોમાં, જ્યારે જૂનમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો હતો, ત્યારે મોસમી વરસાદ સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ નોંધાયો હતો. અર્થાત જૂનમાં ઓછો પડતો વરસાદ સિઝનમ વધુ વરસાદ પડે તેવો સંકેત આપે છે. દિલ્હીમાં ગયા અઠવાડિયે પડેલો મુશળધાર વરસાદને લઈને હવામાન વિભાગે કહ્યું હતું કે તે કોઈ વાદળ ફાટવાનું પરિણામ નથી. સફદરજંગ વેધશાળાએ શુક્રવારે સવારે 8.30 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં 228.1 મીમી વરસાદ નોંધ્યો હતો, જે જૂનના સરેરાશ 74.1 મીમી વરસાદ કરતાં ત્રણ ગણો વધુ હતો. આ ઉપરાંત, દિલ્હીમાં આ વરસાદ 1936 પછી 88 વર્ષમાં આ મહિનાનો સૌથી વધુ વરસાદ પણ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સમગ્ર દેશમાં જુલાઈમાં સરેરાશ વરસાદ સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે, જે 28.04 સેમીની લાંબા ગાળાની સરેરાશ (LPA) કરતાં 106 ટકા વધુ હોઈ શકે છે. તેમણે કહ્યું, “ઉત્તર-પૂર્વ ભારતના ઘણા ભાગો અને ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ-પૂર્વીય દ્વીપકલ્પના ભારતના કેટલાક ભાગોને બાદ કરતાં, દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે.”
મહત્તમ તાપમાન સામાન્યથી નીચે રહી શકે છે: IMD
IMDએ જણાવ્યું કે પશ્ચિમ કિનારા સિવાય ઉત્તર-પશ્ચિમ ભારત અને દક્ષિણ દ્વીપકલ્પના ભારતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, “મધ્ય ભારત, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારત અને પશ્ચિમ કિનારાના ઘણા ભાગોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની સંભાવના છે.”
IMD ડેટા અનુસાર, આ પ્રદેશમાં માસિક સરેરાશ મહત્તમ તાપમાન 38.02 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 1.96 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. સરેરાશ લઘુત્તમ તાપમાન 25.44 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 1.35 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. IMDના વડાએ જણાવ્યું હતું કે જૂનમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં સરેરાશ તાપમાન 31.73 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.65 ડિગ્રી સેલ્સિયસ વધારે છે અને 1901 પછી સૌથી વધુ છે.