દિનેશ કાર્તિકની IPLમાં વાપસી, હવે એક નવી ભૂમિકામાં જોવા મળશે
દિનેશ કાર્તિકની IPLમાં વાપસી
દિનેશ કાર્તિક (DK)એ 1 જૂનના રોજ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સાથે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની સત્તાવાર જાહેરાત કરી હતી, પરંતુ માત્ર 30 દિવસ બાદ જ ડીકેને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મોટી જવાબદારી મળી છે. તેને આ મહત્વની જવાબદારી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમમાં જ મળી છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) દ્વારા દિનેશ કાર્તિકને ટીમના બેટિંગ કોચ અને મેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ અંગેની માહિતી આરસીબીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આપી હતી. RCBએ તેની પોસ્ટમાં લખ્યું હતું કે – અમારા કીપરનું દરેક અર્થમાં સ્વાગત છે, Kartik, નવા અવતારમાં RCBમાં પાછા આવ્યા છે. દિનેશ કાર્તિક RCB મેન્સ ટીમના બેટિંગ કોચ અને મેન્ટર હશે. તમે વ્યક્તિને ક્રિકેટમાંથી બહાર કાઢી શકો છો, પરંતુ ક્રિકેટને વ્યક્તિમાંથી બહાર નહીં કરી શકો! તેમને ઘણો પ્રેમ આપો, 12મી મેન આર્મી!
IPL 2024 માં, RCB ટીમના મુખ્ય કોચ એન્ડી ફ્લાવર, બેટિંગ કોચ શ્રીધરન શ્રીરામ, બોલિંગ કોચ એડમ ગ્રિફિથ અને ફિલ્ડિંગ કોચ – માલોલન રંગરાજન હતા.
દિનેશ કાર્તિકના આઈપીએલના અત્યાર સુધીના પ્રદર્શન પર નજર કરીએ તો તેમનું આઇપીએલ શાનદાર રહ્યું છે. કાર્તિકે 257 મેચ રમી છે અને 4842 રન બનાવ્યા છે. કાર્તિકે 22 અડધી સદી ફટકારી છે. તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 97 રન રહ્યો છે. કાર્તિક માટે છેલ્લી સિઝન શાનદાર રહી હતી. જો કે આ પછી તેમણે નિવૃત્તિની જાહેરાત કરી હતી.