પોલીસ સ્ટેશનમાં જન્મદિવસની ઉજવણીને લઈને પોલીસનું નિવેદન, કહ્યું ‘પોલીસની પ્રસંશનિય કામગીરીને ખોટી રીતે કરાઇ રજૂ’
અમદાવાદ: પોલીસ સ્ટેશનમાં ઉજવાઇ રહેલી ભાજપ નેતાની બર્થડે પાર્ટીને લઈને મીડિયામાં ભારે બબાલ મચી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ વિડીયોમાં અમદાવાદ શહેરના દરિયાપુર પોલીસ સ્ટેશનમાં પોલીસની હાજરીમાં કેક કાપવાના અને બર્થડેની ઉજવણીના દ્રશ્યો વાયરલ થયા હતા.
જો કે આ વિડીયો શેર થયા બાદ ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. મીડિયા અને સોશિયલ મીડિયામાં પોલીસની ટીકાઓ કરવામાં આવી હતી. મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે ભાજપના નેતાના જન્મદિવસની ઉજવણી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. આ સાથે હાજર પોલીસ અધિકારીઓના નામ સાથે અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. યુઝર્સે પણ પોલીસના આ વલણની આકરી ટીકા કરી હતી.
આ પણ વાંચો : GST લાગુ થયા બાદ ગુજરાતમાં આટલા લાખ વ્યવસાયો બંધ થયા
જો કે આ બાદ અમદાવાદ પોલીસે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે આ બાબતે સ્પષ્ટતા કરતાં જણાવાયું હતું કે “ભગવાન જગન્નાથજીની 147 મી રથયાત્રા નિમિતે અમદાવાદ શહેર પોલીસ દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે તારીખ 23/06/2024નાં રોજ કોમી સદભાવના અન્વયે યોજેલ રકતદાન શિબિરમાં હિંદુ-મુસ્લિમ લોકોએ મળીને 670 યુનિટ બ્લડ ડોનેટ કર્યું જેની અપાર સફળતા અન્વયે નુસરત જહાં શેખ નામના સ્થાનિક મહિલા દ્વારા ત્રણ કેક મંગાવી ત્યાં હાજર પોલીસ અધિકારીઓ તથા અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં કેક કટિંગ કરીને સફળ આયોજન બદલ ઉજવણી કરાયેલ. આ કેકમાં ક્યાંય ‘happy birthday’ લખેલું ન હતું. ત્યાં ઉપસ્થિત લોકો પૈકી કોઇ એકનો જન્મદિવસ હોવાનું જણાતા શિષ્ટાચારના ભાગરૂપે તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. અમદાવાદ પોલીસની સદર પ્રસંશનિય કામગીરીને ખોટી રીતે સોશિયલ મીડિયા પર રજૂ કરેલ જે ખેદજનક છે.”
આ વિડીયોમાં રહેલા યોગેશ ગઢવી પણ દેખાય રહ્યા છે, તેમણે આ બાબતે મીડિયાને જણાવ્યું હતું કે રકતદાન શિબિરના સફળ આયોજન થવાથી એક મુસ્લિમ પરિવાર કેક લઈને આવ્યો હતો. તેમનો આશય અમદાવાદ પોલીસને બિરદાવવાનો હતો, પરંતુ કેક જોતાં પોલીસ કહ્યું હતું કે આજે કોઈનો જન્મદિવસ નથી પણ કેક આવિ ગઈ. આ સમયે તેમણે હિમાંશુના જન્મદિવસ વિશ જણાવતા સૌએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. જો કે મીડિયાએ આ ઘટનાને ખોટી રીતે રજૂ કરી હતી.