આવતીકાલે મધ્ય રેલવે પર ત્રણેય લાઈન પર બ્લોક…
મુંબઈઃ મધ્ય રેલવે પર દર રવિવારની જેમ જ સિગ્નલ અને ટ્રેક મેઈન્ટેઈન્સ જેવા મહત્ત્વના કામ હાથ ધરવામાં આવવાના હોવાને કારણે રજાના દિવસે પણ લોકલ ટ્રેનોના ધાંધિયા જોવા મળશે. જો તમે પણ મોન્સૂનની મસ્તી મજા માણવા માટે બહાર નીકળવાનો વિચારી રહ્યા હોવ તો પહેલાં આ સમાચાર ચોક્કસ વાંચી લેજો, નહીં તો હાલાકી ભોગવવાનો વારો આવશે.
રેલવે અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મધ્ય રેલવે પર સવારે 11થી સાંજે પાંચ વાગ્યા સુધી થાણે-કલ્યાણ વચ્ચે પાંચમી છઠ્ઠી લાઈન પર બ્લોક હાથ ધરલામાં આવશે. આ બ્લોકને કારણે અપ-ડાઉન મેલ એક્સપ્રેસ ટ્રેનો-લાંબા અંતરની ટ્રેનો અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. જેને કારણે અપ-ડાઉન ફાસ્ટ લાઈનની લોકલ ટ્રેનો 10-15 મિનીટ મોડી પડી શકે છે.
હાર્બર લાઈનની વાત કરીએ તો સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી પનવેલ-વાશી વચ્ચે અપ-ડાઉન લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન સીએસેમટી પનવેલ, બેલાપુર વચ્ચે ટ્રેનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે. સીએસેમટી-વાશી, થાણે-વાશી, નેરુલ અને ઉરણ વચ્ચે ટ્રેનવ્યવહાર ચાલુ રહેશે.
પશ્ચિમ રેલવે પર બોરીવલી રામ મંદિર સ્ટેશન વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર સવારે 10થી બપોરે 3 વાગ્યા સુધી પાંચ કલાકનો જમ્બો બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમય દરમિયાન અપ-ડાઉન ફાસ્ટ લોકલ અપ-ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે, જેને કારણે લોકલ ટ્રેનો મોડી પડી શકે છે.