વરસાદમેં પલળતા હું તો બૈરી વઢતી હે
આ વખતે વરસાદે જાણે કોઈ જુની દાજ ઉતારી હોય એમ પડવાનું ચાલુ કર્યું છે. પ્રેમિકાના પ્રેમ જેવો ધીમો ધીમો, ગાલે ટીપા પડે તો હૃદય સુધી તેની ઝણઝણાટી આવે તેઓ મસ્ત વરસાદ માગ્યો હતો પરંતુ ઉપરવાળાએ એક પત્ની હોવા છતાં પુરુષના મનમાં પ્રેમિકા આવી તેનો દંડ દેતા હોય તેવી રીતે પત્ની જેવો વરસાદ મોકલ્યો
મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી
કેરળમાં ચોમાસું ચાલુ થયું એવું સાંભળવા મળે એટલે અમારા હૃદયમાં થોડી ઠંડક થાય. મુંબઈમાં બે ચાર ઝાપટા પડે એટલે થોડો હરખ થાય. પછી તો વેકેશન કરવા સાળી આવવાની હોય અને જે રીતે જીજાજી રાહ જોતા હોય તેમ વરસાદની રાહ જોવાતી હોય, પરંતુ સૌરાષ્ટ્રમાં પણ શરૂઆત સારી થઈ છે. વરસાદની સાથે સાથે ઘરવાળીની વઢ પણ શરૂ થઈ ગઈ છે.
“ના પાડી હતી તો પણ બહાર ગયા. આટલા વરસાદમાં પણ ટાંટિયા ઘરમાં ટકતા નથી.
જાડા ગોદડા જેવા જીન્સના પેન્ટ બે બે દિ લગી સુકાતા નથી… આવા કેટલાય ડાયલોગ ઘરે ઘરેથી સાંભળવા મળે છે.
મારા કરતા મારો ભાઈબંધ ચુનિયો આ સિઝનમાં સૌથી વધુ આકુળ વ્યાકુળ થાય કારણ કે જેવો વરસાદ આવે એટલે એને નાના-મોટા વ્યસનો યાદ આવવા મંડે. ઘરે ભલે ઘરવાળી તેનું કીધું ન કરતી હોય પરંતુ એકવાર ભજિયાનો ઓર્ડર આપી તો દે જ. અને કહી પણ દે ‘ડુંગળી મરચા અને બટેટાની પતરી ઉપરાંત મેથીના બે-ચાર ગોટા પણ બનાવજે’.
ચુનિયાને ખબર જ હોય કે મેથી બહાર લેવા જવી પડશે અને ઘરવાળી એ બહાને બહાર જવા દેશે
એટલે ઝડપથી અડધો રેઇનકોટ ( રેક્ઝીનનું જાકીટ ગઇ સિઝનમાં જ કાગળની જેમ ફાટી ચાર-પાંચ ટુકડામાં વહેંચાઇ ગયું હતું) અને ગઈ સિઝનમાં કોઈના ઘરેથી ઉપાડેલી,જોકે યાદ નથી કોના ઘરની હતી, સામેવાળા
પણ કદાચ ભૂલી ગયા હશે એટલે ચુનિયા પાસે હજી જળવાયેલી પડી છે તેવી છત્રી લઈને ચુનિયો ચાલુ વરસાદે નીકળી પડે.
આજે ભજિયાની સામગ્રી લઈને આવેલા ચુનિયાને ભાભીએ ખખડાવ્યા પછી હાશકારા સાથે બોલ્યા "ક્યારની આકુળ વ્યાકુળ થતી હતી.આ તમે આવ્યા અને બે-ચાર વાર તમને વઢી લીધું એટલે હાશ થઇ. ચુનિયો ટેવાઈ ગયો છે એટલે રીઢા રાજકારણી પર ની જેમ કંઈ બન્યું જ નથી તેવું ચુનિયાનું વર્તન રહે.
આ વખતે વરસાદે જાણે કોઈ જુની દાજ ઉતારી હોય એમ પડવાનું ચાલુ કર્યું છે. પ્રેમિકાના પ્રેમ જેવો ધીમો ધીમો, ગાલે ટીપા પડે તો હૃદય સુધી તેની ઝણઝણાટી આવે તેઓ મસ્ત વરસાદ માગ્યો હતો પરંતુ ઉપરવાળાએ એક પત્ની હોવા છતાં પુરુષના મનમાં પ્રેમિકા આવી તેનો દંડ દેતા હોય તેવી રીતે પત્ની જેવો વરસાદ મોકલ્યો. ચાલુ થાય એટલે ધડબડાટી, એવડા મોટા કરા પડે કે છત્રી લઈને જાવ તો છત્રી અંદર પણ વાછટ આવે. ખાબોચિયા તો એવા ભરાયેલા હોય કે આજુબાજુમાં ચાલતા વાહનો તમને કોરા મુકે જ નહીં.
સાળીના વિચારમાં વિહરતા હોઈએ અને અચાનક સાસુ ટપકી પડે તેવી હાલત થઇ ગઈ. માથામાં વાગે તેવા કરા આ સિઝનમાં શરૂઆતમાં જ અનુભવ્યા. એટલે પત્નીનો આભાર પણ માન્યો કે ટપલા મારી મારી અને મારું માથું મજબૂત કરવા બદલ આભાર.વરસાદના ફોરા શું બગાડી લેશે.
પલળતા આવેલા ચુનિયાને શબ્દોથી તો પોંખ્યો પણ ભજિયાની સામગ્રી મફત લાવવા બદલ માફ પણ આપી દીધો. શાકભાજીની લારીઓ વરસાદમાં પલળતી કેમ રાખી છે એમ ખખડાવી મફત ડુંગળી, મરચા, બટેટા, મેથીની ભાજી… અને બે દિવસ સુધી ચાલે એટલું શાક પણ લઇ આવેલો. પણ પોતે પલળીને આવ્યો તેથી ભાભીનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો કારણકે છત્રી ક્યાં ભુલાઈ ગઈ હતી એક જ છતરીમાં આખું ચોમાસું કાઢવાનું હતું અને હવે પાછી કોઈની છત્રી ઉપાડવી, ભુલવાડવી તે સભ્ય માણસની નિશાની નથી તેવું ભાભીનું મજબૂત રીતે માનવું છે.અને છતાં છત્રી પુરાણ કરવું જ પડશે તેનો રંજ એક સંસ્કારી કુટુંબ માટે કેટલો હોય તે ‘તુમ ક્યા જાનો વાંચક બાબુ?’
વરસાદમાં કોઈને ગમતા નામ તો કોઈને જામ યાદ આવી જાય. મારી જેવાને છુટ મળે તો જામ સાથે નામ યાદ આવી જાય.પણ ઘરવાળીની બીકે હું મારું નામ પણ ભુલી જાઉં છું. એટલે હળદર વાળા દૂધ સાથે મારા માથે સંસ્કારી, ચારિત્ર્યવાનનું લેબલ લાગેલું છે.
સૌનો વરસાદ અલગ અલગ છે. કારણ સંસ્મરણો, અનુુભૂતિ, સ્પર્શની માત્રા બધુ જ પત્નીથી છુપાવવાની કળા પર અવલંબે છે.
ચાલો છાંટા ચાલુ થયા કપડા સુકાય છે તે લેવાના છે.
વિચારવાયુ
તેં તો નવો રેઇન કોટ લીધો છે ને? તો પલળતો કાં નીકળ્યો?
નવો છે. પલળે તો પાછો બગડે ને!!