આમચી મુંબઈમહારાષ્ટ્ર

Assembly Election: મહારાષ્ટ્રના ‘મહાભારત’ માટે અમિત શાહની રહેશે આ રણનીતિ

મુંબઈઃ લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપના અત્યંત નિરાશાજનક દેખાવ બાદ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)નું કેન્દ્રીય નેતૃત્વ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી (Assembly Election)માં કોઇ પણ પ્રકારનું જોખમ લેવા ન માગતું હોય તેવું જણાઇ રહ્યું છે. મહાયુતિના પક્ષોની આંતરિક સંઘર્ષનો ઉકેલ લાવવા માટે ખાસ યોજના હાથ ધરાશે.

જોકે, ચૂંટણીના ‘ચાણક્ય’ કહેવાતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પર બાજ નજર રાખશે અને આખી રણનીતિ તૈયાર કરશે તેવું જાણવા મળ્યું છે.

વિધાનસભાની ચૂંટણી માટે અમિત શાહે ખાસ યોજના ઘડી હોવાનું પણ કહેવાય છે. ઓક્ટોબર મહિનામાં યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમિત શાહ જુલાઇ મહિનામાં મહારાષ્ટ્ર પ્રવાસે આવશે તેવી શક્યતા છે. તે આ દરમિયાન મહારાષ્ટ્રમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓનું નિરીક્ષણ કરશે.

લોકસભાની ચૂંટણી ખરાબ દેખાવને જોતા મહારાષ્ટ્રમાં ભાજપને વધુ મજબૂત કરવાના ઇરાદે અમિત શાહ મહારાષ્ટ્ર પ્રવાસે આવશે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ લોકોને આશ્ચર્યમાં મૂકી દે તેવા ઉમેદવારોની જાહેરાત કરે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Assembly Election પૂર્વે રોહિત પવારે Ajit Pawar માટે કર્યો મોટો દાવો

આ ઉપરાંત, લોકસભાની ચૂંટણીમાં હારેલા અમુક ઉમેદવારોને વિધાન પરિષદમાં મોકલવાની યોજના હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ભાજપના દિવંગત નેતા ગોપીનાથ મુંડેના પુત્રી પંકજા મુંડેનું નામ વિધાનપરિષદ માટે ચર્ચાઇ રહ્યું છે. અત્યાર સુધી પંકજા મુંડે હારી ગઇ હોવાના કારણે તેમના ચાર સમર્થકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે સંપૂર્ણ કારભાર અને તૈયારીઓની દેખરેખની જવાબદારી કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર્ યાદવ અને અશ્વિની વૈષ્ણવને સોંપવામાં આવી છે. આ સિવાય વિધાન પરિષદની 11 બેઠકો માટે સાંસદ તરીકે જીતી આવવામાં નિષ્ફળ ઉમેદવારો પર પસંદગી ઉતારવામાં આવી શકે તેવી જાણકારી છે.

તેમાં સૌથી પહેલું નામ પંકજા મુંડેનું છે. તે ઉપરાંત રાવસાહેબ દાનવે, આરએસપી નેતા મહાદેવ જાનકરના નામોની પણ વિધાન પરિષદના ઉમેદવાર તરીકે ચર્ચા થઇ રહી છે. ભાજપ વિધાન પરિષદની ચૂંટણીમાં કુલ પાંચ ઉમેદવાર ઉતારે તેવી શક્યતા છે.

અમિત શાહ 13 જુલાઇથી મહારાષ્ટ્રની પહેલી મુલાકાતે આવશે તેવી માહિતી મળી છે. તેમની મુલાકાત દરમિયાન ભાજપથી છૂટા પડેલા નેતાઓ ફરી ભાજપમાં પ્રવેશ કરે તેવી શક્યતા પણ છે. ભાજપના દિગ્ગજ નેતા એકનાથ ખડસે અમિત શાહની હાજરીમાં ફરી ભાજપમાં પ્રવેશ કરશે તેવી ચર્ચા પણ થઇ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button