પુણેમાં ઝિકા વાયરસનો ત્રીજો કેસ નોંધાયો
મુંબઈ: પુણેમાં ઝિકા વાયરસનો ત્રીજો દર્દી નોંધાતા રાજ્યનું આરોગ્ય ખાતું સતર્ક થઈ ગયું છે અને નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
પુણેના એરંડવણે વિસ્તારમાં ૪૭ વર્ષના ડૉકટર અને તેની સગીર પુત્રીને ઝિકા વાયરસનો ચેપ લાગ્યો હતો અને હવે પુણેના મુંઢવા વિસ્તારમાં એક ૪૭ વર્ષની મહિલાનો પણ ઝિકા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ચોમાસામાં અનેક બીમારીઓ માથુ ઉંચકે છે, તેમાં હવે પુણેમાં ઝિકા વાયરસના કેસ નોંધતા આરોગ્ય ખાતાએ ગર્ભવતી મહિલાઓને સાવચેતી રાખવા માટેની ચેતવણી આપી છે.
એડિસ એજિપ્તી મચ્છરથી ઝિકા વાયરસનો રોગ ફેલાય છે. પુણેમાં અત્યાર સુધી જયારે પણ દર્દી મળ્યા છે ત્યારે તેઓએ કોઈને કોઈ જગ્યાનો પ્રવાસ કર્યો હતો અથવા તે કોઈના સંપર્કમાં આવ્યા હતા. હવે જોકે નોંધાયેલા દર્દી કોઈ સંપર્કમાં આવ્યા હતા, પરંતુ હાલ આ દર્દીઓને કોના સંસર્ગથી ચેપ લાગ્યો છે તેનુ મૂળ શોધી શકાયું નથી. તેથી ઝિકા વાયરસનો ચેપ હજી ફેલાવવાની શક્યતા છે.