ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

ગજબનાક સેમ ટુ સેમ
‘રામ ઔર શ્યામ’ હોય, ‘સીતા ઔર ગીતા’ હોય કે પછી એના બીજા ભાઈભાંડુ હોય, જન્મથી વિખૂટા પડેલા અને અનેક વર્ષો પછી અનાયાસે ભેગા થઈ ધમાલ મચાવતાં પાત્રોવાળી હિન્દી ફિલ્મોએ કાયમ દર્શકોનું મનોરંજન કર્યું છે. રીલ લાઈફમાં કલ્પનાના રંગ પૂરવામાં આવે જ્યારે રિયલ લાઈફમાં સેમ ટુ સેમની જોડી એ હદે દંગ કરી મૂકે કે આશ્ર્ચર્યનું એવરેસ્ટ ખડું થઈ જાય. જન્મના મહિના પછી જ વિખૂટા પડી ગયેલા જિમ લુઈસ અને જિમ સ્પ્રિન્ગર નામના જોડિયા બંધુઓ વચ્ચેના સામ્યની કથા લાખો મેં એક જેવી છે. બંનેના નામ જિમ રાખવામાં આવ્યા હતા. બંને માત્ર ૪૦ માઈલના અંતરે રહેતા હોવા છતાં લોહીની સગાઈથી અજાણ હતા. બંનેના લગ્ન એક જ દિવસે થયા અને બંનેએ છૂટાછેડા લીધા. ડિવોર્સ લીધા પછી એક જિમના બીજાં લગ્ન બેટ્ટી નામની યુવતી સાથે થયા અને બીજાના સેક્ધડ મેરેજ પણ બેટ્ટી નામની જ અન્ય યુવતી સાથે થયા. બંને જિમને સેમ ટુ સેમ બ્રાન્ડનો બિયર પસંદ હતો અને સિગારેટ પણ સરખી બ્રાન્ડની જ ફૂંકતા હતા. વૈજ્ઞાનિક અભ્યાસ દરમિયાન બંને જિમનું પરીક્ષણ કરવામાં આવતા તેમના વ્યક્તિત્વનાં લક્ષણો અને મેડિકલ હિસ્ટ્રી પણ સેમ ટુ સેમ જ જોવા મળ્યા. વાત હજી પૂરી નથી થઈ. બંનેને ચિત્ર દોરવા કહેવામાં આવ્યું ત્યારે બંનેએ એક સરખું ચિત્ર દોર્યું હતું. આ બધું એકબીજાની જાણ બહાર બન્યું હતું. જોકે, પછી એક તફાવત જોવા મળ્યો. એક જિમે બીજી વાર ડિવોર્સ લઈ ત્રીજાં લગ્ન કર્યા પણ બીજાએ બીજી સાથે જ લીલાલહેર છે એ જીવનમંત્ર સ્વીકારી લીધો હતો.

વિક્રમનું વિચિત્ર વિશ્ર્વ
બહુ જાણીતી કહેવત છે કે Records are meant to be broken – ગમે એવો વિક્રમ એક દિવસ તો તૂટી જ જતો હોય છે, કારણ કે માણસમાત્રમાં બહેતર – ચડિયાતા સાબિત થવાની અદમ્ય ઈચ્છા ઘર કરીને બેઠી હોય છે. જોકે, આ વિક્રમની દુનિયા ક્યારેક વિચિત્ર પણ હોય છે. અમેરિકન રાજ્ય આઈડાહોના રહેવાસી ડેવિડ રશને એનો અનુભવ થઈ રહ્યો છે. ત્રણ વર્ષ પહેલા ૫૨ અઠવાડિયામાં ૫૨ વિક્રમ પોતાના નામે કરી દેનારા ડેવિડ ભાઈ હવે એક સાથે પોતાના નામે હોય એવા ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સની ૧૮૦ વિક્રમની સિદ્ધિને ઓળંગી ૧૮૧ વિક્રમ પોતાના નામ સાથે જોડવાની વેતરણમાં છે. જોકે, સમસ્યા એ છે કે અન્ય લોકો પણ અસ્તિત્વમાં રહેલા વિક્રમ તોડી નવા પોતાના નામે કરવા થનગનતા હોય છે. કોઈને એમાં સફળતા મળે તો અગાઉનો વિક્રમ જેના નામ સાથે હોય એનો એક વિક્રમ ઓછો થઈ જાય. આ કારણસર જ ગયા વર્ષે ૨૩૦ વિક્રમ સાથે પ્રથમ ક્રમે રહેલા સિલ્વિયા સાબાના નામે આજે ૧૮૦ વિક્રમ છે. બીજી એક નોંધવાની વાત એ પણ છે કે ડેવિડ ભાઈ ૧૮૧ રેકોર્ડ પૂરા કરી બધા પુરાવા સાથે ગિનેસ સમક્ષ રજૂ કરવાના હોય છે. ત્રણ મહિનાની ચકાસણી પછી સર્વ વિક્રમને માન્યતા મળતી હોય છે. પરિણામે ૧૮૧ વિક્રમની અરજીને સ્વીકૃતિ મળે ત્યાં સુધીમાં એક અથવા એકથી વધુ વિક્રમ કોઈએ તોડી નાખ્યા હોય અને ડેવિડના નામે એક સાથે રહેલા વિક્રમની સંખ્યા ૧૮૦ કે એનાથી ઓછી થઈ જાય. વિક્રમનું વિશ્ર્વ વિચિત્ર પણ હોઈ શકે છે.

વિશ્ર્વયુદ્ધે છીનવેલી ડિગ્રી ૧૦૫ વર્ષની ઉંમરે મેળવી
‘ચૂલ આણી મૂલ’ (રસોઈ કરવી અને છોકરા ઉછેરવા) એવી વ્યાખ્યામાં સેંકડો વર્ષ કેદ રહેલી મહિલા તેમાંથી મુક્ત થઈ ‘આજ કી નારી, સબ પે ભારી’ સુધી પહોંચી ગઈ છે. યુએસની ૧૦૫ વર્ષની મહિલા આ બદલાવનું સશક્ત ઉદાહરણ છે. ૮૩ વર્ષ પહેલા અધૂરું મૂકેલું ભણતર શ્રીમતી વર્જિનિયા હિસલોપે ૧૦૫ વર્ષની ઉંમરે પૂરું કરી માસ્ટર્સ ડિગ્રી હાંસલ કરી છે. યુએસની પ્રતિષ્ઠિત સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં ૧૯૩૬માં અભ્યાસ શરૂ કરી ગ્રેજ્યુએટ થયા પછી પ્રોફેસર બનવાની ઈચ્છા પૂરી કરવા વર્જિનિયા હિસલોપે પોસ્ટ ગ્રેજ્યુએશનનું ભણતર શરૂ કર્યું હતું. જોકે, બીજા વિશ્ર્વયુદ્ધની ભીષણતાને પગલે અનેક મહિલાઓએ કારકિર્દીનો ત્યાગ કરી ઘર સંસાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું જેમાં હિસલોપનો પણ સમાવેશ હતો. બીજા વિશ્ર્વયુદ્ધની સમાપ્તિ પછી શ્રીમતી હિસલોપ પતિ અને બે બાળકો સાથે વોશિંગ્ટન રહેવા ગયા. નવા શહેરમાં શિક્ષણની પ્રવૃત્તિનો પ્રારંભ તો કરવા ન મળ્યો પણ શિક્ષણ સંબંધિત પ્રવૃત્તિ જારી રાખી. આ વર્ષના પ્રારંભમાં માસ્ટર્સ ડિગ્રી મેળવાની ઈચ્છાએ ફરી એકવાર સળવળાટ કર્યો અને જમાઈએ તપાસ કરતા ખબર પડી કે ડિગ્રી મેળવવા ફાઇનલ થિસીસ રજૂ કરવાની હવે જરૂર નથી. ગયા અઠવાડિયે દીકરા – દીકરી જમાઈ અને પ્રપૌત્રોની હાજરીમાં માસ્ટર્સની ડિગ્રી વર્જિનિયા હિસલોપને તાળીઓના ગડગડાટ વચ્ચે એનાયત કરવામાં આવી ત્યારે દાદીમા બોલ્યા ‘કેટલાં વર્ષો પછી મારું સપનું સાકાર થયું.’

તવો બન્યું પુરૂષનું હથિયાર
ભૂખ્યાડાંસ હસબન્ડને ગરમ ગરમ ફુલકા ખાવા મળે એ માટે પાટલા પર રોટલી વણવા માટે કામ આપતું વેલણ કોઈ કારણસર પતિથી અતિશય અકળાયેલી – ઉશ્કેરાયેલી પત્ની માટે એક ‘હથિયાર’ બની જતા વાર નથી લાગતી. ‘છૂટ્ટા વેલણનો ઘા’ એક એવી પરિસ્થિતિ છે જેનો સામનો કરતા ભલભલા હસબન્ડના હૈયાં હચમચી જતા હોય છે. જોકે, તાજેતરમાં રસોડાનું એક ઉપકરણ નામે તવાએ પતિ માટે ‘હથિયાર’નો રોલ અદા કર્યો હતો. શિકાગોમાં રહેતા મિસ્ટર જેસન વિલિયમ્સને બપોરે સાડા ત્રણે નોકરીએથી ઘરે પાછા ફરતી વખતે કોઈ ઘરમાં ચોરી કરવા ઘુસ્યું હોવાની જાણકારી ફોનમાં રહેલી ઍપથી મળી. ઘરનો દરવાજો ખોલી અંદર દાખલ થતા સૌપ્રથમ ફ્રાઈંગ પેન (તવો) જેસનના હાથમાં આવ્યું. બસ, એને ભાલાની જેમ હાથમાં ઉગામી ચોરને પડકાર્યો. કદાચ પેલો ચોર પત્નીના છુટ્ટા હાથની ખાવાથી કેવા હાલ થાય એ જાણતો હશે અને એટલે જેસનના હાથમાં તવો જોઈ ઊભી પૂંછડિયે નાઠો. ભાગી રહેલા ગઠિયાને પોલીસે ઝડપી લીધા બાદ આ સમગ્ર વર્ણન મિસ્ટર જેસને સોશિયલ મીડિયા પર શેર કર્યું. કેટલાક લોકોએ તો ભાઇશ્રીને ‘રસોડાના રાજા’ જેવો ખિતાબ પણ આપી દીધો. બીજી તરફ ‘હવે બીજી વાર આવું કરવાની ભૂલ નહીં કરતા’ એવી પતિને સલાહ આપી રસોડાની રાણીએ (પત્નીએ) આ તો પોતાની ઈજારાશાહી – મોનોપોલી પર તરાપ છે એમ આડકતરી રીતે જણાવી દીધું છે.

એઆઈ: હદ કર દી આપને!
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો માનવ જીવનમાં પગપેસારો એ હદે વધી રહ્યો છે કે એના સમાંતર સમાજની રચના એક દિવસ થશે એવો વિચાર જો કોઈને આવે તો હસી ન કાઢવું જોઈએ, બલકે એની સંભાવના વિશે વિચારવું જોઈએ. ચોથી જુલાઈએ યુકેમાં મતદાન થશે ત્યારે એક શહેરમાં મતદારો સમક્ષ વિશ્ર્વના પહેલા એઆઈ સંસદસભ્ય ચૂંટવાનો વિકલ્પ હાજર હશે. આ વર્ષની ચૂંટણીમાં જે ઢગલાબંધ ઉમેદવારો હોડમાં ઉતર્યા છે એમાં એક છે ૫૯ વર્ષના બિઝનેસમેન સ્ટીવ એંડાકોટ. ફરક એટલો જ છે કે તેમના પ્રચાર સાહિત્યમાં નજરે પડતો ચહેરો બિઝનેસમેનનો નથી, બલકે એમના એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અવતારનો છે. મતપત્રક પર ‘એઆઈ સ્ટીવ’ તરીકે એમનું નામ નજરે પડશે. જનતાને સતાવતી વિવિધ સમસ્યાઓનો ઉકેલ લાવવાની હૈયાધારણ એઆઈ ઉમેદવારે આપી છે. અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવનાર મિસ્ટર સ્ટીવના કહેવા મુજબ આ ચૂંટણી પછી દેશભરમાં એઆઈ ઉમેદવાર વધારવામાં આવશે. વિવિધ ઠેકાણે એઆઈનો ઉપયોગ વધી રહ્યો છે તો રાજકારણમાં કેમ નહીં એવી દલીલ આ ગતકડાંના સમર્થનમાં કરવામાં આવી છે. જોકે, ચૂંટણી પંચે મહત્ત્વની સ્પષ્ટતા કરી છે કે જો મિ. એંડાકોટ ચૂંટણી જીતી જશે તો એઆઈ સ્વરૂપ સંસદસભ્ય નહીં બને. હાડમાંસના મનુષ્ય ઉમેદવારને જ સંસદ ભવનમાં જવા મળશે. આ પ્રયોગ સામે અનેક પ્રતિક્રિયા આવી છે જેમાં એક ઉડીને આંખે વળગે છે કે ‘એઆઈ અને રાજકારણીઓમાં એક સામ્ય હોય છે. બંને પર ભરોસો ન કરી શકાય.’ હસવાની મનાઈ નથી.

લ્યો કરો વાત!
હિન્દી ફિલ્મમાં ભૂખથી ટળવળતો બાળક ખાવાનું ચોરીને ભાગે અને મોટો થઈને ગુનેગાર બને એવા દ્રશ્ય અનેક વાર જોવા
મળ્યા છે. ભૂખ સહન નહીં થઈ શકતા કેલિફોર્નિયામાં એક કાળું રીંછ ટ્રકમાં રાખેલું આખેઆખું ટિફિન બોક્સ ઉઠાવીને જ ભાગી ગયું હતું. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ હતી. એ ટિફિન ખોલી એમાં રહેલી વાનગીઓ પેટમાં પધરાવી દેવામાં રીંછને સફળતા મળી હતી. અચાનક કોઈનું ધ્યાન પડ્યું અને રીંછને ભગાડી ટિફિન પાછું મેળવવામાં સ્થાનિક રહેવાસીને સફળતા મળી હતી. શાકાહારી તેમજ માંસાહારી ભોજન આરોગતા રીંછને સ્થાનિક માનવ ભોજનમાં રુચિ પડવાનું આ તાજેતરનું ત્રીજું ઉદાહરણ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button