ઈન્ટરવલ

વ્યાજ અને વેર ટૂંકાવવાં જ સારા!

કચ્છી ચોવક -કિશોર વ્યાસ

એક ચોવક છે : ‘વડપણ મેં કીંક પગડંઢો ખપે’
ઓહો! આ ઘડપણ કોણે મોકલ્યું? ઘડપણ આવે ત્યારે ઘણીવાર ચાલવા માટે અને જીવવા માટે પણ સહારો જોઈએ જ! આ ચોવક પણ એજ વાત કહે છે: ઘડપણમાં કંઈક સહારો જોઈએ. કચ્છીમાં ઘડપણને ‘વડપણ’ કહે છે. ‘મેં’ એકાક્ષરી શબ્દ છે જેનો અર્થ થાય છે: માં. ‘કીક’ એટલે કંઈક અને ‘પગડંઢો’નો અર્થ છે: સહારો કે લાઠી,ડંડુકો કે બંકોડો!

બીજી એવી ચોવક છે જે કહે છે કે: જવાબદારી જેટલી ટૂંકાવાય તેટલી સારી. ચોવક છે: ‘વ્યાજ નેં વેરી વઢ્યા કયે જા’ વ્યાજનો અર્થ વ્યાજ જ થાય છે. ઉધારા લીધેલાં નાણાં પર ચૂકવવું પડતું વ્યાજ. ‘ને’ એટલે અને ‘વેરી’ એટલે ‘વેરી’ કે ‘દુશ્મન’. ‘વઢ્યા’નો મૂળ અર્થ થાય છે વાઢ્યા અને ‘કય જા’ એ બન્ને શબ્દનો અર્થ થાય છે: કામના મતલબ કે વ્યાજ અને વેર એ બન્ને ટૂંકાવવાં જ સારાં…!

ગુજરાતીમાં એક કહેવત અતિ પ્રચલિત છે કે, લોભીયા વસે ત્યાં ધૂતારા ભૂખે ન મરે! એવાજ અર્થ વાળી કચ્છીમાં ચોવક છે: “લોભીયા વસેં તિત ધૂતારા ભૂખ ન મરેં. ‘વસે’ એટલે વસે. ‘તિત’ નો અર્થ છે: ત્યાં. બાકીના શબ્દો ગુજરાતી કહેવતમાં વપરાયેલા સાદા-સરળ શબ્દો છે. યાદ છે? ગુજરાતીમાં આપણે એ અર્થની બીજી કહેવત પણ પ્રયોજતા હોઈએ છીએં.’ ‘અતિલોભ એ પાપનું મૂળ’. ઉલ્લેખ કરાયેલી ચોવકપણ એવું જ કંઈક કહે છે: લોભ કરનારા મોટા ભાગે નુકસાની વેઠતો હોય છે!

તમે એ પણ સાંભળ્યું હશે કે, લોભને થોભ ન હોય! કેટલો લોભ કરવો તેનું પ્રમાણ કયાં નક્કી હોય છે.’ ચોવક છે : “લોભ કે થોભ નાંય અહીં ‘થોભ’ એટલે અટકાવું. ચોવક પણ સ્પષ્ટ કહે છે કે, લોભી માણસ લોભ કરતાં ક્યારેય અટકે નહીં!

એક સુંદર ચોવકનું સ્મરણ થયું છે. ચોવક છે: ‘લોંય વિડાજે, કુ લોંય ન વિડાજે મને ખબર છે, તમારા માટે ‘લોંય’ શબ્દ તદ્ન અપરિચિત છે પણ તેનો અર્થ થાય છે: યોગ્ય. ‘વિડાજે’ શબ્દનો અર્થ છે: લડવું. ચોવકનો મતલબ થાય છે: લડાઈ પણ યોગ્ય વ્યક્તિ સાથે કરાય ‘કુ લોંય’ અપાત્ર સાથે લડાય નહીં, પણ ભાવાર્થ હજુપણ જૂશે જ થાય છે: કામ કરવા માટેનું યોગ્ય સ્થળ!

વળી, કામ કંઈપણ કરતા હોઈએ, “પણ કપડાં બગડશે તો એવો ભાવ મનમાં પેદા થાય, એ વ્યક્તિથી કામ ન થાય! એ કપડાંની માવજત કરે! કામની નહીં! ચોવક એ વાત બહુ સરસ રીતે કહે છે કે, “લૂગડેં સામે ન્યારે ઉન વટાં કમ ન થીયે અહીં ઉપયોગમાં લેવાયેલા ‘લૂગડેં’ શબ્દનો અર્થ થાય છે: વસ્ત્રો કે પહેરેલાં કપડાં. ‘ન્યારે’ એટલે જુએ. ‘ઉન વટાં’ એ બે શબ્દનો અર્થ થાય છે: તેનાથી. ‘કમ’ એટલે કામ (કાર્ય) ‘ન થીયે’ નો અર્થ થાય છે: ન થાય. કોઈ વ્યક્તિ અનાજ રસકસનો વ્યવસાય કરતી હોય અને પછી પહેરેલાં વસ્ત્રો ખરાબ ન થાય એ જ જો જોવા જાય તો તેનાથી એ ધંધો ન થાય. ધંધામાં કપડાં મેલાં તો થાય જ!

આજની છેલ્લી ચોવક છે: “લેણેં જો ધણી લાડકો ‘લેણાં એટલે દેવું કે કરજ.’ ‘જો’ એટલે ‘નો’ અને અહીં ‘ધણી’ શબ્દ દેવાદાર વ્યક્તિ માટે વપરાયો છે, અને ‘લાડકો’ એટલે લાડકો! ચોવક કહે છે: જેના પર ગામનું લેણું હોય એ સૌનો લાડકો હોય છે! કારણ કે. તેને તો બધા જ બોલાવે!!!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button