આરોપીને જામીન મળ્યા હોય તો પણ તેની સામે કાર્યવાહી કરવામાં આવશે: એકનાથ શિંદે
પૂણે પોર્શ હિટ એન્ડ રન કેસમાં મૃતક બાળકોના માતા-પિતાને 10 લાખ રૂપિયાનો ચેક આપ્યો: મૃતક બાળકોના માતા-પિતાએ મહારાષ્ટ્ર સરકારનો આભાર માન્યો
મુંબઈ: પૂણે પોર્શ હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ પામેલા યુવકના માતા-પિતાને 10 લાખનો ચેક ખાસ બાબત તરીકે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા સોંપવામાં આવ્યો હતો. એકનાથ શિંદેએ આ બાળકોના માતા-પિતાને એવું આશ્ર્વાસન આપ્યું કે કોર્ટે આ કેસમાં સગીર આરોપીઓને જામીન આપ્યા હોય તો પણ આ કેસમાં દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: “તમારે જોઈએ તેટલા પૈસા લો, હું આપીશ…”પૂણે પોર્શ કારના આરોપી સગીરે પૈસાનો રોફ દેખાડ્યો
પૂણેમાં પોર્શ હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ પામેલા યુવક અનીશ કોષ્ટાના પિતા ઓમપ્રકાશ કોષ્ટા અને અશ્વિની કોષ્ટાના પિતા સુરેશ કોષ્ટાને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમના વર્ષા નિવાસસ્થાને મળ્યા હતા.
આ સમયે મુખ્ય પ્રધાને કહ્યું હતું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમને ન્યાય અપાવવા માટે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. તેમજ મધ્યપ્રદેશનો રહેવાસી હોવા છતાં રાજ્ય સરકારે તેને આ સહાયનો ચેક આજે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે આપ્યો હતો.
આ પણ વાંચો: પૂણે એક્સિડન્ટમાં આરોપીને જામીન, ધનિકો માટે અલગ ન્યાય
આ પ્રસંગે બંને બાળકોના માતા-પિતાએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને મહારાષ્ટ્ર સરકારનો આભાર માન્યો હતો. તેમણે આ કેસ નવેસરથી હાથ ધરવા અને તેમના બાળકોને ન્યાય અપાવવા માટે તમામ ગુનેગારો સામે પગલાં લેવા બદલ મહારાષ્ટ્ર પોલીસનો પણ આભાર માન્યો.