એકસ્ટ્રા અફેર

પૂણે એક્સિડન્ટમાં આરોપીને જામીન, ધનિકો માટે અલગ ન્યાય

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતમાં ગરીબો માટે અને ધનિકો માટે અલગ અલગ ન્યાય હોય છે એવું કહેવાય છે, મહારાષ્ટ્રના પુણેના કલ્યાણીનગર વિસ્તારમાં રવિવારે બેફામ ઝડપે ચાર કરોડની પોર્શ કાર ચલાવીને બે લોકોને મોતને ઘાટ ઉતારવાના કેસમાં આ વાત સાચી પડી છે. પોર્શ કાર એક ધનિક બાપનો ૧૭ વર્ષનો દીકરો
ચલાવી રહ્યો હતો કે જે નશામાં હતો. દારૂના નશામાં જ
તેણે બે લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છતાં જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે આ છોકરાને કલાકોમાં જામીન પર છોડી
મૂક્યો.

આ વાત આઘાતજનક છે જ કેમ કે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડમાં બેઠેલાં લોકોએ કાયદાની ઐસીતૈસી કરી છે. જેણે અકસ્માત સર્જ્યો એ સગીર છોકરો ૧૭ વર્ષ ને આઠ મહિનાનો છે. મતલબ કે, ૧૮ વર્ષમાં ચાર જ મહિના નાનો છે અને સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ ચુકાદો છે કે, ૧૬ વર્ષથી વધારે વયની કોઈ પણ વ્યક્તિ ઘૃણાસ્પદ અપરાધ કરે ત્યારે તેને પુખ્ત વયનો ગણીને જ તેની સામે કેસ ચલાવવો જોઈએ. નિર્ભયા
કેસમાં સામેલ પાંચ બળાત્કારી પૈકી એક બળાત્કારી ૧૭
વર્ષનો હતો.

સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહેલું કે, ઘૃણાસ્પદ કેસમાં ૧૬ વર્ષથી વધારે ઉંમરની કોઈ પણ વ્યક્તિને પુખ્ત વયની વ્યક્તિ ગણીને જ તેની સામે કેસ ચલાવવો જોઈએ. આ ચુકાદાને આધારે નિર્ભયા કેસના સગીર આરોપીને ત્રણ વર્ષ સુધી રીહેબિલિટેશન હોમમાં મોકલાયો હતો. આ છોકરા સાથે પણ એ જ વ્યવહાર થવો જોઈતો હતો પણ જુવેનાઈલ
જસ્ટિસ બોર્ડે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાના ધજાગરા ઉડાવી દીધા છે કેમ કે બે લોકોની હત્યા કરનારો એક ધનિક બાપનો નબીરો છે.

જામીન અપાયા તેના કરતાં વધારે આઘાતજનક વાત જુવેનાઈલ બોર્ડે જે શરતે આ છોકરાને જામીન આપ્યા એ છે. જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ એટલે કે કોર્ટે સગીર છોકરાને કેટલીક શરતોને આધિન જામીન આપ્યા છે. આ શરતોની વાત સાંભળીને કોઈને પણ આઘાત લાગી જાય. જામીનની શરતોમાં પહેલી શરત એ છે કે, આરોપીએ ૧૫ દિવસ સુધી યરવડાની ટ્રાફિક પોલીસ સાથે કામ કરવું પડશે.

આરોપીને દારૂ છોડવા માટે મદદ કરી શકે તેવા ડૉક્ટર પાસેથી સારવાર લેવાનું કહેવામાં આવ્યું છે. મતલબ કે, ડૉક્ટર આ છોકરાનું કાઉન્સેલિંગ કરીને તેને નશાની લતમાંથી મુક્ત કરવામાં મદદ કરશે. સાથે સાથે અકસ્માત અંગે ૩૦૦ શબ્દોમાં નિબંધ લખવાનું કહેવામાં આવ્યું છે. સાલુ, આ દેશમાં બે લોકોના જીવની કિંમત આ ત્રણ ફાલતુ
શરતો જ છે?

જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે પુણે પોલીસે નોંધેલા કેસના પણ ધજાગરા ઉડાવી દીધા. પુણે શહેર પોલીસે છોકરા સામે આઈપીસીની કલમ ૩૦૪ની જોગવાઈઓ હેઠળ ગેર ઈરાદતન હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે તેની સામે આઈપીસીની અન્ય કલમો અને મોટર વ્હીકલ એક્ટની કલમો પણ લગાવી હતી. આ બધી ગંભીર કલમો છે પણ બોર્ડે તેને ધ્યાનમાં રાખ્યા વિના સાવ ફાલતુ શરતો હેઠળ આ છોકરાને છોડી મૂક્યો.

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સુદ્ધાં જામીનની આ શરતો વિશે સાંભળીને હબક ખાઈ ગયા છે. ફડણવીસે સવાલ કર્યો છે કે, જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ આવી હળવી સજા કઈ રીતે આપી શકે? ફડણવીસે ખાતરી આપી છે કે, આ ગંભીર ગુનામાં આકરામાં આકરાં પગલાં લેવામાં આવશે અને કોઈ દોષિતને છોડવામાં નહીં આવે. પુણે પોલીસે પણ ઉપરી કોર્ટ પાસેથી આ છોકરાને પુખ્ત વયનો ગણીને કેસ ચલાવવાની મંજૂરી માગી છે ને આશા રાખીએ કે, કોર્ટ એ મંજૂરી આપે.

ફડણવીસ ભવિષ્યમાં પોતાની વાતને કઈ હદે વળગી રહે છે એ જોવાનું રહે છે પણ અત્યારે તો ફડણવીસના આદેશના પગલે પોલીસે આ છોકરાના પિતા અને પુણેના ટોચના બિલ્ડર વિશાલ અગ્રવાલને જેલભેગો કરી દીધો છે. પોલીસે વિશાલ અગ્રવાલ સામે બાળકને લિકર કે ડ્રગ્સ પૂરા પાડવા, બાળકની ઈરાદાપૂર્વક અવગણના કરીને માનસિક કે શારીરિક બિમારી સુધી પહોંચાડવા સહિતની કસમો હેઠળ કેસ
નોંધ્યો છે.

આ કલમો હેઠળ વિશાલ અગ્રવાલને પોલીસ ક્યાં સુધી જેલમાં બંધ રાખી શકશે એ સવાલ છે. વિશાલ અગ્રવાલને જેલભેગો કરાય કે તેને સજા થાય તેમાં કશું ખોટું નથી કેમ કે દીકરો ફાટીને ધુમાડે ગયો તેના માટે એ જવાબદાર છે પણ વિશાલની સાથે સાથે તેના દીકરીને પણ સજા થવી જ જોઈએ. એ ૧૭ વર્ષ ને આઠ મહિનાનો છે ને કાનૂની રીતે સગીર છે એટલે બચી જાય તેનાથી મોટી કાયદાની મજાક બીજી કોઈ ના હોઈ શકે.

વિશાલ અગ્રવાલના છોકરાએ જે કર્યું એ ક્રિમિનલ માઈન્ડેડ વ્યક્તિ જ કરી શકે. પોલીસે જ કહ્યું છે કે, છોકરો પોર્શ કાર બેફામ ઝડપે ચલાવી રહ્યો હતો અને દારૂના નશામાં હતો તેથી તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો. આ છોકરાએ કલ્યાણી નગર જંકશન પર કારે બાઇકને જોરદાર ટક્કર મારી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, બાઈક સવાર અનીશ અને તેની પાછળ બેઠેલો તેની મિત્ર અશ્ર્વિની રસ્તા પર સો મીટર સુધી ઢસડાયા હતા. અશ્ર્વિનીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અનીશને શહેરની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં થોડા કલાકો પછી તેનું મૃત્યુ થયું.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે આરોપી છોકરાએ હાલમાં જ ધોરણ ૧૨ની પરીક્ષા પાસ કરી છે એટલે મિત્રો સાથે પાર્ટી કરવા ગયો હતો. એ
બધા મુંડવા વિસ્તારના પબમાં ગયા કે જ્યાં આ લોકોએ દારૂ પીધો હતો. છોકરો દારૂ પીધા પછી કાર ચલાવી તેના
ઘરે જઈ રહ્યો હતો પણ નશામાં હતો તેથી એક્સિડન્ટ કરી દીધો.

આ છોકરાએ બે પરિવારોને તબાહ કરી દીધા છે. મૃતકો અનીશ અધિયા અને અશ્ર્વિની કોસ્તા આઈટી એન્જિનિયર હતા અને મધ્ય પ્રદેશના હતા.

પુણેમાં રહેતા બંને પુણેની એક આઇટી કંપનીમાં કામ કરતા હતા. અશ્ર્વિનીએ નોકરી છોડી દીધી હતી અને
નવી નોકરી શોધી રહી હતી. મિત્રો સાથે પાર્ટી પછી બંને પબમાંથી બહાર આવ્યા હતા અને કેટલાક મિત્રો સાથે
થોડા સમય સુધી વાત કર્યા પછી બંને બાઇક પર ઘરે
જવા માટે નીકળ્યાં પોર્શ કારે ટક્કર મારીને જીંદગી છિનવી લીધી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાલમાં બજારમાં મળતું આ ફળ ખાવાથી મળે છે અગણિત હેલ્થ બેનેફિટ્સ… અંબાણીના પુત્રના પ્રી વેડિંગ ફંક્શનમાં રાધિકાએ પહેર્યો અનંતનો લવ લેટરની છપાઈ વાળો ગાઉન બુક પરથી બનાવવામાં આવેલી 9 Superhit Filmમાંથી તમે કેટલી જોઈ છે? આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ