શુભારંભઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય-ઉત્તરમાં વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે. આજે દાહોદ, ભાવનગર, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લામાં વરસાદ નોંધાયો છે. આજે સવારે છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં રાજ્યના 62 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે ચૂડાનો વાંસલ ડેમ ઓવરફ્લો થતાં નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. આ તરફ ઉપરવાસમાં વધુ વરસાદના કારણે દેવગઢ બારીયાની પાનમ નદીમાં પૂર અચાનક આવતાં ટ્રેક્ટર તણાયું હતું. દરમિયાન આજે મંગળવારે સવારે છ વાગ્યા પુરા થતા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 153 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ખેડા જિલ્લના માતરમાં પાંચ ઇંચથી વધારે વરસાદ વરસયો છે.
ગુજરાતમાં આજે સવારે છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીના આઠ કલાકમાં 62 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ખેડામાં 56 મિમી, વિસાવદરમાં 48 મીમી, ડેસરમાં 48 મીમી, કાલોલમાં 32 મીમી, સાવલીમાં 27 મીમી, જાંબુઘોડામાં 24 મીમી, કુકાવાવ-વડિયામાં 16 મીમી, ગળતેશ્વરમાં 16 મીમી, હાલોલ માં 15 મીમી, ઘોઘંબામાં 14 મીમી, આણંદમાં 11 મીમી, ગારીયાધારમાં 10 મીમી, મહેમદાવાદમાં 10 મીમી વરસાદ વરસી ગયો છે.
આ પણ વાંચો : પહેલો વરસાદ અને નઘરોળ તંત્ર- શું વિકાસની આ જ વણજાર છે?
દાહોદ જિલ્લા ના દેવગઢ બારીયા તાલુકાના બૈણા ગામે પાનમ નદીમાં ટ્રેક્ટર તણાયાની ઘટના બની છે. ઉપરવાસમાં વધુ વરસાદના કારણે પાનમ નદીમાં અચાનક આવ્યું પૂર આવતા નદીમાં રેતી ભરવા ગયેલા ટ્રેક્ટર ચાલક સહિત અન્ય એક નદીમાં ફસાયા છે. તેમને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડામાં એક જ રાત્રીમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના લીધે વાંસલ ડેમ ઓવરફ્લો થયો હતો. ચૂડામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે જિલ્લાના ચોટીલામાં પણ રાત્રી દરમિયાન દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત વઢવાણ, લીંબડી, થાન અને ધ્રાંગધ્રામાં અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
દરમિયાન મંગળવારે સવારે છ વાગે પુરા થતા છેલ્લા 24 કલાકમાં માતર 116 મીમી, કાલોલ (પંચમહાલ) 39 મીમી, ચૂડા 90 મીમી, મહેમદાવાદ 84 મીમી, ધંધુકા 67 મીમી, લાલપુર 65 મીમી, માણસા 48 મીમી, ઓલપાડ 47 મીમી, ખેડા 44 મીમી, વાલોદ 44 મીમી, કલ્યાણપુર 42 મીમી, વધઇ 40 મીમી, વ્યારા 40 મીમી, દેહગામ 39 મીમી, નખત્રાણા 37 મીમી, વલસાડ 37 મીમી, ભાંણવડ 36 મીમી, સંખેડા 34 મીમી, ઘોંઘંબા 34 મીમી, કરજણ 33 મીમી, ખેડબ્રહ્મા 33 મીમી, બાવળા 32 મીમી, ઉમરેઠ 32 મીમી, ચોટીલા 31 મીમી, બોટાદ 31 મીમી, આણંદ 31 મીમી, અમદાવાદ (શહેર) 30 મીમી, વિરમગામ 30 મીમી વરસાદ નોંધાયો હતો.