આમચી મુંબઈમહારાષ્ટ્ર

નીટ-યુજી કાંડનું રેકેટ ખૂબ મોટુઃ અનિલ દેસાઇ

ઉદ્ધવ જૂથના સાંસદે કરી કેન્દ્ર સરકારની ટીકા

મુંબઈઃ આખા દેશમાં ખળભળાટ મચાવી દેનારા નીટ-યુજી કાંડ મુદ્દે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના સાંસદ અનિલ દેસાઇએ કેન્દ્ર સરકારની ટીકા કરી હતી તેમ જ આ રેકેટ ખૂબ મોટું હોવાનો દાવો કર્યો હતો. તેમણે કેન્દ્ર સરકારની ટીકા કરતા ફક્ત મુઠ્ઠીભર લોકોની ધરપકડ કરવા કરતાં વધુ મોટી કાર્યવાહીની જરૂર હોવાનું જણાવ્યું હતું.

દક્ષિણ-મધ્ય મુંબઈના સાંસદ અનિલ દેસાઇએ જણાવ્યું હતું કે આ કાંડના કારણે નીટની સંપૂર્ણ પ્રતિષ્ઠા ખરડાઇ ગઇ છે. એક કે બે અધિકારીઓની ધરપકડ કરવાથી આ મુદ્દાનો ઉકેલ નહીં આવે. આ પાછળ એક મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે.

એન્ટિ ટેરેરેસમ સ્ક્વોડ(એટીએસ) દ્વારા નીટના વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઇને તેમની મદદ કરવા બદલ જિલ્લા પરિષદના એક શિક્ષકની લાતુરથી ધરપકડ કરવામાં આવી અને ચાર અન્ય જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ધરપકડ બાદ અનિલ દેસાઇએ ઉક્ત નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચો: NEET-PG પરીક્ષાની અનિશ્ચિતતાને કારણે વિદ્યાર્થીઓ પરેશાન

દેસાઇએ ત્યારબાદ યુવાનોના ભવિષ્યને સલામત બનાવવાના મહત્વ વિશે વાત કરતા જણાવ્યું હતું કે વિકાસની વાતો કરવાથી અને ભારત એક મહાશક્તિ બનશે તેની વાતો કરવાથી કોઇ ફાયદો નથી. યુવાનો અને આખી નવી પેઢી ભવિષ્યની દિશા અંગે પ્રશ્ન પૂછી રહી છે. જો આપણે યુવાનોનું ભવિષ્ય ન બચાવી શકીએ તો પછી વિકાસ અને મહાશક્તિ તરીકેના સ્થાનની વાતો કરવી વ્યર્થ છે.

સીબીઆઇએ રવિવારે મેડિકલ પ્રવેશ પરિક્ષા નીટ-યુજીમાં ગેરરિતીઓ બદલ એફઆઇઆર નોંધી હતી. ગયા મહિને યોજવામાં આવેલી આ પરિક્ષામાં થયેલી ગેરરિતીઓ બદલ તપાસ માટે સીબીઆઇએ વિવિધ રાજ્યોમાં પોતાની ટીમ પણ રવાના કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button