ત્રણ સગીરોની મારપીટના કેસમાં , હાઈ કોર્ટે આરોપીને જામીન આપ્યા
આ કેસમાં જાતીય શોષણનો હેતુ ન હોવાની નોંધ કોર્ટે કરી

મુંબઈ: ચોર હોવાની શંકાને આધારે ત્રણ સગીરનાં ગુપ્તાંગો પર માર મારનારા 33 વર્ષના પુરુષને બૉમ્બે હાઈ કોર્ટે જામીન આપ્યા હતા. આ કેસમાં જાતીય શોષણનો કોઈ હેતુ ન હોવાની નોંધ કોર્ટે કરી હતી.
જસ્ટિસ અનિલ કિલોરની સિંગલ બૅન્ચે કપિલ ટાકને જામીનનો ચુકાદો 21 જૂને આપ્યો હતો, જેની નકલ સોમવારે ઉપલબ્ધ થઈ હતી. કોર્ટે નોંધ કરી હતી કે આ કેસ શારીરિક અને માનસિક ત્રાસ સંબંધી છે.
ભારતીય દંડ સંહિતાની અનૈસર્ગિક ગુનો, મારપીટ અને ગુનાહિત ધાકધમકીને લગતી કલમો તેમ જ પ્રોટેક્શન ઍફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ 2021માં ટાકની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : અન્નુ કપૂરની ફિલ્મને મોટી રાહત, બોમ્બે હાઈકોર્ટે આપી મંજૂરી
ટાક અને અન્ય આરોપીઓએ ત્રણ સગીરને નિર્વસ્ત્ર કરી તેમની ચામડાના પટ્ટાથી પીટાઈ કરી હતી. ત્યાર બાદ સગીરોના ગુપ્તાંગ પર માર મારી બામ ચોપડ્યો હોવાનો આરોપ કરાયો હતો. આ ઘટનાનું મોબાઈલથી વીડિયો રેકોર્ડિંગ કરવાનો આરોપ પણ ટાક પર હતો.
કોર્ટે નોંધ્યું હતું કે એફઆઈઆર અને તેમાં અરજદાર સામે કરવામાં આવેલા આરોપો ધ્યાનમાં લેતાં પ્રથમદર્શી આમાં કોઈ પણ જાતીય શોષણનો હેતુ રહ્યો હોય તેવું દર્શાવતા કોઈ પુરાવા રજૂ કરાયા નથી. આ પ્રકરણ સગીરો પર શારીરિક અને માનસિક ત્રાસનું છે, કારણ કે ટાક અને અન્ય આરોપીઓએ સગીરોને ચોર સમજી લીધા હતા.
ટાકની વકીલ સના ખાને દલીલ કરી હતી કે આ કેસમાં પોક્સોની જોગવાઈ લાગુ થઈ શકે નહીં. ટાક 2021થી જેલમાં છે અને આરોપનામું પણ દાખલ કરી દેવાયું છે. (પીટીઆઈ)