દુર્ગાદાસ રાઠોડે મોગલ શક્તિને વિભાજિત કરી
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ
(૫૦)
વીર દુર્ગાદાસ રાઠોડે જે અપ્રતિમ સાહસ, નિષ્ઠા અને વફાદારી બતાવ્યા એમાં ઘણાંએ સાથ આપ્યો. પોતાની સમજ, અનુકૂળતા અને જરૂરિયાતને આધારે ઘણાં રાજા મહારાજા અને મહારાણાએ પણ એમને સાથ આપ્યો હતો. મહારાણા રાજસિંહની જેમ મહારાણા જયસિંહ અને મહારાણા અમરસિંહ (બીજા)ના સાથ-સહકારની નોંધ લેવી પડે.
સિસોદિયા અને રાઠોડની યુતિથી ત્રાહિમામ પોકારનારા ઔરંગઝેબ કાયમ રાજસ્થાનમાં ધમાસાણ મચાવતો રહ્યો. મહારાણા રાજસિંહના અવસાન બાદ પાટવીકુંવર જયસિંહે સત્તા સંભાળી ત્યારે મોગલોના હુમલા ચાલું જ હતા. ઔરંગઝેબે પોતાના લશ્કર તો ઠીક શાહઝાદાઓને પણ મેવાડને મહાત કરવા તૈયાર કર્યા હતા.
આની સામે દુર્ગાદાસ રાઠોડે મોગલ શક્તિને વિભાજિત કરવાની શરૂઆત કરી દીધી હતી. આ જોખમી કામગીરીમાં દુર્ગાદાસને મહારાણા જયસિંહે પૂરો ટેકો આપ્યો હતો. શાહજાદા મોહમ્મદ અકબરે દુર્ગાદાસ અને અન્ય રાઠોડ સિસોદિયા સરદારોની મદદથી ઔરંગઝેબની સેના પર હુમલો કરવાનો નિર્ણય લીધો અને ઈ.સ. ૧૬૮૧ના જાન્યુઆરીમાં પોતાને બાદશાહ ઘોષિત કરી દીધો, પરંતુ ઔરંગઝેબની કુટિલતાના સામે મોહમ્મદ અકબરે હારી ગયો.
આ તરફ મહારાણા જયસિંહ અને રાજકુમાર અમરસિંહ વચ્ચે મતભેદ વધવા માંડ્યા. દુર્ગાદાસે બન્નેમાં સમાધાન કરાવ્યું. પરંતુ ૧૬૯૮ના સપ્ટેમ્બરમાં મહારાણા જયસિંહ અવસાન પામ્યા.
આ જયસિંહના ચાર દીકરામાં પાટવીકુંવર અમરસિંહ સૌથી કાબેલ સાબિત થયા. પિતાની નબળાઈઓનો વિરોધ કર્યો, મહારાણા બન્યા બાદ ગણતરીપૂર્વક સમાધાન પણ કરી લીધું, પરંતુ સમય આવ્યે તેમણે દુર્ગાદાસ, રાઠોડનું દિલથી સ્વાગત કર્યું, માન આપ્યું.
ઔરંગઝેબના અવસાન બાદ નવા સુલ્તાન મુઅજ્જમ શાહ આલમ બહાદુરે મહારાણા અમરસિંહને સૂચના (એટલે આદેશ) મોકલી કે દુર્ગાદાસ, અજીતસિંહ અને જયસિંહને પોતાની પાસે ન રાખતા પરંતુ અમરસિંહે એની સદંતર અવગણના કરી. હકીકતમાં ઔરંગઝેબ અને મોગલો વિરુદ્ધ હિન્દુ રાજાઓનું એક સંગઠન બનાવવાના ખયાલમાં મહારાણા અમરસિંહ (બીજા)નું યોગદાન મહત્ત્વપૂર્ણ ગણાય. મેવાડના આ મહારાણા અમરસિંહે આમેરના મહારાજા સવાઈસિંહ અને જોધપુરના મહારાજા અજીતસિંહ સાથે ત્રિપુટી બનાવી, જેથી દુર્ગાદાસ રાઠોડને ઘણી સહાય, સમર્થન અને હૂંફ મળ્યા.
મોગલોની ભયંકર તાકાત, કુટિલતા અને ક્રૂરતા સામે હિન્દુ રાજાઓમાં ભયંકર આંતરિક વિખવાદ, વિલાસીતા અને અન્ય કારણોસર અમરસિંહ, જયસિંહ અને અજીતસિંહની ત્રિપુટીને ધારી સફળતા ન મળી, પરંતુ મોગલો સામે એક થવાની ઈચ્છા અને ઝઝૂમવાનો પ્રયાસ જ બહુ મોટો ફેસલો હતો.
અને જ્યારે દુર્ગાદાસે જેનો જીવ બચાવવા અને ગાદી પર સ્થાપિત કરવા દાયકાઓ વેડફી નાખ્યા એ અજીતસિંહે તેમને આડકતરી રીતે મારવાડમાંથી રવાના કરાવ્યા, ત્યારે મહારાણા અમરસિંહ (બીજા) એ જ તેમને પોતાના રાજ્યના સાદડીની જાગીર આપીને રાખ્યા હતા.
ઢળતી ઉંમરે મહારાણા અમરસિંહ દુર્ગાદાસને માન, સન્માન અને સ્વમાનથી જીવવા માટેની અમૂલ્ય તક આપી એ એમના એક મુખ્ય પ્રદાનો માંનું એક ગણાય. (ક્રમશ:)