‘મેં હજી બહુ લાંબુ વિચાર્યું નથી’ એવું કહીને ગૌતમ ગંભીરે બધાને વિચારતા કરી દીધા
હેડ-કોચ માટેના સૌથી મજબૂત દાવેદારે એક મોટો નિયમ બદલવાનો આઇસીસીને કર્યો અનુરોધ
કોલકાતા: રાહુલ દ્રવિડના સ્થાને ગૌતમ ગંભીર ટીમ ઇન્ડિયાનો નવો હેડ-કોચ બનશે એ લગભગ નિશ્ર્ચિત હોવાનું બીસીસીઆઇ સાથેના તેના ઇન્ટરવ્યૂને પગલે કહેવામાં આવી રહ્યું છે, પરંતુ ગંભીરે શુક્રવારે કોલકાતાની એક ઇવેન્ટમાં જે કહ્યું એનાથી ફરી સૌ કોઈ વિચારતા થઈ ગયા છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં અહેવાલ મળ્યા હતા કે ગંભીરનો બીસીસીઆઇએ ઇન્ટરવ્યૂ લઈ લીધો છે જેમાં ગંભીરે જે પણ શરતો મૂકી હતી એ બીસીસીઆઇને માન્ય છે. બીસીસીઆઇએ બીજા ભૂતપૂર્વ ભારતીય ખેલાડી ડબ્લ્યૂ. વી. રામનનો પણ ઇન્ટરવ્યૂ લીધો છે. જોકે ગંભીરનો ઘોડો આગળ હોવાનું મનાય છે.
આ પણ વાંચો: Jay Shah સાથેની ચર્ચામાં ગૌતમ ગંભીરની પત્ની નતાશાની નિર્ણાયક ભૂમિકા?
ગંભીરે કોલકાતાની ઇવેન્ટમાં હેડ-કોચ બનવા વિશેની તેની સંભાવના વિશે પૂછાતાં કહ્યું, ‘હું બહુ લાંબુ વિચારતો જ નથી. તમે મને અઘરો સવાલ પૂછી રહ્યા છો. એનો હમણાં જવાબ દેવો મુશ્કેલ છે.’
ગંભીરે આ મુદ્દે એવું પણ કહ્યું કે ‘હું ફક્ત એટલું જ કહી શકું કે અત્યારે હું ખુશ છું. હમણાં જ એક શાનદાર સફર (આઇપીએલમાં કોલકાતાનું ચૅમ્પિયનપદ) પૂરી થઈ અને એની મજા માણી રહ્યો છું. હું હમણાં ખૂબ ખુશ છું. હું હંમેશાં કહેતો હોઉં છું કે તમે આ ટીમગેમમાં ટીમથી પર ન રહી શકો. આ એ ટીમ છે જેનું સૌથી વધુ મહત્ત્વ છે. 11 ખેલાડીઓમાં તથા ડ્રેસિંગ રૂમમાં બધા પર એકસરખી જવાબદારી હોવી જોઈએ. એમાં ભેદભાવ ન હોવો જોઈએ.’
આ પણ વાંચો: ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના હેડ કોચ માટે શ્રેષ્ઠ વિકલ્પ
ગંભીરે અન્ય એક મુદ્દે કહ્યું હતું કે ‘આઇસીસીને મારો અનુરોધ છે કે તેમણે એક વન-ડે દરમ્યાન બે નવા બૉલ ઉપયોગમાં લેવાની છૂટ આપતો નિયમ પાછો ખેંચી લેવોજોઈએ.’
2011ની સાલમાં આઇસીસીએ એક નિયમ લાગુ કર્યો હતો જેમાં બૉલની ચમક રહે તથા રિવર્સ સ્વિંગનું પ્રમાણ ઓછું કરી શકાય એ હેતુથી એક વન-ડેમાં બે નવા બૉલ લેવાની છૂટ આપતો નિયમ લાગુ કર્યો હતો. જોકે આ નિયમથી ફિંગર-સ્પિનર્સને ગેરલાભ થયો છે. ગંભીરે એ સંબંધમાં કહ્યું, ‘એક મૅચમાં નવા બે બૉલ વાપરવા દેવાની છૂટ પાછી ખેંચી લેવાની જરૂર છે. ફિંગર-સ્પિનર્સને આ નિયમથી નુકસાન જ થાય છે. આઇસીસીની જવાબદારી છે કે પ્રત્યેક ખેલાડીને પોતાની ટૅલન્ટ બતાવવા એકસરખી તક મળે. આજે વ્હાઇટ બૉલ ક્રિકેટમાં (મર્યાદિત ઓવર્સવાળી મૅચોમાં) ફિંગર-સ્પિનર્સ ભાગ્યે જ જોવા મળે છે. એ માટે આ બોલર્સ નહીં, પણ આઇસીસી જવાબદાર છે. આ નિયમ આવ્યા પછી રિવર્સ-સ્વિંગ નથી જોવા મળતા અને ફિંગર-સ્પિન પણ નથી જોવામાં આવી રહ્યા. બૅટ અને બૉલ વચ્ચે સંતુલન તો જળવાવું જ જોઈએ.’