એકસ્ટ્રા અફેર

ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના હેડ કોચ માટે શ્રેષ્ઠ વિકલ્પ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

એક તરફ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં એક જૂનથી ૨૯ જૂન સુધી ટી-૨૦ વર્લ્ડ કપ રમાવાનો છે તેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાનારા વર્લ્ડ કપ પછી ભારતીય ક્રિકેટ ટીમનો કોચ કોણ હશે તેની અટકળો શરૂ થઈ ગઈ છે. ટી-૨૦ વર્લ્ડ કપ પછી રાહુલ દ્રવિડનો હેડ કોચ તરીકેનો કાર્યકાળ પૂરો થવાનો છે. દ્રવિડ ફરી કોચ નથી બનવાના એ નક્કી છે તેથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા નવા કોચની શોધ ચાલી રહી છે અને તેના માટે અરજીઓ પણ મંગાવાયેલી.

નવા કોચ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૨૭મી મે હતી. આ મુદત સોમવારે ખતમ થઈ ગઈ છે ને કોણે કોણે અરજી કરી એ ખબર નથી પણ અત્યારે તો ગૌતમ ગંભીર ભારતીય ટીમનો નવો કોચ બનવાનો પ્રબળ દાવેદાર મનાય છે. બલ્કે હેડ કોચ તરીકે ગૌતમ ગંભીર નક્કી હોવાની વાતો મીડિયામાં ચાલી રહી છે. ગૌતમ ગંભીર કે બોર્ડ મગનું નામ મરી પાડી નથી રહ્યાં ને ફોડ પાડીને વાત નથી કરી રહ્યાં પણ ગંભીર અને બોર્ડના કારભારીઓ વચ્ચે ચાલી રહેલી ચર્ચાને જોતાં ગંભીર ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બની શકે છે.

ન્યુઝીલેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન અને હાલમાં આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગ પણ કોચ બનવાની રેસમાં હોવાનું કહેવાય છે પણ ગંભીરની શક્યતા વધારે છે ને એ માટે બે કારણ છે. પહેલું કારણ એ કે, ગૌતમ ગંભીર આઈપીએલની ટીમ કોલકાતા કિંગ રાઈડર્સનો મેન્ટર છે અને આ વખતે શાહરૂખની ટીમ ચેમ્પિયન બની છે. ગંભીરે તેની કેપ્ટન્સીમાં પહેલાં બે વાર કોલકાતાને ચેમ્પિયન બનાવેલું ને હવે મેન્ટર તરીકે પણ ચેમ્પિયન બનાવ્યું છે. આ કારણે ગંભીરની લીડર તરીકેની ક્ષમતા સાબિત થયેલી છે.

એક ક્રિકેટર તરીકે પણ ગંભીર અત્યંત સફળ છે. ૨૦૦૭ અને ૨૦૧૧ના વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં ગૌતમ ગંભીરનું મોટું યોગદાન હતું એ જોતાં ગંભીર ટીમના ખેલાડીઓને મોટી ટૂર્નામેન્ટ માટે કઈ રીતે માનસિક રીતે તૈયાર કરવા તેમાં પણ મદદ કરી શકે છે.

બીજું કારણ એ કે, ગૌતમ ગંભીર ભાજપનો સાંસદ હતો ને અત્યારે ક્રિકેટ બોર્ડ પર ભાજપનું વર્ચસ્વ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર જય શાહ બોર્ડના કર્તાહર્તા છે તેથી ગંભીરને તક મળી શકે. કોલકાતાની ટીમ આઈપીએલમાં ચેમ્પિયન બની પછી બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ અને ગૌતમ ગંભીર વચ્ચે વાતચીત થઈ હતી. ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે, ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીર આવી જશે કેમ કે બંને વચ્ચે મેદાન પર જ આ અંગે ચર્ચા થઈ ગયેલી. જય શાહે ગંભીરને ‘દેશ કે લીયે કરના હૈ’ કહીને ગૌતમ ગંભીરને હેડ કોચ બનવા ઓફર કરેલી ને ગંભીરે એ સ્વીકારી છે.

આ વાત કેટલી સાચી છે એ ખબર નથી પણ ગંભીર હેડ કોચ બને તો ભારતીય ક્રિકેટને બે મોટા ફાયદા થાય તેમાં શંકા નથી. સૌથી પહેલાં તો ટીમ ઈન્ડિયાને ખાઈ બદેલા ક્રિકેટરોમાંથી મુક્તિ મળે અને તેમને સ્થાને નવા ખેલાડીઓને તક મળે. ગંભીરે કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન તરીકે અને પછી મેન્ટર તરીકે ટેલેન્ટેડ ભારતીય ખેલાડીને મહત્ત્વ આપીને ચેમ્પિયનશિપ અપાવી. એ જ અભિગમ ટીમ ઈન્ડિયાના સિલેક્શનમાં પણ જોવા મળી શકે. બીજું એ કે, ટીમ ઈન્ડિયામાં આક્રમકતા અને ઝનૂન આવે. રોહિત શર્મામાં કોઈ આક્રમકતા નથી તેથી ટીમ સાવ ટાઢીબોળ લાગે છે. મેદાન પર ઉતરતાં પહેલાં જ ટીમ હારી ગઈ હોય એવી રોહિત શર્માની બોડી લેંગ્વેજ છે એ જોતાં ટીમને આક્રમકતા અને ઝનૂનની જરૂર છે. ગંભીર આ આક્રમકતા અને ઝનૂન રેડી શકે છે.

ગંભીરનું નામ એ રીતે પણ નક્કી મનાય છે કે, કોઈ મોટા વિદેશી ખેલાડીએ કોચ બનવાની ઈચ્છા વ્યક્ત નથી કરી. જય શાહ પણ કહી ચૂક્યા છે બોર્ડને એવા ખેલાડીની હેડ કોચ તરીકે જરૂર છે કે જે ભારતીય ક્રિકેટના ડોમેસ્ટિક ફોર્મેટથી સારી રીતે વાકેફ હોય. બોર્ડની નજર વીવીએસ લક્ષ્મણ પર હતી પણ લક્ષ્મણને ફૂલ ટાઈમ કોચ બનવામાં રસ નથી. લક્ષ્મણ હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીના હેડ છે અને આ ભૂમિકાથી સંતોષ છે. આ સંજોગોમાં બોર્ડ પાસે ગંભીર સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

ગૌતમ ગંભીરને તાત્કાલિક કોચ બનાવાય એવી શક્યતા માટે બીજું પણ એક કારણ છે. હાલમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ રમવા અમેરિકા ઉપડી ગઈ છે. વર્લ્ડ કપ આડે ગણતરીના બે દિવસ બચ્યા છે.

એ પછી શ્રીલંકા અને ઝિમ્બાબ્વે જેવા બહુ મહત્ત્વના નહીં એવા દેશો સામે સીરિઝ છે. શ્રીલંકા અને ઝિમ્બાબ્વેના પ્રવાસમાં સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવશે. એ વખતે તદ્દન નવા ખેલાડીઓને તક અપાશે ને નવી ટીમ બનાવવાની પ્રક્રિયા શરૂ થશે. આ નવી ટીમ આવતા વર્ષે રમાનારા વર્લ્ડ કપ સુધીમાં તૈયાર થઈ જશે. ગંભીરે જે રીત કોલકાતા નાઈટ રાઈડર્સને યુવા ખેલાડીઓની મદદથી ચેમ્પિયન બનાવી એ રીતે ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવી શકે એ માટે તેને પૂરતો સમય મળી રહે એ માટે પણ ગંભીરને તાત્કાલક કેપ્ટન બનાવવો જરૂરી છે.

ગંભીર ટીમ ઈન્ડિયાનો કોચ બનવા મુદ્દે અવઢવમાં હોવાની વાતો પણ ચાલી રહી છે. આ વાતો કરનારાંનું કહેવું છે કે, કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ ખાનના ગંભીર સાથે ખૂબ જ ગાઢ સંબંધો છે અને શાહરૂખે તેને કોરો ચેક આપીને મેન્ટર બનાવ્યો છે તેથી તેના માટે કોલકાતાની ટીમને છોડવી સરળ નહીં હોય. આ વાત કરનારાંની બુદ્ધિ વિશે જ શંકા જાગે છે કેમ કે ગંભીરે તેની કેપ્ટન્સીમાં પહેલાં બે વાર કોલકાતાને ચેમ્પિયન બનાવ્યા પછી કોલકાતાની ટીમ છોડીને જતો જ રહેલો ને દિલ્હી તરફથી રમ્યો હતો.

ગંભીર એ વખતે કેપ્ટન હોવા છતાં ટીમને છોડી ગયેલો તો અત્યારે તો મેન્ટર છે. તેના માટે કોલકાતાની ટીમને છોડવી બહુ અઘરી નથી. બીજી એવી દલીલ કરાય છે કે વિરાટ કોહલી સહિતના ક્રિકેટરો સાથે ગૌતમ ગંભીરને સારા સંબંધો નથી અને ભારતીય સિનિયર ખેલાડીઓના અભિપ્રાયને બોર્ડ અવગણી નહીં શકે. આ દલીલ પણ વાહિયાત છે કેમ કે બોર્ડ સિનિયરોના અભિપ્રાયને ગણકારતું હોત તો ગંભીરને ઓફર જ ના કરી હોત.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Airport પર આ રીતે Deepika Padukoneને સંભાળતો જોવા મળ્યો Ranveer Singh.. સોનાક્ષીની નણંદ પણ છાપે છે પૈસા 53 વર્ષ પહેલાં આવેલી Rajesh Khannaની ફિલ્મના એ સુપરહિટ ડાયલોગ… T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી