બાલ્ટીમોરમાં જહાજ ટક્કરથી પુલ તૂટવાનો કેસઃ Crew Memberને મળી શકે મોટી રાહત
બાલ્ટીમોરઃ અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના બાલ્ટીમોર શહેરમાં ડાલી નામનું કાર્ગો જહાજ ટકરાવાના કારણે ‘ફ્રાન્સિસ સ્કોટ કી’ પુલ તૂટી પડ્યો હતો. આ જહાજના ચાલક દળના સભ્યો આ કેસની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાની શરતે પોતાના ઘરે પાછા ફરી શકે છે. નોંધનીય છે કે આ સિંગાપોર ફ્લેગવાળું જહાજ શ્રીલંકાની રાજધાની કોલંબો જઈ રહ્યું હતું.
મીડિયા રિપોર્ટ અનુસાર વકીલોએ મંગળવારે ન્યાયાધીશને ચાલક દળના સભ્યોને તેમના ઘરે જતા રોકવા માટે કહ્યું હતું. કોર્ટના ફાઇલિંગમાં સામેલ ઇમેઇલ અનુસાર, ડાલી જહાજના ચાલક દળોમાંથી આઠ સભ્યો તેમના ઘરે પાછા ફરવાના હતા.
ચાલકદળનો એક પણ સભ્ય હજુ સુધી અમેરિકા છોડી શક્યો નથી. મોટા ભાગના ચાલક દળના સભ્યો ભારત અને શ્રીલંકાના રહેવાસી છે. નોંધનીય છે કે 26 માર્ચે આ જહાજ અચાનક બાલ્ટીમોરના પુલ સાથે અથડાયું હતું અને પુલ તૂટી પડ્યો હતો.
એક સુનાવણી દરમિયાન અમેરિકન જિલ્લાના જસ્ટિસ જેમ્સ કે. બ્રેડરે પુષ્ટી કરી હતી કે કરાર હેઠળ ચાલક દળ ઘરે પાછો ફરી શકે છે પરંતુ તેઓને જુબાની માટે ઉપલબ્ધ રહેવું આવશ્યક છે.
આ પણ વાંચો : બાલ્ટીમોર બ્રિજ દુર્ઘટનાઃ તપાસ પૂરી ના થાય ત્યાં સુધી જહાજ પર રહેવાનો ક્રૂ મેમ્બર્સને આદેશ
વકીલોએ લખ્યું હતું કે “ક્રૂમાં સંપૂર્ણપણે વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે, જેઓ ચોક્કસપણે આ કેસની તમામ ઘટનાઓને જાણે છે. “જો તેઓને અમેરિકા છોડવાની મંજૂરી આપવામાં આવે છે તો તપાસકર્તાઓને તેમની પૂછપરછ કરવાની અથવા જુબાની લેવાની તક ક્યારેય મળશે નહી.
મંગળવારે કોર્ટમાં દાખલ કરાયેલા ઈમેઈલ મુજબ આઠ ક્રૂ સભ્યો જે ઘરે પરત ફર્યા હતા તેમની ન્યાય વિભાગના તપાસકર્તાઓ દ્વારા પહેલાથી જ પૂછપરછ કરવામાં આવી છે અને વિભાગને તેમના જવા સામે કોઈ વાંધો નથી.