વેપાર

મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વચ્ચે વિશ્વ બજાર પાછળ સોનાચાંદીમાં આગેકૂચ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મધ્ય પૂર્વનાં દેશોમાં તાજેતરમાં ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટી પર કરવામાં આવેલા હુમલા તેમ જ રશિયા-યુક્રેઈન વચ્ચે પણ તણાવ વધતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં આગેકૂચ જળવાઈ રહી હતી, જ્યારે ચાંદીમાં વધ્યા મથાળેથી ઘટાડો નોંધાયો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૬૨થી ૫૬૪ની આગેકૂચ જોવા મળી હતી. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં પણ વૈશ્ર્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે ભાવમાં કિલોદીઠ રૂ. ૬૨૮નો સુધારો આગળ ધપ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્ર્વિક ચાંદીમાં ઘટાડતરફી વલણ રહ્યું હોવા છતાં ભાવ ઔંસદીઠ ૩૦ ડૉલરની સપાટીની ઉપર જ પ્રવર્તી રહ્યા હોવાથી સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૬૨૮ વધીને રૂ. ૯૦,૬૬૬ના મથાળે રહ્યા હતા, જોકે જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહી હતી. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૬૨ વધીને રૂ. ૭૨,૪૩૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ.૫૬૪ વધીને રૂ. ૭૨,૭૨૬ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હતી.

દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ખાસ કરીને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતની શક્યતા સપાટી પર આવવાની સાથે મધ્ય પૂર્વનાં દેશોમાં તણાવ વધતાં સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળી જતાં ભાવ ગઈકાલના બંધ સામે વધુ ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૩૬૩.૭૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં એક ટકાનો ચમકારો આવ્યો હતો. તેમ જ આ સપ્તાહમાં અત્યાર સુધીમાં ભાવ ૧.૭ ટકા વધી આવ્યા છે. વધુમાં આજે સોનાના વાયદામાં પણ ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૨૩૭૭.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ વધ્યા મથાળેથી ૧.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૩૦.૩૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

ઈઝરાયલે ગાઝા પટ્ટી પર કરેલા હુમલાને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન રાજકીય-ભૌગોલિક તણાવ વધવાની શક્યતા હોવાથી સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળતો રહેશે, એમ ઓએનડીએનાં એશિયા પેસિફિક વિભાગનાં વિશ્ર્લેષક કેલ્વિન વૉંગે જણાવ્યું હતું. જોકે, ગત સપ્તાહે અમેરિકા ખાતે બેરોજગારી ભથ્થા માટેની અરજીની સંખ્યામાં સાધારણ ઘટાડો થયો હોવાના અહેવાલ હતા, જ્યારે ગૃહ બાંધકામમાં ઘટાડો થયો હતો. આ પૂર્વે રિટેલ વેચાણમાં ઘટાડો થયો હોવાથી બજાર વર્તુળો આગામી સપ્ટેમ્બર મહિનામાં રેટકટ કરે તેવો આશાવાદ સપાટી પર આવ્યો છે. હવે આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાનાં ફ્લેશ પર્ચેઝિંગ મૅનૅજર્સ ઈન્ડેક્સ પર રોકાણકારોની નજર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button