ડેવિડ જૉન્સનને 1996માં ઈજાગ્રસ્ત જાવાગલના સ્થાને ટેસ્ટ રમવા મળી હતી
ભૂતપૂર્વ બોલર જૉન્સનનું ચોથા માળેથી પડી જતાં મૃત્યુ, આત્મહત્યાની શંકા: મિત્ર કુંબલે સહિત અનેકની અંજલિ
બેન્ગલૂરુ: 1996માં ભારત વતી બે ટેસ્ટ-મૅચ રમનાર પેસ બોલર ડેવિડ જૉન્સનનું ગઈ કાલે અહીંના અપાર્ટમેન્ટના ચોથા માળ પરની બાલ્કનીમાંથી પડી જવાને કારણે મૃત્યુ થયું હતું. તેણે આત્મહત્યા કરી હતી કે અકસ્માતે મૃત્યુ થયું એ સંબંધમાં તપાસ થઈ રહી હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું.
જૉન્સન બાવન વર્ષનો હતો. તેના પરિવારમાં પત્ની અને બે સંતાનોનો સમાવેશ છે. જૉન્સન તેના ઘરની નજીક ક્રિકેટ ઍકેડેમી ચલાવી રહ્યો હતો અને થોડા સમયથી તેની તબિયત સારી નહોતી.
કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિયેશનના અધિકારીએ પીટીઆઇને જણાવ્યું હતું કે ‘જૉન્સન ચોથા માળેથી પડી ગયા બાદ તેને તરત જ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.’
જૉન્સન 1996માં બે ટેસ્ટ રમ્યો હતો. ઑસ્ટ્રેલિયા સામેની દિલ્હીની ટેસ્ટમાં જાવાગલ શ્રીનાથ ઈજાને કારણે ન રમી શક્તા જૉન્સનને ટેસ્ટમાં ડેબ્યૂ કરવા મળ્યું હતું. એ મૅચમાં જૉન્સનના રૂપમાં વેન્કટેશ પ્રસાદને સારો જોડીદાર મળ્યો હતો. જૉન્સને એ મૅચમાં ઓપનર માઇકલ સ્લેટર (0)ની મહત્ત્વની વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: Pakistan cricket team: 25 ડોલર આપો અને ક્રિકેટરને મળો! પાકિસ્તાની ટીમના પ્રાઈવેટ ડીનર અંગે વિવાદ
એ મૅચમાં રમનાર અન્ય ભારતીય બોલર્સમાં અનિલ કુંબલે, સુનીલ જોશી અને આશિષ કપૂરનો સમાવેશ હતો. સચિન તેન્ડુલકર એ ટેસ્ટમાં કૅપ્ટન હતો અને ભારતે માર્ક ટેલરની ટીમને સાત વિકેટે હરાવી દીધી હતી. જૉન્સને ઑસ્ટ્રેલિયાના બ્રૅડ હૉગ સાથે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું.
જૉન્સનની બીજી અને છેલ્લી ટેસ્ટ સાઉથ આફ્રિકા સામે હતી. જૉન્સને ડરબનની એ ટેસ્ટમાં હર્શેલ ગિબ્સ, બ્રાયન મૅકમિલનની વિકેટ લીધી હતી. જોકે ભારત એ ટેસ્ટ 328 રનથી હારી ગયું હતું.
જૉન્સને કર્ણાટક વતી ફર્સ્ટ-ક્લાસ મૅચોમાં કુલ 125 વિકેટ લીધી હતી. તેની સાથે રમનાર ડોડા ગણેશે પીટીઆઇને કહ્યું, ‘જૉન્સનના મૃત્યુના સમાચારથી મને ખૂબ આઘાત લાગ્યો છે. અમે યુવાનીમાં જય કર્ણાટક ક્લબ વતી ટેનિસ બૉલ ક્રિકેટ રમ્યા હતા. ત્યાર બાદ અમે કર્ણાટક વતી પણ સાથે રમ્યા હતા.
ભારતીય લેજન્ડ અનિલ કુંબલેએ પણ જૉન્સનને અંજલિ આપી હતી. કુંબલે અને અન્ય સાથી ખેલાડીઓ જૉન્સનને ‘બૅની’ કહીને બોલવતા હતા. કુંબલેએ જણાવ્યું, ‘મારા ક્રિકેટના દિવસોના સાથી ખેલાડી બૅની જૉન્સનના મૃત્યુના સમાચારથી મને ખૂબ આઘાત લાગ્યો છે. તેના પરિવારને હૃદયપૂર્વક દિલાસો આપવા માગું છું.’
બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે જૉન્સનના પરિવાર માટે ટ્વિટર પર આપેલા શોકસંદેશમાં જણાવ્યું, ‘ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ડેવિડ જૉન્સનના ક્રિકેટ પ્રત્યેના યોગદાનને હંમેશાં યાદ રાખીશું. તેમના પરિવાર અને મિત્રોને અમે હૃદયપૂર્વક શોકસંદેશ પાઠવીએ છીએ.’