રિવર્સ લેતી વખતે કાર ખીણમાં ખાબકતાં મહિલાનું મોત: મિત્ર વિરુદ્ધ ગુનો નોંધાયો
મહિલાની હત્યા કરાઇ હોવાનો પરિવારજનોએ કર્યો આક્ષેપ

છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં ત્રણ દિવસ અગાઉ રિવર્સ લેતી વખતે કાર ખીણમાં ખાબકતાં શ્ર્વેતા સુરવસે નામની મહિલાના થયેલા મૃત્યુ પ્રકરણે તેના મિત્ર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. બીજી તરફ શ્ર્વેતાના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે શ્ર્વેતાની હત્યા કરવામાં આવી છે.
પોલીસે મહિલાના મિત્ર સૂરજ મુળે પર ભારતીય દંડસંહિતાની કલમ 304 (એ) હેઠળ ગુનો નોંધ્યો છે, કારણ કે તેણે મહિલા પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે કે નહીં તે જાણ્યા વિના તેને કારની ચાવી આપી દીધી હતી.
શ્ર્વેતા સુરવસે (23)નું સોમવારે મૃત્યુ થયું હતું, જ્યારે કાર રિવર્સ ગીયરમાં હતી અને તેનાથી અકસ્માતે એક્સિલેટર દબાઇ ગયું હતું. મિત્ર સૂરજ એ સમયે તેનો વીડિયો શૂટ કરી રહ્યો હતો, એમ પોલીસે અગાઉ જણાવ્યું હતું.
આ પણ વાંચો: શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય વિરુદ્ધ ગુનો
સુલીભંજન વિસ્તારમાં કાર બેરિયર તોડીને 300 ફૂટ નીચે ખીણમાં ખાબકી હતી. બચાવકર્તાઓને કાર અને મહિલા સુધી પહોંચવામાં એક કલાક લાગ્યો હતો. મહિલાને નજીકની હોસ્પિટલમાં લઇ જવાતાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
ખુલ્તાબાદ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે સૂરજ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. કાયદાની માર્ગદર્શિકા અનુસાર અમે સૂરજ સામે નોટિસ જારી કરીશું.
શ્ર્વેતાની પિતરાઇ પ્રિયંકા યાદવે આક્ષેપ કર્યો હતો કે આરોપીએ હત્યાની યોજના બનાવી હતી. અમને અકસ્માતના પાંચ-છ કલાક બાદ શ્ર્વેતાના મૃત્યુ વિશે જણાવવામાં આવ્યું હતું. શ્ર્વેતાએ ક્યારેય રીલ બનાવી નથી અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નથી. આરોપીએ હત્યાની યોજના બનાવી હતી અને શ્ર્વેતાને શહેરથી 30-40 કિલોમીટર દૂર લઇ ગયો હતો, એમ પ્રિયંકાએ જણાવ્યું હતું. (પીટીઆઇ)