‘નવા નિશાળિયા’ હંફાવી રહ્યા છે ‘જૂના જોગીઓ’ને
સાવ અજાણ્યા દેશોના ખેલાડીઓ વર્ષો જૂના વિક્રમ તોડે છે એમાં લેજન્ડરી ક્રિકેટર્સના નામ રેકૉર્ડ-બુકમાં નીચે ઊતરતા જાય છે
સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા
આસિફ ખાન, બિલાલ ઝલમાઇ, સાહિલ ચૌહાણ , જસ્કરન મલ્હોત્રા
અંગ્રેજીમાં કહેવત છે, ‘રેકૉર્ડ્સ આર મીન્ટ ટૂ બી બ્રોકન’. ક્રિકેટમાં આવું વારંવાર જોવા મળ્યું છે. સર ડોનાલ્ડ બ્રૅડમૅનના કેટલાક અમૂલ્ય વિક્રમ સચિન તેન્ડુલકરે તોડ્યા તો લિટલ માસ્ટરના અમુક રેકૉર્ડ વિરાટ કોહલી તોડી રહ્યો છે. મહાન વેસ્ટ ઇન્ડિયન ક્રિકેટર બ્રાયન લારાનો હાઇએસ્ટ અણનમ ૪૦૦ ટેસ્ટ-રનનો વર્લ્ડ રેકૉર્ડ ૨૦ વર્ષથી અકબંધ રહ્યો છે, પણ ખુદ લારાએ તાજેતરમાં કહ્યું કે યશસ્વી જયસ્વાલ તેનો આ વિક્રમ તોડી શકે એમ છે. બોલિંગની વાત કરીએ તો એક સમય હતો જ્યારે ન્યૂ ઝીલૅન્ડના લેજન્ડ સર રિચર્ડ હેડલીનો ૪૩૧ ટેસ્ટ વિકેટનો વિશ્ર્વવિક્રમ કપિલ દેવે (૪૩૪ વિકેટ) તોડ્યો હતો અને ત્યાર પછી સમયાંતરે સ્પિનર્સ અને પેસ બોલર્સ પોતાના નામે નવો રેકૉર્ડ લખાવતા ગયા.
જોકે વિક્રમો તૂટવાની રફતાર ક્રિકેટના મોટા દેશોના ખેલાડીઓ સુધી સીમિત હતી ત્યાં સુધી એની એક અલગ જ મજા હતી, પરંતુ જ્યારથી નાના દેશો ક્રિકેટનાં રણમેદાનો પર સક્રિય બન્યા છે ત્યારથી વિક્રમનું મૂલ્ય જાણે થોડું ઘટી ગયું છે.
ક્રિકેટની રમતનું સંચાલન કરતી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) સાથે એક સમયે આંગળીને વેઢે ગણાય એટલાં રાષ્ટ્રો મેમ્બર તરીકે જોડાયેલાં હતાં, પણ આજે એ સંખ્યા ૧૦૮ ઉપર પહોંચી ગઈ છે. એમાં (ભારત, ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ વગેરે દેશો સહિત) માત્ર ૧૨ ફુલ મેમ્બર છે, જ્યારે ૯૬ દેશ આઇસીસીમાં અસોસિયેટ મેમ્બર છે.
ક્રિકેટનો ફેલાવો વધારવામાં આવી રહ્યો છે એટલે સ્વાભાવિક રીતે એમાં રાષ્ટ્રોની સંખ્યા ઝડપભેર વધવાની જ છે, પણ એમાં ક્રિકેટના ગ્રંથ તરીકે મૂલ્યવાન ગણાતી રેકૉર્ડ-બુક્સને અસર થાય તો ક્રિકેટ પ્રત્યેના ક્રેઝને ઘસરકો લાગ્યા વિના રહે નહીં.
આમેય ૨૦ વર્ષ પહેલાં ટી-ટ્વેન્ટીનું આગમન થયું ત્યારથી ટેસ્ટ અને વન-ડેનું મહત્ત્વ ઘટી ગયું છે અને લોકોને ફટાફટ ક્રિકેટમાં જ વધુ રસ છે. ક્રિકેટને અસંખ્ય નવા ચાહકો જરૂર મળ્યા, પણ એ પણ મોટા ભાગે ટી-૨૦ ફૉર્મેટને લીધે જ શક્ય બન્યું છે.
મૂળ વાત એ છે કે થોડાં વર્ષોથી વન-ડે અને ટી-૨૦ની રેકૉર્ડ-બુક્સમાં કેટલાક વિક્રમોમાં (ક્રિકેટના દૃષ્ટિકોણથી) સાવ અજાણ્યા દેશોના એવા ખેલાડીઓના નામ ચમકી રહ્યા છે જેમના નામ અગાઉ ક્યારેય કોઈએ સાંભળ્યા પણ ન હોય.
તાજેતરનું જ ઉદાહરણ લઈએ. યુરોપના એસ્ટોનિયા નામના દેશનું નામ બહુ ઓછા લોકોએ સાંભળ્યું હશે. પશ્ર્વિમ એશિયાના ટચૂકડા ટાપુ સાયપ્રસનું નામ પણ ક્રિકેટમાં જરાય જાણીતું નથી. જોકે ત્રણ દિવસ પહેલાં આ બે દેશ વચ્ચેની એ દેશ મૅચ ક્રિકેટજગતમાં છવાઈ ગઈ હતી. એસ્ટોનિયાના ભારતીય મૂળના ૩૨ વર્ષના ખેલાડી સાહિલ ચૌહાણે ત્રણ દિવસ પહેલાં કૅરિબિયન લેજન્ડ ક્રિસ ગેઇલનો વર્ષો જૂનો વિક્રમ તોડ્યો હતો. ચૌહાણે સાયપ્રસ સામેની ટી-૨૦માં ફક્ત ૨૭ બૉલમાં સેન્ચુરી ફટકારી હતી. એ સાથે, તેણે ગેઇલનો ૩૦ બૉલની સેન્ચુરીનો વિશ્ર્વવિક્રમ જે તેણે ૨૦૧૩ની આઇપીએલમાં બેન્ગલૂરુ વતી પુણે વૉરિયર્સ સામે નોંધાવ્યો હતો એ તોડી નાખ્યો હતો.
વાત એવી છે કે ગેઇલે ૩૦ બૉલની સેન્ચુરીનો જે રેકૉર્ડ ૧૧ વર્ષથી સાચવીને રાખ્યો હતો એ એસ્ટોનિયાના ચૌહાણે સાયપ્રસ જેવી નાની ટીમ સામેની મૅચમાં તોડી નાખ્યો.
વન-ડે ક્રિકેટ ૧૯૭૧થી રમાય છે અને એમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી (સૌથી ઓછા બૉલમાં સદી)ની રેકૉર્ડ-બુકમાં સાઉથ આફ્રિકાના માર્ક બાઉચરનું નામ (૪૪ બૉલમાં ૧૦૦ રન) પાંચમા નંબર પર હતું. જોકે હવે બાઉચરનું નામ છઠ્ઠા સ્થાને છે અને પાંચમા નંબર પર યુએઇનો આસિફ ખાન છે. નવાઈ લાગી હશે આસિફનું નામ વાંચીને, ખરુંને? ગયા વર્ષે આસિફ ખાને નેપાળ સામેની મૅચમાં ૪૧ બૉલમાં વન-ડે ઇન્ટરનૅશનલમાં સદી ફટકારી એ સાથે તેનું નામ બાઉચરથી પહેલા લખાઈ ગયું.
વન-ડેમાં એક ઓવરમાં સૌથી વધુ ૩૬ રન (૬, ૬, ૬, ૬, ૬, ૬) બનાવવાનો વિશ્ર્વવિક્રમ ૧૮ વર્ષથી સાઉથ આફ્રિકાના હર્શેલ ગિબ્સના નામે છે અને શ્રીલંકાનો થિસારા પરેરા ૩૫ રન (૬, વાઇડ, ૬, ૬, ૬, ૪, ૬)ના આંકડા સાથે ૧૧ વર્ષથી બીજા નંબર પર હતો, પણ ૨૦૨૧માં અમેરિકાના જસ્કરન મલ્હોત્રાએ પાપુઆ ન્યૂ ગિની (પીએનજી) સામેની મૅચમાં એક ઓવરમાં ૩૬ રન (૬, ૬, ૬, ૬, ૬, ૬) બનાવીને પરેરાને પાછળ રાખી દીધો હતો અને ગિબ્સ પછીના બીજા સ્થાને ગોઠવાઈ ગયો હતો. તમે જુઓ કે સાઉથ આફ્રિકન લેજન્ડ એબી ડિવિલિયર્સ (વેસ્ટ ઇન્ડિઝ સામે એક ઓવરમાં ૩૪ રન) અને કિવી પ્લેયર જેમ્સ નીશૅમ (શ્રીલંકા સામે એક ઓવરમાં ૩૪ રન)થી પણ જસ્કરનનું નામ આગળ છે.
ટી-૨૦ ક્રિકેટમાં કોઈ પણ બૅટર માટે સ્ટ્રાઇક રેટ (દર ૧૦૦ બૉલ દીઠ રન) અત્યંત મહત્ત્વનો કહેવાય. એમાં ભારતનો વર્લ્ડ નંબર-વન બૅટર સૂર્યકુમાર યાદવ ૧૬૮.૦૬ના સ્ટ્રાઇક-રેટ સાથે ઘણા સમયથી ટોચના ક્રમાંકોમાં છે, પરંતુ નવાઈની વાત એ છે કે રેકૉર્ડ-બુકમાં ઑસ્ટ્રિયાના બિલાલ ઝલમાઇ (૧૭૬.૦૧નો સ્ટ્રાઇક-રેટ) અને જિબ્રાલ્ટરના કૅરૉન સ્ટૅગ્નો (૧૭૩.૯૭નો સ્ટ્રાઇક-રેટ) સૂર્યકુમારથી પણ આગળ છે.
કહેવાનો ભાવાર્થ એ છે કે બે તદ્ન નવા અને ટચૂકડા દેશો વચ્ચેની આંતરરાષ્ટ્રીય મૅચમાં રનનો ઢગલો થાય છે એમાં ક્રિકેટના લેજન્ડરી ખેલાડીનો વર્ષોથી સચવાયેલો વિક્રમ ઝાંખો પડી જાય છે, એ વિક્રમ જીવંત નથી રહેતો. બીજી રીતે કહીએ તો રેકૉર્ડ-બુકમાં એ પીઢ અને ખ્યાતનામ ખેલાડીનું નામ નીચે ઊતરી જાય છે અને ઉપરના ક્રમે સાવ અજાણ્યા તથા નવા નિશાળિયા જેવા ખેલાડીના નામ વાંચવા મળે છે. ક્રિકેટના અસલ ગ્રંથો સામે આ મોટું જોખમ અને મોટો પડકાર છે.
શું આઇસીસી આ સંબંધમાં કોઈ ફેરફાર કરશે? જેમ કે જૂના રેકૉર્ડ્સને અલગ કૅટેગરીમાં રાખવા જોઈએ, ફુલ મેમ્બર હોય એવા (ટેસ્ટનો દરજ્જો મેળવી ચૂકેલા) દેશોના ખેલાડીઓ દ્વારા બનેલા વિક્રમોને અલગ વર્ગમાં રાખવા જોઈએ અને આઇસીસીમાં અસોસિયેટ મેમ્બર હોય એવા બે દેશની ટીમ વચ્ચે બનેલા ટીમ-રેકૉર્ડ કે એના ખેલાડીઓ દ્વારા રચાતા વિક્રમની અલગથી નામાવલિ તૈયાર કરવામાં આવે.
ક્વૉલિટી ક્રિકેટ પણ હવે ઓછી જોવા મળે છે: આઇસીસી અલર્ટ થઈ જાય તો સારું
વર્લ્ડ કપની બાબતમાં પણ આઇસીસીના અભિગમમાં થોડી કચાશ જોવા મળી છે. આ વખતે ૨૦ ટીમોને રમાડવામાં આવી જેમાં યુગાન્ડા, નામિબિયા, નેપાળ અને પાપુઆ ન્યૂ ગિની (પીએનજી) જેવી ક્રિકેટજગતની સાવ નાની ટીમો સામેલ હતી. આઇસીસીનો મૂળ હેતુ સ્પૉન્સર્સ પાસેથી બને એટલા વધુ પૈસા મેળવવાનો હશે, પરંતુ નવી કે નબળી ટીમોને પહેલાં સિનિયર ટીમો સાથે વ્યવસ્થિત રીતે કે ટ્રાયેન્ગ્યૂલરમાં કે ચાર દેશ વચ્ચેની ટૂર્નામેન્ટમાં રમવાનું કહેવું જોઈએ કે જેથી એને ક્વૉલિટી ક્રિકેટ રમવાનો અનુભવ મળે અને એ પછી જ એને વર્લ્ડ કપમાં ઉતારવી જોઈએ.
આઇસીસીની ક્વૉલિફિકેશનની પ્રોસેસ ખૂબ નબળી અને નામ પૂરતી છે.
આ વખતના વર્લ્ડ કપમાં અમેરિકાનાં મેદાનોની પિચ ઊતરતી કક્ષાની હતી જ, ક્વૉલિટી ક્રિકેટ જરાય નથી જોવા મળી. આના કરતાં તો આઇપીએલમાં ક્વૉલિટી જોવા મળી છે, ફૂટબૉલની રમત તો ‘ગેમ ઑફ માસ’ કહેવાય, જ્યારે ક્રિકેટ ‘ગેમ ઑફ ક્લાસ’ની રમત છે. ફૂટબૉલમાં ૧૫૦-૨૦૦ ટીમ ચાલે, પણ ક્રિકેટમાં ટીમનો ઢગલો કરો તો આ રમતની અસલ મજા જ મરી જાય. એમાં પણ જૂના જોગીઓના મૂલ્યવાન વિક્રમોની તો વાટ લાગી જાય. ક્રિકેટની રમત મૂળ ટેક્નિકની રમત છે. આઇસીસી ક્રિકેટને વિશ્ર્વભરમાં લોકપ્રિય બનાવવાની સાથે આ રમતની અસલિયતને અને એના વિક્રમોના અમૂલ્ય ખજાનાને સાચવી રાખશે તો જ આ મહાન રમતનું અસ્તિત્વ ટકી રહેશે. નહીં તો, એમાંથી લોકોનો રસ ધીમે-ધીમે ઓસરતો જશે.