બોલો, ગુજરાતની આ જાણીતી બ્રાન્ડની વેફરના પેકેટમાંથી નીકળી એવી વસ્તુ કે…

જામનગરઃ છેલ્લાં કેટલાય સમયથી એવા સમાચાર સાંભળવા મળી રહ્યા છે જેમાં ખાવા-પીવાની અલગ અલગ વસ્તુઓમાંથી કોઈને કોઈ જીવ-જંતુ જોવા મળે છે. મુંબઈના મલાડ ખાતે તો તમામ હદ જ વટાવાઈ ગઈ. આઈસ્ક્રીમમાંથી માણસની આંગળીનો ટૂકડો મળી આવી હોવાની ઘટનાએ ચકચાર મચાવી છે.
હવે ગુજરાતના જામનગરથી પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં વેફરના પેકેટમાંથી દેડકો મળી આવતા આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
મળી રહેલી માહિતી પ્રમાણે જામનગરમાં જાસ્મીન પટેલ નામની વ્યક્તિએ દુકાનમાંથી એક જાણીતી કંપનીનું ચિપ્સનું પેકેટ ખરીદ્યું હતું અને આ પેકેટમાંથી દેડકો મળતાં લોકો ચોંકી ઉઠ્યા છે. ઘટનાની માહિતી મળતાં જ મહાનગરપાલિકાની ફૂડ શાખા દોડતી થઈ ગઈ છે. એટલું જ નહીં પણ આ રીતે લોકોના આરોગ્ય સામે ચેડાં કરનાર સામે કાર્યવાહીની માંગણી કરાઈ રહી છે. ગુજરાતની લોકપ્રિય બ્રાન્ડની વેફરમાંથી દેડકો નીકળતા અનેક સવાલ ઉઠ્યા છે.
આ પણ વાંચો: બ્રાન્ડ મેન્યુઅલ – બ્રાન્ડની રૂલ બુક
આ ઉપરાં આ પહેલાં ગુજરાતના જ વડોદરા ખાતે આવેલા એક પ્રખ્યાત ફરસાણની બ્રાન્ડના ભાખરવડીના પેકેટ ખરીદનાર ગ્રાહકને પણ કડવો અનુભવ થયો હતો. ગ્રાહકે ઘરે જઈને જોયું તો ભાખરવડીનું બોક્સ અંદરથી ફૂગવાળું હતું. વડોદરાના ST ડેપો પાસે આવેલી આ ફરસાણની દુકાનના માલિક સામે જાગૃત ગ્રાહકે ફરિયાદ નોંધાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક સમયથી રાજ્યભરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યાં છે. ક્યાંક ભેળસેળવાળો ખોરાક, તો ક્યાંક ફૂડમાં જીવાત નીકળવાના કિસ્સા બની રહ્યાં છે. ગુજરાતના અનેક શહેરોમાં છેલ્લા ઘણા સમયથી ફૂડમાંથી જીવાત, ગરોળી અને ફૂગ જોવા મળવાની ઘટનાઓ બનવા છતાં તંત્ર ગાઢ નિંદ્રામાં છે.
આ અંગે વારંવાર ફરિયાદ કરવામાં આવી હોવા છતાં પણ કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા હોવાને કારણે આવી ઘટનાઓ બનતી અટકી નથી રહી. એટલું જ નહીં પણ આવી ઘટનાઓને પગલે આરોગ્ય વિભાગની કાર્યવાહી સામે પણ સવાલો ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે.