શૅર ટ્રેડિંગ ફ્રોડમાં કલ્યાણના રહેવાસીએ 94 લાખ રૂપિયા ગુમાવ્યા
થાણે: શૅર ટ્રેડિંગ સ્કૅમની જાળમાં સપડાયેલા કલ્યાણના રહેવાસીએ 94 લાખ રૂપિયા ગુમાવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ 9 એપ્રિલથી 21 મે દરમિયાન ફરિયાદી સાથે કથિત છેતરપિંડી થઈ હતી.
ફરિયાદમાં જણાવાયું હતું કે ‘ધ વેલ્યૂ ટીમ એ 13’ નામના વ્હૉટ્સએપ ગ્રૂપમાં ફરિયાદીને એડ કરવામાં આવ્યો હતો, જેમાં નિષ્ણાતોના સ્વાંગમાં ગ્રૂપના સભ્યો શૅરબજારમાં નાણાં કમાવા સંબંધી ટિપ્સ આપતા હતા. સાયબર ઠગ દ્વારા મોકલવામાં આવેલી લિંક્સ અને ઍપ્લિકેશન્સ મારફત નાણાં રોકવા માટે ફરિયાદીને પ્રોત્સાહિત કરાયો હતો.
આકર્ષક વળતરની લાલચમાં ફરિયાદીએ 94 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જોકે બાદમાં તેને કોઈ વળતર આપવામાં આવ્યું નહોતું અને મૂળ રકમ પણ ગુમાવી હતી. પોતે છતરાયો હોવાની જાણ થતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
ખડકપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રકરણે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની ટીમ પુરાવા એકઠા કરી આરોપીઓને ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે. (પીટીઆઈ)