ઈન્ટરવલ

રાળ: વૃક્ષનું આ ‘રક્ષાકવચ’ જ વૃક્ષને ભારે પડી રહ્યું છે

વિશેષ – વીણા ગૌતમ

અગરનું ઝાડ એટલે કે અગરવૂડ જેને સામાન્ય રીતે ઔંધ કે ગહરુના નામે પણ ઓળખવામાં આવે છે. વાસ્તવમાં એ પોતાની સુગંધી રાળ એટલે કે રેઝિન અથવા તો ભીના ગુંદર માટે પ્રખ્યાત છે. તેને સહેલાઈથી સમજવું હોય તો એમ સમજો કે આપણા ઘરમાં જે સુગંધી અગરબત્તી કે પછી ધૂપ સળગાવવામાં આવે છે તે અગરવૂડની રાળમાંથી જ બનાવવામાં આવે છે. આ જ કારણે આ વૃક્ષને આખી દુનિયામાં ઘણું વધુ કમર્શિયલ મહત્ત્વ છે. મૂળે આ પૂર્વ એશિયાના દૂરના વિસ્તારોનું વૃક્ષ છે. આ વૃક્ષ ભારતની સાથે સાથે ચીન, મલાયા, ન્યૂ ગિની, લાઓસ, કંબોડિયા, સિંગાપુર, મલક્કા, ભૂતાનસ, બાંગલાદેશ, મ્યાનમાર અને સુમાત્રામાં મળી આવે છે. ભારતમાં નૈસર્ગિક રીતે ઉત્તર પૂર્વના હિમાલય વિસ્તાર ખાસ કરીને ત્રિપુરા, નાગાલેન્ડ, આસામ અને મણિપુરમાં મળી આવે છે. આના પછી આની એક પ્રજાતિ કેરળમાં પણ મળી છે. ભારતમાં તેના અનેક નામ છે, જેમ કે સંસ્કૃતમાં તેને અગરુ, હિન્દીમાં અગર, અસમિયામાં સાંચીગાછ, બાંગલામાં અગર, ગુજરાતીમાં અગર, તેલુગુમાં અગર, મલયાલમમાં અકિલ અને અંગ્રેજીમાં ઈગલવૂડ કહેવામાં આવે છે. આ ઝાડમાંથી નીકળતી રાળ અથવા તો સુગંધી રેઝિનની માગણી ઘણી વધારે હોવાથી આખી દુનિયામાં તેની કિંમત ઘણી વધારે છે. ત્યાં સુધી કે એક કિલો રાળની કિંમત લાખોમાં જાય છે. એક કિલો અગરવૂડ તેલની કિંમત તો ૪૦ હજાર પાઉન્ડ એટલે કે ૩૫-૪૦ લાખ જેટલી મળી શકે છે.

આ અદ્ભુત કમર્શિયલ વેલ્યૂને કારણે રાળનાં વૃક્ષોનું અંધાધૂંધ દોહન થઈ રહ્યું છે. જેને કારણે આખી દુનિયામાં તેની સંખ્યા ઘણી ઓછી બચી છે. ત્યાં સુધી કે સૌથી સારી નસલનાં વૃક્ષો તો લગભગ લુપ્ત થઈ ગયા છે. આ જ કારણે આ દુર્લભ વૃક્ષને ૧૯૯૫ના વન્ય વનસ્પતિઓ અને જીવની લુપ્ત થવાની કગારે પહોંચેલી પ્રજાતિઓના આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરની પરિષદમાં પરિશિષ્ટ-બેમાં સામેલ કરવામાં આવ્યું હતું. એટલે કે તેને લુપ્ત થવાની આરે રહેલાં વૃક્ષોનું સ્થાન આપવામાં આવ્યું છે.

હવે આ વૃક્ષમાંથી થનારા આર્થિક ફાયદાની વાત કરીએ તો સારી ક્વોલિટીના એક કિલો અગરવૂડના લાકડાનું મૂલ્ય તેમાં હાજર રાળ અથવા સુગંધને આધારે રૂ. ૧,૮૦૦થી રૂ. ૫,૪૦,૦૦૦ સુધી મળી શકે છે. હવે એવું માની લઈએ કે કોઈ ખેડૂત અગરવૂડનાં વૃક્ષો લગાવે છે તો એક એકરમાં આ વૃક્ષો લગાવીને આઠથી નવ વર્ષ તેની સારી જાળવણી કરે તો ૭૦૦ જેટલા અગરવૂડના વૃક્ષમાંથી આઠથી નવ કરોડ રૂપિયાની આવક થઈ શકે છે. જોકે આ વળતરનો અંદાજ અગરવૂડની નવ પ્રજાતિના વૃક્ષમાંથી સૌથી સારી ક્વોલિટીની સુગંધ ધરાવતા વૃક્ષને આધારે બાંધવામાં આવ્યો છે.
વૈજ્ઞાનિકો જેને એક્વિલારિયા માલ્કાક્સિસ તરીકે ઓળખે છે તેમાંથી નીકળતી સુગંધી રાળ ત્યારે તૈયાર થાય છે, જ્યારે આ વૃક્ષ પર એક ખાસ પ્રકારની ફૂગ લાગે છે અને તેમાં જખમ તૈયાર થાય છે. વાસ્તવમાં આ ઘાને ભરવા માટે અને વૃક્ષને વધુ ચેપ લાગતો રોકવા માટે બાષ્પશીલ વરાળના માધ્યમથી ગુંદર જેવો પદાર્થ બનાવે છે જે ફૂગને વધતી રોકે છે. આ જ કારણ છે કે આ વૃક્ષ પર વધારે ફૂગ લાગે તો વૃક્ષ વધુ રાળ બનાવે છે.

એક રીતે એમ કહી શકાય કે જે સુગંધી રાળની પાછળ આખી દુનિયા પાગલ છે તે વાસ્તવમાં આ વૃક્ષ દ્વારા ફૂગથી પોતાનો બચાવ કરીને જીવતા રહેવા માટે તૈયાર કરવામાં આવેલું રક્ષાકવચ છે, પરંતુ તેની આ જ ખાસિયતને કારણે આજે આ વૃક્ષ પૃથ્વી પરથી લુપ્ત થવાને આરે પહોંચી ગયું છે. હવે જોકે વિયેતનામથી લઈને ચીન અને સુમાત્રા સુધી અગરના વૃક્ષની આ કુદરતી રાળને કૃત્રિમ રૂપે બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. વિયેતનામમાં તો સફળતા પણ મળી છે.એવું લાગે છે કે આગામી ૪૦-૫૦ વર્ષ પછી જંગલમાં ઊગતા અગરના વૃક્ષને બદલે રસાયણોથી બનેલી કૃત્રિમ રાળનો ઉપયોગ સુગંધી અગરબત્તી, ધૂપ અને અન્ય વસ્તુઓ બનાવવામાં કરવામાં આવશે.

અગરના વૃક્ષને માથે એટલા માટે પણ સંકટ વધ્યું છે કેમ કે બધા જ ધર્મમાં અગરમાંથી નિર્માણ થતા સુગંધી દ્રવ્યોનો ઉપયોગ ધાર્મિક કર્મકાંડો માટે કરવામાં આવે છે. આવી જ રીતે આધુનિક લાઈફ સ્ટાઈલમાં વાતાવરણને સાફ અને સુગંધી બનાવવા માટે પણ અલગ અલગ ઉત્પાદનોમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. ભારતમાં ચારથી પાંચ પ્રજાતિના અગરવૂડ વૃક્ષો મળી આવે છે, પરંતુ સૌથી સારી ગુણવત્તાનું અગરવૂડ બંગલાદેશના સિલહટ અને ભારતના ત્રિપુરા અને નાગાલેન્ડમાં મળી આવે છે. અગરને ત્રિપુરાનું રાજકીય વૃક્ષ જાહેર કરવામાં આવ્યું છે. રાળ ઉપરાંત આ વૃક્ષના પાંદડા અને ડાળીઓમાં પણ ખાસ્સી હદ સુધી સુગંધ વસેલી હોય છે. આથી જ જ્યાં અગરવૂડનું વૃક્ષ હોય ત્યાંથી ખાસ્સે દૂર સુધી તેની સુગંધ ફેલાયેલી હોય છે. યોગ્ય રીતે વિકાસ થાય તો વૃક્ષની ઊંચાઈ ૧૮થી ૩૦ ફૂટ જેટલી થાય છે. તેનું થડ દોઢ થી અઢી મીટર સુધીનો પરિઘ ધરાવે છે. તેના થડ પરની છાલ ભોજપત્ર જેવી હોય છે. તેની છાલનો આયુર્વેદની વિવિધ દવામાં ઉપયોગ કરવામાં આવે છે. થડના ઉપરના ભાગમાં અગરવૂડ ગરુડની પાંખની જેમ પોતાનો વિસ્તાર કરીને દેખાય છે. આથી જ તેને ઈગલવૂડ પણ કહેવામાં આવે છે. આમ તો તેના અન્ય પણ અનેક નામ છે, જેમ કે ઉદ, એલો વૂડ, હર્ટવૂડ. આવી જ રીતે તેને દેવતાઓની લાકડીઓ વાળા વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે.

(લેખિકા વિશિષ્ટ મીડિયા અને શોધ સંસ્થાન, ઈમેજ રિફ્લેક્શન સેન્ટરમાં કાર્યકારી સંપાદક છે. )
-ઈમેજ રિફ્લેક્શન સેન્ટર

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત