ઈન્ટરવલ

‘પ્લાન- બી’ ને મહત્ત્વ આપવું કેટલું જરૂરી?

ઔર યે મૌસમ હંસીં… – દેવલ શાસ્ત્રી

જો ભૂલી ગયા હોય તો યાદ કરવું જરૂરી છે કે કોવિડના સમયમાં દરેક બિઝનેસમેન પ્લાન- બી વિશે ચર્ચા કરતા હતા. કોવિડ જેવી સમસ્યાઓનો સામનો કરવો હોય તો ભવિષ્યમાં ટકી રહેવા માટે એક વધારાનો પ્લાન રાખવો જરૂરી છે. લોકડાઉન તથા આર્થિક સમસ્યાઓનો સામનો કરવા માટે અલાયદું આયોજન જરૂરી છે. બે -ચાર વર્ષમાં ધીમે ધીમે બધા પ્લાન બીને ભૂલવા લાગ્યા.

સામાન્ય ભાષામાં ‘પ્લાન- એ’ એટલે એક્ચુઅલ પ્લાન -મૂળ યોજના કહેવાય. લગ્નથી માંડીને બિઝનેસ સુધી માણસ જે ઓરિજિનલ પ્લાન કરે છે એને વળગી રહેવા પ્રયત્ન કરતો હોય છે.

સામાજિક પ્રસંગોથી માંડીને બિઝનેસ પ્લાનિંગમાં અણધારી સમસ્યા ઊભી થાય ત્યારે એનો સામનો કરવા માટે એક બેક અપ પ્લાન વિચારવામાં આવતો હોય છે. કોઇ વ્યક્તિએ પાર્ટી પ્લોટ બુક કરાવીને લગ્નનું આયોજન કર્યું છે, આ વર્ષે લાંબા સમય સુધી વરસાદ આવવાની સંભાવના છે એવું વિચારીને એ પાર્ટી પ્લોટ બુક કરાવતી વેળાએ મેરેજ હોલની વ્યવસ્થા હોય એ સ્થળની પસંદગી કરે છે. માણસના મનમાં ભારતીય સંજોગો મુજબ પ્રસંગોથી માંડીને બિઝનેસ સુધી અસંખ્ય સંભાવનાઓ વિશે વિચારો આવતા હોય છે. આ કારણે એ બેંક અપ પ્લાન વિચારી રાખે છે . તાકીદ વખતે જે પ્લાન અમલમાં મૂકી શકાય એને બિઝનેસ લેંગ્વેજમાં ‘પ્લાન- બી’ તરીકે ઓળખવામાં આવે છે.

પશ્ર્ચિમમાં એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ પ્લાન -બી એટલે કે બેક અપ પ્લાન પર જ રોજેરોજ ફોકસ કરતો હોય એ કદી પ્લાન – એ એટલે કે મૂળ પ્લાન પર સારી રીતે ફોકસ કરી શક્તો નથી. પશ્ર્ચિમમાં સંજોગો અને સિસ્ટમ એ પ્રકારની છે કે જેમાં પ્લાન- બી પર ધ્યાન આપવાની જરૂર પડતી નથી. ભારતમાં સાવ એવું નથી, અહીંના સંજોગોમાં માણસને આદત પડી જાય છે કે એ પ્લાન- એનો અમલ શરૂ કરે એ પહેલાં પ્લાન- બી એના મગજમાં ગોઠવાયેલો જ હોય છે. નાના – મોટા અકસ્માતોમાં રસ્તા જામ થવા કે કેટલાક સંજોગોમાં ટ્રેન રદ પણ કરવામાં આવતી હોય એ વિષમ પરિસ્થિતિમાં આપણે ફક્ત પ્લાન- બી જ નહીં, પણ પ્લાન -સી કે પ્લાન – ડી પણ વિચારી રાખીએ છીએ. કેટલાક સંજોગોમાં આપણે આખેઆખી એબીસીડીના પ્લાન તૈયાર કરીએ છીએ.

પેરેનન્ટસ્ પણ બાળકને સ્કૂલમાં મૂકે ત્યારથી એ ભવિષ્યમાં ભણશે નહીં અથવા નોકરી ના મળે તો શું કરશે એના કેટલાક પ્લાનિંગ વિચારતા હોય છે. એક વાત ચોક્કસ છે કે ભલે દુનિયાનું મેનેજમેન્ટ પ્લાન એને સફળ બનાવવા માટે બીજા બધા પ્લાન વિચારવાની ના પાડતું હોય, પણ આપણે ત્યાં દરેક વિષય માટે પ્લાન – બી કે સી વિચારવાની આદત પડી ગઈ છે. હકીકતમાં જિંદગી માણવા માટે હોય કે વ્યવસાય શરૂ કરવા કે વધારવા માટે ત્યારે બિઝનેસ રુલ્સ એવું માને છે કે પ્લાન- બી ની જરૂર નથી, તમારે પ્લાન -એને વધારે સારી રીતે ફોકસ કરવાની જરૂર છે. સરળ શબ્દોમાં કહીએ તો પ્લાન – બી જેવું કશું હોતું નથી.

આપણી રામકથા મુજબ ભગવાન રામ સીતાજીની શોધમાં નીકળ્યા. હનુમાનજી તથા સુગ્રીવની યોગાનુયોગ મદદ મળ્યા પછી લંકાના કિનારે ફક્ત એક જ પ્લાન કર્યો હતો કે રાવણની સેના સામે લડવાનું છે. ભગવાન રામને રાવણની શક્તિ અથવા ભૌગોલિક પરિસ્થિતિ વિશે વધારે માહિતી ન હોવા છતાં ક્યારેય પ્લાન બી કે પ્લાન સીનો વિચાર સુધ્ધાં કર્યો નથી. એક સમયે તો બંને ભાઇઓ રામ અને લક્ષ્મણ બેહોશ થઈ જવા છતાં પ્લાન -બી માટે કોઈ મેટિંગ થઈ હોવાનું લખાણ મળતું નથી. ભારતીય કથાઓમાં ક્યારેય ‘આ નહીં તો પેલા પ્લાન’ ની વાત લખવામાં આવી નથી. મહાભારતની લડાઈમાં પણ બંને પક્ષોએ પ્લાન- બી વિચાર્યો નથી. ભારતીય પરંપરાગત સાહિત્ય હંમેશાં સહમત છે કે વિજય પ્રાપ્ત કરવા માટે એક જ પ્લાન કરવાની જરૂર છે, જેટલા વધારે પ્લાન કરીએ એટલી મૂંઝવણ -સમસ્યા વધી શકે છે.

આપણા વડીલો કે જે પચાસ સાઠના દાયકામાં જન્મેલા છે એમને પૂછજો કે બાળપણ ગામડામાં ગાળવા છતાં ભવિષ્ય વિશે ચિંતિત હતા? મહદઅંશે વડીલોનું માનવું હોય છે કે ભવિષ્યમાં શું થશે એ અંગે વિચારવા કરતાં વર્તમાન સારી રીતે ભોગવ્યું હતું. બાળપણમાં ખાસ આયોજન વગર આજે સમૃદ્ધ જીવન ભોગવનારાઓ આપણી આસપાસ જ રહે છે. આજથી ત્રણ ચાર દાયકાઓ અગાઉ રુઢિચુસ્ત સમાજમાં લવમેરેજ કરવા ઘરેથી ભાગી ગયેલાં દંપતીઓને પણ પ્લાન- બી હોવો જોઈએ એવો લગીરેય વિચાર આવ્યો ન હતો.

આધુનિક યુગમાં માણસ સતત સ્ટ્રેસમાં જીવે છે. અભ્યાસથી માંડીને કરિયર સુધી અકારણ જાતજાતના વિચારો કરતો હોવાથી એને જેટલા વિચાર સક્સેસના આવે છે એનાં કરતાં ફેલ્યોરની કલ્પના વધારે સતાવતી હોય છે. નિષ્ફળતાના ડરને કારણે સામાન્ય નાગરિકના વિચારો જાણશો તો અનુભૂતિ થશે કે પ્લાન- એ કરતાં પ્લાન – બી પર વધુ ફોકસ કરતા હોય છે. પ્લાન – બી પર અકારણ વિચારો કરવાથી પ્લાન – એ પર કામ કરવાની કાર્યક્ષમતા ઘટવા લાગે છે. વ્યક્તિ પોતાની શ્રેષ્ઠ ક્ષમતાથી નવા આયોજન માટે કામ કરવા સાથે પ્લાન – બી ના વિચારો કરતો રહે તો ઓરિજિનલ પ્લાન પર અસર થતી હોય છે. નવો બિઝનેસ શરૂ કર્યા પછી પ્લાન- બી અંગે જાતજાતનું વિચારે છે. જો બિઝનેસ સક્સેસ ન થાય તો નોકરી કરીશ. મને કેવી નોકરી મળશે અને એ નોકરીની આવકમાંથી થયેલી નુકશાની ભરવા સુધી વિચારતો રહે છે. હકીકતમાં પ્લાન- બી હંમેશાં પોતે કરેલા સાહસના સંદર્ભમાં હોવો જોઈએ. પ્લાન – બી બિઝનેસ કેવી રીતે વધારી શકાય એ અંગે કરવો જોઈએ.
તમે નવી નોકરી, ઘર લો કે યોગ્ય જીવનસાથી પસંદ કરો તો પ્લાન- બી વિચારવાથી કશો ફાયદો થતો નથી. તમે ઘર કે જીવનસાથી અવારનવાર બદલી શક્તા નથી. જ્યારે અમુક વાતમાં બદલાવ શક્ય હોય નહીં તો પછી એક્ચ્યુલ પ્લાન એને જ ફોકસ કરાય. અહીં તો દરેક વિષયમાં પ્લાન- સી વિચારનારા ય સલાહકારો હાજર હોય છે.

હાલનું ‘એક્સ’ પણ એક સમયે ટ્વિટરનું પ્લાનિંગ ચાલતું હતું એ દિવસે તેના માલિકોએ ક્યારેય વિચાર્યું નથી કે માણસ ૧૪૦ શબ્દોની ફિલોસોફી સ્વીકારી શક્શે નહીં. ટ્વિટરની સફળતા માટે મહત્ત્વપૂર્ણ કારણ આપણને ખબર નથી પણ ટ્વિટરના મેનેજમેન્ટમાં કોઇએ પ્લાન – બી વિચાર્યો ન હતો.

ગૂગલ જેવી વિશાળ કંપનીને જબરદસ્ત આવક થશે એવું ધાર્યું પણ ન હતું છતાં સર્ચ એન્જિનનો પર્યાય શબ્દ ગૂગલ બન્યું. ગૂગલ બનાવતી વેળા કોઈ પ્લાન –બીનું આયોજન કરવામાં આવ્યું ન હતું. ધીરુભાઈ વિદેશની ધરતી પરથી ભારત આવ્યા હશે ત્યારે એમણે પણ એક જ બિઝનેસમાં ચાર- છ પ્લાન વિચાર્યા નહીં હોય. ભારતીય વિદ્યાર્થીઓ કે પરિવારજનોની મદદથી વિદેશ વસવાટ માટે જતાં ભારતીયો પાસે ખાસ આયોજન હોતું નથી. અમેરિકા જેવા દેશમાં સંબંધીઓની ભરમાર હોવા છતાં આઠ દશ નોકરીઓ પછી માંડ માંડ સ્થાયી થતા હોય છે. આ કોઈ પાસે પ્લાન- એના ઠેકાણાં હોતા નથી ત્યાં પ્લાન -બી વિશે વિચાર પણ આવતા નથી , છતાં બે પાંચ વર્ષમાં સફળતા મેળવે છે.

પ્લાન – બી મિન્સ ધારેલું નહીં થાય તો શું? જો એનો તમને ડર લાગતો હોય તો તમારે અલગથી વિચારવાની જરૂર છે. વિશ્ર્વભરના આંતરપ્રિન્યોર એવું માને છે કે પ્લાન- એ શરૂ કરતાં પહેલાં પૂરતું રિસર્ચ કરો, માર્કેટ સ્ટડી કરો અને પછી પરફેક્ટ સ્ટ્રેટેજી તૈયાર બનાવો. ઘર કે જીવનસાથી પસંદ કરવા માટે તમારા માપદંડ નક્કી કરવાના હોય. બિઝનેસ સ્ટ્રેટેજી કે જીવનના માપદંડ નક્કી કર્યા પછી પ્લાન એને ફોકસ કરવાનો હોય. બિઝનેસ હોય કે જિંદગી, સમસ્યાઓનો સામનો દરેકને કરવો પડતો હોય છે ત્યારે બીજા વિચારો કરવાને બદલે તમારી મર્યાદામાં સોલ્યુશન કેવી રીતે કરી શકાય એ અંગે વિચાર કરવાની જરૂર છે. સમસ્યાઓથી છટકવાની વૃત્તિ થકી નિરાકરણ નહીં મળે પણ સામનો કરવાની તૈયારી માટે શક્તિ વાપરવાથી ભવિષ્ય માટે અનુભવોનું ભાથું તૈયાર થતું હોય છે.
સિમ્પલ વાત છે કે સક્સેસની ફોર્મ્યુલા એક જ છે અને એ ફક્ત નાનકડી જ વાત છે કે ફોકસ ઓન પ્લાન એ ઓન્લી.

ધ એન્ડ :
ફરવા માટે ગયેલો પ્રવાસી મનભરીને દુનિયા જોઇ લે છે પણ નિશ્ર્ચિત પ્લાન કરીને નીકળેલો પર્યટક નિર્ધારિત સ્થળ જ જુએ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button