ઈન્ટરવલ

બે યુદ્ધ – બે શાંતિ દરખાસ્ત હવે તો ખમૈયા કરો!

પ્રાસંગિક -અમૂલ દવે

વિખ્યાત વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું જાણીતું એક અવતરણ છે :
‘જે લોકો દુષ્કર્મ કરી રહ્યા છે તેમને લીધે વિશ્ર્વનો વિનાશ નહીં થાય. વિશ્ર્વનું પતન કંઈ પણ કર્યા વિના પાપીઓને જોનારા લોકોને લીધે થશે.! ’

બે યુદ્ધે આખા વિશ્ર્વનું નખ્ખોદ વાળી નાખ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ બે વર્ષથી ચાલે છે, જ્યારે બીજી બાજુ હમાસ અને ઈઝરાયલ વચ્ચેની લડાઈ આઠ મહિનાથી ચાલે છે. આ બન્ને યુદ્ધ અટકાવવા અનેક દેશોએ મધ્યસ્થી કરી છે. બન્ને જંગ અટકાવવા યુદ્ધવિરામની દરખાસ્તો દેવામાં આવી છે. અમેરિકાના પ્રમુખ જો બાઈડેને ગાઝા પટ્ટી પરનું યુદ્ધ અટકાવવા એક દરખાસ્ત મૂકી છે. બીજી બાજુ ચીને રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઈ અટકાવવા શાંતિની દરખાસ્ત મૂકી હતી.

તાજેતરમાં સ્વિત્ઝર્લેન્ડમાં એક કોન્ફરન્સ યોજાઈ હતી. આમાં ૧૦૦ દેશે ભાગ લીધો. ભાગ લેનાર ૮૦ દેશે એક સંયુકત જાહેરનામું બહાર પાડ્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે બે વષર્થી ચાલતા યુદ્ધ માટેની કોઈ પણ શાંતિ સંધિનો આધાર યુક્રેનની પ્રાદેશિક અખંડિતતા હોવો જોઈએ.

આ શાંતિ પરિષદમાં રશિયાને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. રશિયાના નિકટના સાથીદાર ચીને એમાં હાજરી આપી નહોતી. ભારતે આમાં ભાગ લીધો હતો, પરંતુ જાહેરનામામાં સહી કરી નહોતી. જો કે ચીને કહ્યું છે કે યુદ્ધવિરામ માટે રશિયા અને યુક્રન વચ્ચે સીધી વાતચીત થવી જોઈએ. વર્ષો સુધી યુદ્ધ ચાલે અને યુદ્ધ તહુકબી જોવા ન મળે એ જ સિદ્ધ કરે છે કે આમાં સંડોવાયેલા પક્ષો, અમેરિકા અને ચીન જેવી મહાસત્તા પોતાના સંકુચિત લાભ, સ્વાર્થ અને સત્તાલાલસા માટે આખા વિશ્ર્વનું અહિત કરી રહ્યા છે. આ બે યુદ્ધમાં થયેલી તબાહી, ખુંવારી અને નુકસાન જોઈને પણ એ લોકોની આંખ ઉઘડતી નથી. આખું વિશ્ર્વ આ લડાઈથી ત્રસ્ત છે.

યુક્રેનને નાટોના સભ્ય બનતા અટકાવવા રશિયાના પ્રમુખ પુતિને યુક્રેન પર આક્રમણ કર્યું હતું. રશિયાને હતું કે તે ચાર-પાંચ દિવસમાં યુક્રેનને નમાવી દેશે, પરંતુ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ જોરદાર લડત આપી છે અને રશિયાના દાંત ખાટા કરી નાખ્યા છે.

ઝેલેન્સ્કીની શાંતિની દરખાસ્ત એ છે કે ૧૯૯૧માં સોવિયેત સંઘનું વિઘટન થયું ત્યારની સરહદ સુધી રશિયાનાં લશ્કરી દળો પાછા ખસી જાય અને રશિયાને તેના કૃત્ય માટે જવાબદાર ઠરાવવામાં આવે.

બીજી બાજુ રશિયા યુક્રેનના વધુ પ્રદેશ જીતીને એને રશિયામાં ભેળવી દેવા માગે છે, જેથી આ પ્રદેશો બફર ઝોન તરીકે કામ કરે. રશિયા કહે છે કે પીસ ડીલ હાલની વાસ્તવિક સ્થિતિ આધારિત હોવી ઘટે. યુક્રેન કહે છે કે એક બાજુ રશિયા વાતચીતનું ગાજર દેખાડે છે અને બીજી બાજુ ડોન્બાસ જેવા શહેરને બાળી રહ્યું છે અને ખાર્કિવ વિસ્તારમાં પગપેસારો કરી રહ્યું છે.

યુક્રેનને સહાય આપવામાં અમેરિકાએ વિલંબ કરતાં યુક્રેનને અનેક જગ્યાએ પીછેહઠ કરવી પડી છે. જો અમેરિકા અને યુરોપ યુક્રેનને પડખે ઊભા નહીં રહે તો રશિયા યુક્રેનનો વધુ પ્રદેશ પચાવી પાડશે. ‘બીબીસી’ રેડિયો કહે છે કે રશિયાએ ફેબ્રુઆરી ૨૦૨૨માં યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી રશિયાના ૨૭,૩૦૦ સૈનિકો વીરગતિ પામ્યા છે. ‘બીબીસી’ના કહેવા મુજબ આમાં પૂર્વ યુક્રેનના ડોનેત્સક અને લુહાન્સકમાં ગુમાવલા સૈનિકોનો સમાવેશ થતો નથી. વાસ્તિવક જાનહાનિ ૫૦,૦૦૦થી વધારે હોઈ શકે.

બીજી તરફ, રશિયાએ યુક્રેનનાં અનેક શહેરોને ભૂતિયા શહેરો બનાવી દીધા છે. લાખો લોકો બેઘર થઈ ગયા છે. અમેરિકાએ સંસદમાં મૂકેલા અંદાજ પ્રમાણે ડિસેમ્બર ૨૦૨૩ સુધી રશિયાના ૩,૧૫,૦૦૦ સૈનિકો મરણ પામ્યા છે અથવા તો ઘાયલ થયા છે. યુક્રેનના એક સિવિક ગ્રુપે નવેમ્બર ૨૦૨૩માં કહ્યું હતું કે યુદ્ધમાં યુક્રેનના ૨૫,૦૦૦ સૈનિકો મરણ પામ્યા છે. યુક્રેન રશિયા પાસેથી ગુમાવેલા પ્રદેશો પાછા લઈ નહીં શકે અને એનું વિભાજન થઈ ગયું છે. જો અમેરિકા અને યુરોપ એને મદદ નહીં કરે તો એને અપમાનજનક શરણાગતિ કરવી પડશે.

હવે ઈઝરાયલ અને હમાસ યુદ્ધના ભયાનક ચિત્રની વાત કરીએ. આ યુદ્ધમાં ૩૪.૦૦૦ નાગરિકો મરણ પામ્યા છે. પેલેસ્ટાઈના લોકો ભૂખમરા અને ઈજાથી પીડાય છે. ઈઝરાયલે રફાહ પર પણ હુમલો કરીને નવો મોરચો ખોલ્યો છે. હુમલામાં બે તૃતીયાંશ શહેરનો ખુરદો બોલાઈ ગયો છે. ગાઝામાં ૩૬૫ ચોરસ કિલોમીટરમાં ૨૩ લાખ લોકો યુદ્ધ પહેલાં રહેતા હતા. ગાઝા સિટીની વાત કરીએ તો યુદ્ધ પહેલાં અત્રે છ લાખ લોકો રહેતા હતા. હવે ઈઝરાયલે એના ૭૪.૩ ટકા મકાનોને જમીનદોસ્ત કરી નાખ્યાં છે. પાંચ હોસ્પિટલ પર હુમલો કરવામાં આવ્યો છે. ૭૦ ટકા સ્કૂલોને નુકસાન થયું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘનું કહેવુ છે કે યુક્રેન કરતાં ગાઝામાં વધુ કાટમાળ સાફ કરવાનો છે. ગાઝાને ફરી સ્થાપિત કરવા ઓછામાં ઓછા ૩૦ અબજ ડૉલર જોઈશે. અમેરિકાએ ઈઝરાયલની ત્રણ તબક્કાની શાંતિ દરખાસ્ત રજૂ કરી છે. આમાં હમાસે પકડી રાખેલા બાનની પેલેસ્ટાઈન કેદી સાથે અદલાબદલી, ગાઝામાં લશ્કરી ઓપરેશનની સમાપ્તિ તથા પેલેસ્ટાઈનમાં ઈઝરાયલના લશ્કરી દળોની વાપસી છે.

જો કે, આમાં મુખ્ય આડખીલી ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની છે. નેતન્યાહુ માને છે કે યુદ્ધ પતી જાય તો એમણે સિંહાસન છોડવુંં પડશે. વોર કેબિનેટના બે જમણેરી સભ્યો અને લશ્કરના ભૂતપૂર્વ વડાએ પાંચ સભ્યની કેબિનેટમાંથી રાજીનામું આપતાં નેતન્યાહુએ વોર કેબિનેટને બરખાસ્ત કરી. હમાસને એવો ડર છે કે બાનને છોડ્યા બાદ પણ ઈઝરાયલ આક્રમણ ચાલુ રાખશે તો નેતન્યાહુ કહે છે કે યુદ્ધ સમાપ્ત થાય એ પહેલાં તે હમાસને ખતમ કરવા માગે છે, જે કોઈ કાળે સંભવ નથી.

વિસ્થાપિત પેલેસ્ટાઈન વાસીઓ ઘરે પાછા ફરવા ઉત્સુક છે. હમાસ કાયમી યુદ્ધવિરામ માગે છે. અમેરિકા વાતચીત આગળ ન વધી એ માટે હમાસને દોષ દે છે. અમેરિકા યુદ્ધમાં ઈઝરાયલને મદદ કરતું હોવાથી એ પક્ષપાત કર્યા વિના રહેતું નથી. અમેરિકા પ્રથમ તબક્કા લાગુ પાડવા માટે ઉત્સુક છે, પરંતુ યુદ્ધવિરામ અને લશ્કરી દળોના વાપસીના તબક્કા માટે ઉદાસીન છે.

આ બે યુદ્ધમાં કુદરતી સંસાધનો થયેલા નાશનો તો કોઈ હિસાબ નથી. આ યુદ્ધથી ત્રાહિમામ પોકારી રહેલી ધરતી માતા વિશ્ર્વના શાસકોને વિનવણી કરે છે: ‘હવે તો ખમૈયા કરો.’

આખા વિશ્ર્વના લોકો પણ હાથ જોડીને અનુરોધ કરી રહ્યા છે કે હવે શાંતિને એક ચાન્સ આપો. મહાસત્તા રશિયા, અમેરિકા અને ચીને સમજવાની જરૂર છે કે જંગ માટે એમણે વિવેકનો ઉપયોગ કરવો જોઈએ અને વારંવાર પોતે સાચા છે એ દેખાડવાને બદલે શાંતિ બહેતર હોય છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત