મીરા રોડની વોકહાર્ટ હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
![A bomb threat was received at Wockhardt Hospital in Mira Road](https://bombaysamachar.com/wp-content/uploads/2024/06/A-bomb-threat-was-received-at-Wockhardt-Hospital-in-Mira-Road.webp)
ભાયંદર: મીરા રોડ ખાતે આવેલી વોકહાર્ટ હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઇ-મેઇલ દ્વારા આપવામાં આવી હતી. પોલીસ તેમ જ બોમ્બ સ્કવોડે હોસ્પિટલમાં તપાસ કરાઇ હતી, પણ કોઇ વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી.
મીરા રોડના નયાનગર વિસ્તારમાં આવેલી વોકહાર્ટ હોસ્પિટલને સોમવારે સવારે 10.30 વાગ્યાની આસપાસ ઇ-મેઇલ આવ્યો હતો, જેમાં હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઇ હતી. ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યા બાદ હોસ્પિટલના સત્તાવાળાઓએ આની જાણ નયાનગર પોલીસને કરી હતી, જેને પગલે પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
દરમિયાન બોમ્બ ડિરેક્ટશન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (બીડીડીએસ) તથા ડોગ સ્કવોડની મદદથી આખી હોસ્પિટલમાં ખૂણેખાંચરે તપાસ કરવામાં આવી હતી. જોકે કોઇ પણ વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી. હોસ્પિટલને મળેલા ઇ-મેઇલ અંગે આઇટી સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.