સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય 60 કરવાનું મુખ્ય પ્રધાનનું આશ્ર્વાસન
મોંઘવારી ભથ્થું 46 ટકાથી વધારીને 50 ટકા કરવાની માગણી
મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સરકારી કર્મચારીઓના સંગઠનને એવી ખાતરી આપી છે કે અધિકારીઓ અને કર્મચારીઓને વહીવટીતંત્ર અને ચૂંટણીના કામકાજ માટે વધુ ઉપયોગી બનાવવાના ઉદ્દેશ્ય સાથે સરકાર રાજ્યના સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય વધારીને 60 વર્ષ કરવા માટે સકારાત્મક છે. આચારસંહિતા પૂરી થઈ ગઈ હોવાથી ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.
કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 46 ટકાથી વધારીને 50 ટકા કર્યું છે. આવા જ પ્રકારની દરખાસ્ત રાજ્યના નાણા વિભાગના એડિશનલ મુખ્ય સચિવ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. ફેડરેશનના પ્રતિનિધિઓએ રાજ્ય સરકાર તેને સત્વરે મંજૂરી આપે તેવી માગણી કરી હતી.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં મહાયુતિને 40 બેઠકો મળશે: એકનાથ શિંદે
આ બેઠકમાં એવો આગ્રહ રાખવામાં આવ્યો હતો કે સંશોધિત નિવૃત્તિ યોજના અંગેનું જાહેરનામું વિધાનસભામાં જાહેર કર્યા મુજબ સત્વરે બહાર પાડવામાં આવે. કેન્દ્ર અને 25 રાજ્યોની જેમ મહારાષ્ટ્ર રાજ્યના સરકારી કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર 60 વર્ષ કરવામાં આવે એવી માગણીઓ કરવામાં આવી હતી.
મુખ્ય પ્રધાન શિંદેએ મુખ્ય સચિવને અન્ય રાજ્યોની જેમ એડીશનલ સેક્રેટરીના પદ નિર્માણ કરવાની સૂચના આપી હતી. ફેડરેશનના પ્રતિનિધિઓએ સરકારના સહકાર અને આર્થિક સહાયથી ઓફિસર્સ ફેડરેશનના વેલ્ફેર સેન્ટરની ચાલી રહેલી કામગીરી ધીમી ન પડે તે માટે વધુ ફંડ આપવાની તૈયારી દર્શાવવા બદલ મુખ્યપ્રધાન અને મુખ્ય સચિવનો આભાર માન્યો હતો. બેઠકમાં સંસ્થાના સલાહકાર સી. ડી. કુલથે, પ્રમુખ વિનોદ દેસાઈ, મહામંત્રી સમીર ભાટકર, ઉપપ્રમુખ નીતિન કાલે ઉપસ્થિત રહ્યા હતા.