Maharashtra politics: 16 વિધાનસભ્યોની પાત્રતાનું પરિણામ જલ્દી જ: એકનાથ શિંદે અપાત્ર સાબિત થાય તો અજિત દાદાને માથે CM નો તાજ, ભાજપનો પ્લાન B તૈયાર?
મુંબઇ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત શિવસેનાના 16 વિધાનસભ્યોની અપાત્રતા સંદર્ભે નિર્ણય લેવામાં જાણીજોઇને મોડુ કરવામાં આવી રહ્યું છે આ મુદ્દે હાલમાં જ સુપ્રિમ કોર્ટે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરની કાર્યપદ્ધતી ટીકા કરી છે. એક અઠવાડિયામાં આ સંદર્ભે અહેવાલ રજૂ કરવાનો આદેશ કોર્ટે વિધાનસભા અધ્યક્ષને આપ્યો હતો. તેથી વિધાનસભ્યોની અપાત્રતાનો મુદ્દો ટાળનારી ભાજપ અને શિંદે જૂથની ચાલ અસફળ રહી છે.
પરિણામે હવે આવનારા કેટલાંક દિવસોમાં વિધાનસભા અધ્યક્ષને અપાત્રતા અંગેનો નિર્ણય આપવો ફરજીયાત બની ગયો છે. જો કાયદાકીય રીતે એકનાથ શિંદે સહિત 16 વિધાનસભ્યો અપાત્ર ઠરશે તો આ બાબત શિંદે-ફડણવીસ સરકારને મૂશ્કેલીમાં મૂકી શકે છે. જો ખરેખર આવી પરિસ્થિતિ સર્જાય તો રાજકીય અસ્થિરતા નિર્માણ ના થાય તે માટે ભાજપ દ્વારા રણનિતી બનાવવાની શરુઆત થઇ ગઇ છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જો એકનાથ શિંદે અપાત્ર સાબિત થાય તો હાલના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર મુખ્ય પ્રધાન બનશે એવો ભાજપનો પહેલો પર્યાય છે. ઉપરાંત ભાજપમાં મુખ્ય પ્રધાનના પદ માટે દેવેન્દ્ર ફડણવીસ, મહેસૂલ પ્રધાન રાધાકૃષ્ણ વિખેપાટીલ સહિત કેન્દ્રિય પ્રધાન નિતીન ગડકરીના નામની પણ ચર્ચા પણ ચાલી રહી છે.
જો વિધાનસભા અધ્યક્ષ શિવસેનાના 16 વિધાનસભ્યોને અપાત્ર જાહેર કરે તો ભાજપ તેના આગળના પત્તા ખોલશે. ત્યારે આવતા એક અઠવાડિયામાં મહારાષ્ટ્રમાં મહત્વની ઉથલ-પાથલ થવાની શક્યતા છે. જો એકનાથ શિંદે અપાત્ર સાબિત થાય તો તેમને મુખ્ય પ્રધાનની ખૂરશી છોડવી પડશે. ત્યારે ભાજપ તેમને કંઇ રીતે સમાવી લેશે તે જોવા યોગ્ય છે. ત્યારે હવે આ કારણસર ફરી એકવાર મુખ્ય પ્રધાન તરીકે અજિત પવારના નામની ચર્ચાઓ ચાલી રહી છે. જો એકનાથ શિંદે અપાત્ર સાબિત થાય તો દેવેન્દ્ર ફડણવીસની ભૂમીકા શું હશે તે જોવા યોગ્ય છે.