મ્યૂનિક: યુરો-2024 એટલે કે ફૂટબૉલની સૌથી મોટી યુરોપિયન ચૅમ્પિયનશિપમાં યજમાન જર્મની (Germany)એ શુક્રવારે સૌપ્રથમ મૅચમાં સ્કૉટલૅન્ડ (Scotland)ને 5-1થી હરાવીને ધમાકેદાર આરંભ કર્યો હતો. ઇલ્કેયે ગુન્દોઍનના સુકાનમાં જર્મન ટીમે ઘરઆંગણે પહેલા જ જંગમાં આનાથી વધુ સારો રોમાંચક વિજય નહીં જ ધાર્યો હોય, એવું Euro-2024 બાબતમાં સૉકર-નિષ્ણાતોનું કહેવું છે.
સ્કૉટલૅન્ડના રાયન પૉર્ટેયસ નામના ડિફેન્ડરને એક ગંભીર ફાઉલ બદલ રેફરીએ રેડ કાર્ડ બતાવીને મૅચની બહાર કરી નાખ્યો હતો. પરિણામે, સ્કૉટલૅન્ડની ટીમમાં 11ને બદલે કુલ 10 ખેલાડી થઈ ગયા હતા.
આ પણ વાંચો: અમેરિકામાં ક્રિકેટ વર્લ્ડ કપની બે મૅચ બાદ શરૂ થશે ફૂટબૉલની આ વિશ્ર્વવિખ્યાત સ્પર્ધા
ઍન્ડ્રયુ રોબર્ટસનના સુકાનમાં અને સ્ટીવ ક્લાર્કના કોચિંગમાં રમતી સ્કૉટલૅન્ડની ટીમે હવે આ સ્પર્ધાના નૉકઆઉટ રાઉન્ડમાં પહેલી વાર પ્રવેશ મેળવવા બુધવારે હંગેરી સામે તથા ત્યાર બાદ સ્વિટ્ઝરલૅન્ડ સામે ચમત્કારિક પર્ફોર્મ કરવું પડશે.
જર્મનીની ટીમે શરૂઆતથી છેક સુધી સ્કૉટિશ ટીમ પર પ્રભુત્વ જમાવ્યુંં હતું. જર્મની વતી વિટ્ઝ, મુસિયાલા, હૅવર્ટ્ઝ, ફુલક્રૂગ અને ઇ. કૅને અનુક્રમે 10, 19, 46, 68 અને 93મી મિનિટમાં ગોલ કર્યો હતો. સ્કૉટિશ ટીમ વતી એકમાત્ર ગોલ 87મી મિનિટમાં થયો હતો. જોકે એ ગોલ જર્મનીના જ ઍન્ટોનિયો રુડિગરથી ભૂલથી (ઑન ગોલ) થઈ ગયો હતો.
આ પણ વાંચો: બેઝબૉલ, ફૂટબૉલ, બાસ્કેટબૉલના ગઢમાં બૅટ-બૉલનો પગપેસારો
હવે યુરો-2024માં રવિવારે ગ્રૂપ-સીમાં ઇંગ્લૅન્ડનો મુકાબલો સર્બિયા સાથે છે. ઇંગ્લૅન્ડની ટીમ 1966માં ફિફા વર્લ્ડ કપ જીત્યા બાદ (58 વર્ષથી) ફૂટબૉલની એક પણ મોટી ટ્રોફી નથી જીતી શકી. આ જ ગ્રૂપમાં સ્લોવેનિયા-ડેન્માર્કના, ગ્રૂપ-એમાં હંગેરી-સ્વિટ્ઝરલૅન્ડના, ગ્રૂપ-બીમાં સ્પેન-ક્રોએશિયાના તથા ઇટલી-આલ્બેનિયાના અને ગ્રૂપ-ડીમાં પોલૅન્ડ-નેધરલૅન્ડ્સના આગામી મુકાબલા પર સૌની નજર છે.
Taboola Feed