પુરુષ

બેઝબૉલ, ફૂટબૉલ, બાસ્કેટબૉલના ગઢમાં બૅટ-બૉલનો પગપેસારો

ટી-૨૦ ક્રિકેટ વર્લ્ડ કપના યજમાનપદ સાથે અમેરિકામાં સ્પોર્ટ્સપ્રેમીઓને રમતની સાથે મનોરંજન માટેનો નવો વિકલ્પ મળી ગયો

સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા

ખેલાડીઓ વચ્ચે જેમ ચડિયાતા પુરવાર થવાની હરીફાઈ હોય એમ રમતો વચ્ચે પણ લોકપ્રિયતા માટેની તેમ જ વધુને વધુ સ્પૉન્સરશિપ આકર્ષવા માટેની ખેંચતાણ થતી હોય છે. ભારત વિશ્ર્વમાં હૉકીના સૌથી વધુ આઠ ઑલિમ્પિક મેડલ જીત્યું હોવા છતાં દેશમાં હૉકી નહીં, પણ દાયકાઓથી ક્રિકેટ સૌથી વધુ પૉપ્યુલર છે. માત્ર લોકપ્રિય જ નહીં, આ રમત ધર્મની જેમ પૂજાય છે. ટેનિસ, બૅડમિન્ટન, ટેબલ ટેનિસ, ચેસ, ફૂટબૉલ, ઍથ્લેટિક્સ, શૂટિંગ વગેરે રમતોમાં આપણા ખેલાડીઓ-ઍથ્લીટોએ ચંદ્રકો અને ટ્રોફીઓ જીતીને વિશ્ર્વભરમાં દેશનું નામ રોશન કર્યું છે. આમ છતાં ક્રિકેટનો ક્રેઝ લેશમાત્ર ઘટ્યો નથી. ઊલટાનો વધતો જાય છે. ૨૦૦૮માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) શરૂ થઈ ત્યાર બાદ ક્રિકેટમાં મહિલાઓની રુચિ વધતી ગઈ હતી અને હવે તો બે વર્ષથી મહિલાઓ માટેની જ વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ) રમાય છે એટલે ક્રિકેટની લોકપ્રિયતાનો ગ્રાફ ઘણો ઊંચે ગયો છે.

વિશ્ર્વભરના તમામ ક્રિકેટ બોર્ડોમાં બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) સૌથી શ્રીમંત છે અને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)માં સૌથી વધુ વજન બીસીસીઆઇનું જ પડે છે. જોકે આ વજન પડવાની સાથે સમગ્ર દુનિયામાં ક્રિકેટનો ફેલાવો કરવામાં પણ બીસીસીઆઇનું સીધી યા આડકતરી રીતે સૌથી મોટું યોગદાન રહ્યું છે.

વર્તમાન ટી-૨૦ વર્લ્ડ કપની જ વાત કરીએ. વેસ્ટ ઇન્ડિઝની સાથે અમેરિકા પણ આ સ્પર્ધાનું યજમાન છે. અહીં આપણે ફક્ત અમેરિકાની જ વાત કરવી છે, કારણકે બેઝબૉલ, ફૂટબૉલ અને બાસ્કેટબૉલ જેવી ખ્યાતનામ રમતોના ગઢમાં ક્રિકેટની રમતે ટી-૨૦ વર્લ્ડ કપ મારફત પગપેસારો કર્યો છે.

એવું મનાય છે કે બેઝબૉલની રમતની શરૂઆત ૧૭૪૯ની સાલમાં (અઢારમી સદીમાં) ઇંગ્લૅન્ડમાં થઈ હતી. નવ-નવ પ્લેયરવાળી બે ટીમ વચ્ચે રમાતી બેઝબૉલની રમતમાં બૅટર, પિચર (બૉલ થ્રો કરનાર ખેલાડી), બેઝમૅન (ફીલ્ડર) અને કૅચર નિર્ણાયક ભૂમિકા ભજવતા હોય છે. મેજર લીગ બેઝબૉલ (એમએલબી) અમેરિકાની સૌથી મોટી બેઝબૉલ લીગ છે.

અમેરિકામાં અમેરિકન ફૂટબૉલ (૩૭ ટકા), બાસ્કેટબૉલ (૧૧ ટકા), બેઝબૉલ (૯ ટકા), સૉકર (૭ ટકા) અને આઇસ હૉકી (૪ ટકા) ક્રમવાર રીતે લોકપ્રિય છે.

અમેરિકામાં ફૂટબૉલ એટલે સૉકર નહીં, પણ અમેરિકન ફૂટબૉલ. લંબગોળાકાર બૉલથી રમાતી આ રમત બેહદ પૉપ્યુલર છે. રગ્બી જેવી કહી શકાય એવી આ રમતનું ‘ગ્રિડાઇરેન’ નામ પણ છે. આ ટીમ સ્પોર્ટ ૧૧-૧૧ પ્લેયરની બે ટીમ વચ્ચે રમાય છે. બન્ને છેડે ગોલપોસ્ટ હોય છે અને હરીફ ખેલાડીઓ બૉલ સાથે દોડે છે અને થ્રો પણ કરે છે. સૌથી વધુ પૉઇન્ટ મેળવનારી ટીમને વિજેતા ઘોષિત કરાય છે. નૅશનલ ફૂટબૉલ લીગ (એનએફએલ) તથા નૅશનલ કૉલેજિયેટ ઍથ્લેટિક અસોસિયેશન (એનસીએએ) યુએસએમાં અમેરિકન ફૂટબૉલની બે સૌથી મોટી સ્પર્ધા છે.

બાસ્કેટબૉલની રમત જગવિખ્યાત છે અને અમેરિકામાં દાયકાઓથી લોકપ્રિય છે. નૅશનલ બાસ્કેટબૉલ અસોસિયેશન (એનબીએ) અમેરિકામાં સૌથી લોકપ્રિય બાસ્કેટબૉલ સ્પર્ધા છે.

બીસીસીઆઇ દ્વારા સંચાલિત આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ) ક્રિકેટવિશ્ર્વની સૌથી મોટી લીગ સ્પર્ધા છે. સમગ્ર ખેલજગતમાં અમેરિકાની એનએફએલ (નૅશનલ ફૂટબૉલ લીગ) મૅચ-દીઠ મૂલ્યની દૃષ્ટિએ વિશ્ર્વની સૌથી શ્રીમંત સ્પોર્ટ્સ લીગ ગણાય છે અને આઇપીએલ એના પછી બીજા નંબરે આવે છે. બીજી રીતે કહીએ તો ખેલાડીને આ બે રમતોની એક સીઝન રમીને સૌથી વધુ પૈસા મળતા હોય છે. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ વર્લ્ડ કપની મૅચો જોવા અમેરિકામાં ગયા છે અને તેમણે ન્યૂ યૉર્કમાં એનએફએલના હેડ ક્વૉર્ટરની મુલાકાત લીધી હતી. એ સાથે, રમતગમતની બે સૌથી મોટી લીગનું જાણે મિલન થયું હતું. જય શાહની આ મુલાકાત પાછળનો આશય આંતરરાષ્ટ્રીય રમતગમતમાં એકમેક વચ્ચે (બે લીગ વચ્ચે) સહયોગ વધારવાનો હતો.

આઇસીસીએ તાજેતરમાં જ અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (એમએલસી)ને લિસ્ટ ‘એ’નો દરજ્જો આપ્યો હતો. બીજા અર્થમાં કહીએ તો એમએલસી હવે આઇપીએલ તથા બીજી કેટલીક લીગની જેમ સત્તાવાર ટી-૨૦ લીગ તરીકે ઓળખાય છે.

મુંબઈ ઇન્ડિયન્સની માલિકીની કીરૉન પોલાર્ડની કૅપ્ટન્સીવાળી એમઆઇ ન્યૂ યૉર્ક ટીમ એમએલસીની વર્તમાન ચૅમ્પિયન છે.

ટી-૨૦ વિશ્ર્વકપના આયોજનની સાથે હવે અમેરિકામાં ક્રિકેટની એક પછી એક નાની-મોટી સ્પર્ધા અને સિરીઝ રમાશે અને સમય જતાં અમેરિકામાં પણ મહિલાઓ માટેની એમએલસી શરૂ થશે તો નવાઈ નહીં લાગે. ક્રિકેટનો ફેલાવો વધશે એમ સ્પૉન્સર્સ આ ‘જેન્ટલમેન્સ ગેમ’ તરફ પણ વધશે એટલે અન્ય રમતો કમાણીની દૃષ્ટિએ થોડો ઘસરકો અનુભવશે, પરંતુ ખેલકૂદપ્રેમીઓને ક્રિકેટના રૂપમાં નવો વિકલ્પ જરૂર મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત… કાજુ, કિસમીસ અને બદામનો બાપ છે આ Fruit, ખાતા જ મળશે… Virat Kohliએ અહીં બનાવ્યું કરોડોનું આલિશાન ઘર, જોયા ઈનસાઈડ ફોટોઝ? સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ…