માનવ તસ્કરી અને સાયબર ફ્રોડ: એનઆઇએએ નાશિકથી આરોપીની ધરપકડ કરી

મુંબઈ: દેશવ્યાપી માનવ તસ્કરી અને સાયબર ફ્રોડમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ નેશનલ ઇન્વેસ્ટિેગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા વ્યાપક ઝુંબેશના ભાગરૂપે શુક્રવારે નાશિકમાં દરોડા પાડીને વધુ એકની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ સુદર્શન દરાડે તરીકે થઇ હોઇ તે આ કેસનો છઠ્ઠો આરોપી છે.
એનઆઇએએ 27 મે, 2024ના રોજ સંબંધિત રાજ્ય પોલીસ દળો સાથે જોઇન્ટ ઓપરેશન હાથ ધરીને અનેક રાજ્યોમાં દરોડા પાડી પાંચ જણની ધરપકડ કરી હતી
નાશિકથી પકડાયેલા દરાડે પાસેથી દસ્તાવેજો, ડિજિટલ ડિવાઇસીસ, બેન્ક ખાતાંની વિગતો વિગેરે સહિત અનેક વાંધાજનક સામગ્રી જપ્ત કરવામાં આવી છે, જેની ઊંડાણથી તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ આ કેસ મુંબઈ પોલીસ પાસે હતો, પણ તેની વ્યાપ્તિ દેશભરમાં હોવાનું જણાતાં આ કેસ વધુ તપાસ માટે એનઆઇએને સોંપવામાં આવ્યો હતો.
માનવ તસ્કરીમાં દરાડેની સીધી સંડોવણી બહાર આવી છે. તે ભારતીય યુવાનોને મોટા પગારની લાલચ આપી વિદેશ મોકલતો હતો, જ્યાં તેમને બોગસ કોલ સેન્ટરમાં કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી. ખાસ કરીને દરાડે યુવાનોને લાઓસ, ગોલ્ડન ટ્રાયેન્ગલ એસઇઝેડ અને કમ્બોડિયા મોકલતો હતો. એનઆઇએની તપાસમાં એવું બહાર આવ્યું હતું કે ભારતીય યુવાનોને અનધિકૃત ઓનલાઇન પ્રવૃત્તિઓ થકી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ, હની ટ્રેપિંગ જેવી પ્રવૃત્તિઓમાં ધકેલવામાં આવતા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.