નેશનલ

સપ્ટેમ્બરના વરસાદે રાહત આપી, દુષ્કાળની શક્યતા નહીવત

ચાલુ મહીંનાની શરૂઆતમાં એવી ભીતિ સેવાઈ રહી હતી કે આ વર્ષે દેશના કેટલાક પ્રદેશો દુષ્કાળગ્રસ્ત રહેશે. પરંતુ ચોમાસાના અંતે સપ્ટેમ્બર મહિનાના મધ્યમાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં અપેક્ષા કરતાં વધુ વરસાદ વરસતા હવે દુષ્કાળનો કોઈ ખતરો રહ્યો નથી.

ગઈ કાલે બુધવારે મળેલા આંકડા મુજબ આ સિઝનની દેશવ્યાપી વરસાદની અછત ઘટીને 7% થઈ ગઈ હતી, જે 12 દિવસ પહેલા 11% હતી. જો સિઝનમાં સામાન્ય કરતા 10% ઓછો વરસાદ નોંધાઈ તો દુષ્કાળ જાહેર કરવામાં આવે છે. હવે સિઝનના અંતમાં માત્ર 10 દિવસ બાકી છે, ત્યારે સારા વરસાદને કારણે હવે દુષ્કાળની શક્યતા નકારી કાઢવામાં આવી છે.
સામાન્ય કરતા 7 ટકા ઓછા વરસાદને કારણે આ વર્ષ ‘સામાન્યથી નીચે’ની શ્રેણીમાં (4% અને 10% ની અછત) રહે તેવી શક્યતા છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ અલ નીનો વર્ષ હતું તેમાં છતાં આ સીઝનમાં સારો વરસાદ વરસ્યો ગણાય. નોંધનીય છે કે હવામાન વિભાગે “સામાન્ય” ચોમાસાની આગાહી કરી હતી. જો સીઝનમાં સામાન્ય કરતા 4 ટકા વધુ થી 4 ટકા ઓછો વરસાદ વરશે તો ચોમાસાને સામાન્ય માનવામાં આવે છે.

એક અહેવાલ મુજબ, આ વર્ષે ઓગસ્ટ મહિનામાં સામાન્ય કરતા 36 ટકા ઓછો વરસાદ વરસ્યો હતો, આ વર્ષનો ઓગસ્ટ મહિનો ભારત માટે છેલ્લા સો વર્ષનો સૌથી સૂકો ઓગસ્ટ મહિનો રહ્યો હતો. સપ્ટેમ્બરમાં સમગ્ર દેશમાં અત્યાર સુધીનો વરસાદ સામાન્ય કરતાં 9% વધુ રહ્યો છે, જે ઓગસ્ટ મહિનાની સરખામણીએ ઘણો વધુ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button