ઈન્ટરવલ

જેણે પૈસા ચૂકવ્યા જ નથી એને રિફંડ આપવાની છેતરપિંડી

સાયબર સાવધાની -પ્રફુલ શાહ

ઇન્ટરનેટનો સૌથી વધુ દુરુપયોગ કરેે છે હેકર અને સાયબર ફ્રોડ. સાયબર ગુનેગારોને તમે આતંકવાદીઓથી વધુ જોખમી ગણી શકો. આતંકવાદીઓને એક, ભલે તથા કથિત, ધ્યેય-મિશન હોય છે કોઇને હેરાન કરવા કે નુકસાન પહોંચાડવા, પરંતુ ચહેરા, નામ અને સરનામા વગરના અદ્રશ્ય સાયબર ઠગ જેમને શિકાર બનાવે છે એમને નથી ઓળખતા કે નથી એમની સાથે કોઇ દુશ્મની, કમનસીબે, આ સાયબર છેતરપિંડી કરનારાઓની પહોંચથી કોઇ કરતા કોઇ બહાર નથી.

આ જાળમાંથી અભણ કે શિક્ષિત વ્યક્તિ તો ઠીક, બૅન્ક જેવી સંસ્થા ય બાકાત રહી શકતી નથી. બૅન્ક પાસે તો પોતાની સાયબર સિકયોરિટી સિસ્ટમ હોય, કદાચ સાયબર એકસપર્ટ પણ હોય. છતાં તેઓ પણ સાયબર ઠગીથી બચી શકતા નથી. તાજેતરમાં મુંબઇની સાયબર ક્રાઇમ પોલીસ પાસે આવેલો મામલો એકદમ ચોંકાવનારો છે. એક ખાનગી બૅન્ક સાથે નાની સૂની નહીં પણ પૂરા રૂપિયા સાડા ચાર કરોડની છેતરપિંડી થઇ. એ પણ કોઇના બૅન્ક એકાઉન્ટ, ઇ-મેઇલ, ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ હેક કરીને નહીં. તો કેવી રીતે થઇ આટલી મોટી રકમની છેતરપિંડી?

ઘણીવાર તમે ઓનલાઇન શોપિંગ કરો, ત્યારે પહેલા પેમેન્ટ કરી દો. કયારેક વસ્તુની ડિલિવરી ન થાય, ભળતી જ વસ્તુ આવી જાય, રેડી સાઇઝ-ડિઝાઇન ઓર્ડર મુજબના ન હોય એવાં અનેક કારણોસર તમને પેમેન્ટ પાછું મળી જતું હોય છે. આ સિવાય અનેક કારણોસર ‘ફેઇલ્ડ ટ્રાન્ઝેકશન’ (નિષ્ફળ સોદો/આર્થિક વ્યવહાર) થતા હોય છે. આ સંજોગોમાં ઓનલાઇન સેલર વતી બૅન્ક જ પેમેન્ટ રિવર્સલ કરી દે એટલે કે ગ્રાહકને એનું પેમેન્ટ પાછું મળી જાય. આના માટે ઇ-પોર્ટલ કે ઇન્ટરનેશનલ મર્ચન્ટ બૅન્કને પરચેઝ રિવર્સલ ડોક્યુમેન્ટ સોંપીને ફેઇલ્ડ ટ્રાન્ઝેકશનનું રિફંડ પાર્ટીને મળે એવી વ્યવસ્થા કરાવી શકે.

આટલા બેકગ્રાઉન્ડ બાદ હવે આ કેસ જોઇએ. એક હેકરે પોતે ઇન્ટરનેશનલ મર્ચન્ટ હોવાની ઓળખ સાથે બૅન્કને વિનંતી કરી કે જે ક્રેડિટ કાર્ડ ધારકોના અમારી સાથેના ટ્રાન્ઝેકશન અર્થાત્ સોદા નિષ્ફળ ગયા છે કે પૂરા થયા છે તેમને આપ રિફંડ મોકલાવી દો. બૅન્ક માટે આવી વિનંતી સામાન્ય બાબત છે. બૅન્કે આ માટેના જરૂરી દસ્તાવેજો મંગાવ્યા. એટલે ‘ઇન્ટરનેશનલ મર્ચન્ટ’ બનીને સંપર્ક સાધનારા હેકરે પરચેઝ રિવસૅલ ડોક્યુમેન્ટસ પણ આપી દીધા. ફરક એટલો જ હતો કે આ દસ્તાવેજો બનાવટી હતા. આ દસ્તાવેજોની સચ્ચાઇની ચકાસણી કરવાની કોઇ પદ્ધતિ કે રીત નહીં હોય? બૅન્કે ૨૦૨૩ના જૂનથી ડિસેમ્બર વચ્ચે ૩૪ ક્રેડિટ કાર્ડ હોલ્ડરોને રૂ. ૪.૫૦ કરોડનું રિફંડ ચૂકવી પણ દીધું.

પરંતુ પ્રોબ્લેમ પછી સામે આવ્યો. આ ‘ઇન્ટરનેશનલ મર્ચન્ટ’ તરફથી બૅન્કને આ રકમની ચુકવણી ન થઇ. લાંબો સમય થયો એટલે એનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પણ એમાં નિષ્ફળતા મળી. અંતે પોલીસમાં ફરિયાદ લખાવાઇ ત્યારે હકીકત સામે આવી.

તપાસમાં બહાર આવ્યું કે બૅન્કે અંધેરીના એક નિવાસી મુઝમ્મિલ વારસીને રૂ.૭૬ લાખ ચૂકવ્યા હતા. આ વારસીએ ગાઝિયાબાદના રામકુમાર યાદવને ૪૫ લાખ મોકલ્યા હતા. યાદવે પોતાનું કમિશન રાખીને બાકીની રકમ ક્રિપ્ટો કરન્સીના રૂપે હેકરને મોકલી આપી હતી. આવો જ મામલો મુંબ્રાના શેર ટ્રેડર અરબાઝ રૌલાનો નીકળ્યો. તેને રૂ.૧.૮૦ લાખ મળ્યા હતા. જેમાંથી કમિશન રાખીને બાકીની રકમ હેકરને મોકલી દીધી હતી અને આ માસ્ટરમાઇન્ડ હેકર તુર્કીનો હોવાનો અંદાજ છે!

A.T.P. (ઑલ ટાઇમ પાસવર્ડ)
આર્થિક વ્યવહારના શબ્દકોશમાં ‘વિશ્ર્વાસ’ શબ્દ છેકીને એને સ્થાને ‘શંકા’ લખી નાખો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button