ઈન્ટરવલ

અંતરના ઊંડાણેથી

ટૂંકી વાર્તા -રેખા સરવૈયા

ઘોડાગાડી લયબદ્ધ રીતે સ્ટેશન ભણી આગળ જતી હતી. અંદર બેઠેલી રાજનંદિનીના મોં પર અકળ ભાવો આવીને ભૂંસાઈ જતા હતા. છેલ્લા કેટલાક સમયથી મનમાં ઘોળાતી વાતને નિર્ણયનું રૂપ આપ્યા પછી પણ એનું મન અશાંત હતું. એની જ પીડાના ચાસ મોં પર ફરકીને વિલાઈ જતા હતા. ઘોડાને તો ગાડીવાન લગામથી કાબૂમાં રાખતો હતો પરંતુ રાજનંદિનીના મનને ક્યાં લગામ હતી?!

ઘોડાના ખખડતા ડાબલા નીચેથી રસ્તાની સાથો-સાથ જિવાઈ ગયેલું જીવન પણ પાછળ-પાછળ ખસતું જતું હતું એવું રાજનંદિનીને લાગતું હતું. ખેંચેલી આંખોથી એણે પસાર થઈ ગયેલી વાટ ઉપર નજર દોડાવી. એક લાંબા નિસાસા સાથે અચાનક જ એની આંખો બંધ થઈ ગઈ અને પોપચાં પાછળ ઊઘડી ગયું એક વીતી ગયેલું… જીવન… અત્યાર લગી જીવેલું પોતાનું જીવન!

એક નમતી સાંજે વ્યવહારિક પ્રસંગમાં હાજરી આપીને પાછાં ફરી રહેલાં મા-બાપ ઉપર કાળચક્ર ફરી વળ્યાની ઘટના સામે રડતા હૃદય સાથે ઊભી રહેલી તરુણી રાજનંદિનીકાચી અને કારમી ક્ષણોમાં જ નાનકડા ભાઈ ઋત્વિજની જાણે મા બની ગઈ… મા-બાપની નનામીમાં રાજનંદિનીનાં સપનાં પણ બંધાઈ ગયાં. પોતાને ખૂબ જ ભણાવીને પ્રોફેસર બનાવવાના સપનાને પણ ચિતાભેગું બળતું જોયું. મૂંઢિયા ગૂમડાં જેવી ઉપસી આવેલી આ હકીકત સામે રાજનંદિનીએ મક્કમ બન્યા વિના બાથ કેમ ભીડી હશે! કૉલેજનાં અંતિમ વરસના અભ્યાસ પાછળ દિલ દઈને મહેનત કરવાને બદલે નાનકડાં ઋત્વિજનો ઉછેર, અભ્યાસ અને સંભાળ જ હવેથી એજું જીવનધ્યેય હતું! કહો ને કે… બધું ઠીક-ઠીક રીતે સંભાળતાં સમય મળે તો જ એ કૉલેજ જતી… નાટક, સંગીતમાં હોંશથી શ્રેષ્ઠતમ્ દેખાવ કરનારી રાજનંદિની એ બધી જીવનપોષક અને જીવનને ખીલવનારી પ્રવૃત્તિમાંથી તો એણે પોતાની જાતને ખેંચી જ લીધી જાણે!

આવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પોતાને પ્રોત્સાહિત કરનારો એક દક્ષિણ ભારતીય સિનિયર વિદ્યાર્થી રામેશ્ર્વરમ્ મા-બાપુના ખરેખર આવ્યો ત્યારે એકાએક મોટી બની ગયેલી રાજનંદિનીને જોઈને અવાક્ રહી ગયો હતો. બીજી વાર એ રાજનંદિનીને જ ખાસ મળવા એની પાસે આવ્યો હતો, પણ… ઉત્તરોત્તર ગંભીર બનતી જતી રાજનંદિનીથી જાણે એ ડરી રહ્યો હોય એમ ત્રૂટક વાતો કરીને એ વિષાદગ્રસ્ત હૃદય સાથે પાછો ફરી ગયો હતો. રાજનંદિનીની અસહાય નજર એની પીઠને ઊતરડી નાખતી એ અનુભવતો… અને થતું કે નિસાસાની આહથી એ સળગી જશે કે શું? આ… હ…! ઘરમાંથી જતો રહેલો રામેશ્ર્વરમ્ તો મનમાં પ્રવેશ્યોં કે શું? ઓ… હ…!!! એક આંચકો લાગ્યો… રાજનંદિનીને… અને એનાં વિચારો અટકી ગયા.

‘મજી… લીજીયે સ્ટેશન આ ગયા… લાઈએ… દિજીયે… આપ કા સમાન મૈં ઊઠા લુંગા… આપસે ઈતના બોજ નહીં ઊઠાયા જાયેગા…!, – ઘોડાગાડી ઊભી રહી અને ગાડીવાનના શબ્દો રાજનંદિનીસુધી પહોંચ્યા. ‘બોજ’ -ઊઠાવવાની વાત બદલ એને હસવું આવ્યું…

‘અરે… ભલા ગાડીવાન! તું હું જાણે કે… આ હૃદયે આજ લગી બસ… બોજ જ ઊઠાવ્યો છે… પછી આ વજનનું શું ગજું? – મનના શબ્દો એણે મનમાં જ રાખ્યા…

ગાડીવાન પાછળ દોરાતી રાજનંદિની સ્ટેશનમાં પ્રવેશી ત્યાં તો… ભીડ… ભીડ… અને ઘોંઘાટ… ઘોંઘાટ… જ હતાં. એક બાંકડે સામાન રાખીને એ બેઠી. ગાડી આવવાને હજુ ખાસ્સી વાર હતી… હંમેશની જેમ જ સાથે રાખેલું પુસ્તક કાઢીને પાનાં ફેરવવા લાગી… એક લખાણ પર એની નજર સ્થિર થઈ…

‘હાય રે… માનવીનું મન! એ શેનાથી માંગે છે અને શેનાથી સાજું થાય છે એ જ નથી સમજાતું… તણખલા જેવા આઘાતથી ધૂળભેગું થઈ જાય… તો વળી ક્યારેક ઝંઝાવાતો વચ્ચેય અડગ રહે છે! ક્યારેક વળી સઘળું હારી જઈને પણ રાજી થઈ ઊઠે છે… મન જ તો એ ચીજ છે જેનાથી જીવનને કારણ મળે છે, જિંદગીને અર્થ મળે છે…,

  • અચાનક જ એક પ્રભાવશાળી સ્વરથી એનું વાંચન અટકી પડ્યું. બાજુના બાંકડે બેઠેલી એ જાજરમાન – પ્રૌઢ બોલતી હતી… એક યુવાન એનું વેણ ઝીલવા ઊભો હતો. ‘તારી બધી વાત સાચી દીકરા! હું બધુંય જાણું છું… સમજું છું.. બધું જ… પણ હવે હદ થઈ ગઈ છે બેટા… હવે મને મજબૂર ન કર! મને તું તો સમજી શકે છે…?? – એ સ્ત્રી આટલું કહીને વ્યથિત થઈ ગઈ. વચમાં પેલો યુવાન બોલ્યો: ‘અરે… એ શું બોલ્યાં ફઈબા? હું તમને પૂરેપૂરાં સમજી શકું છું અને એટલે જ…’ – પણ વચમાં પેલી સ્ત્રી દુ:ખી સ્વરે બોલી પડી: ‘અરે… મારા દીકરા! તારા સમજવાથી શું ફરક પડે છે? હં? જ્યાં સમજવાની જરૂર છે એ જ લોકોને સમજણ જથી. ઠીક… બેટા! તું કહે? મેં આખીય જિંદગી લોહીનું પાણી કર્યું! આ છોડવાઓ માટે પરસેવો રેડ્યો! ભોગ આપ્યો! આ બધું શું મેં આ દિવસ જોવા માટે કર્યું હતું!
  • રાજનંદિની સહજપણે જ કંપી ઊઠી. અજાણી સ્ત્રીના શબ્દોમાંથી વહેતી આ પીડા એને જરાય અજાણી ન લાગી. વેદનાનું પારેવું ફફડાટ કરી ઊઠયું. સંબંધ વગર પણ આ સ્ત્રીની પીડા સાથે એજો પોતાનો એક સંબંધ હતો કે શું? અચાનક જ એનાં મનમાં રામેશ્ર્વરમ્નો ચહેરો ઊપસી આવ્યો. પાસે કે સાથે ન જીવવા છતાંય એ માણસે પોતાની પીડાએને સ્પર્શી હતી એવું લાગ્યું… અને દાઝયો પણ હતો ચૂપચાપ…! અને સાથેને સાથે જીવનાર ભાઈ, ડૉ. ઋત્વિજ પણ હતો… ગાડીનાં પાટાની જેમ પાસે હોવા છતાં જુદો જ વહી જનારો એની જંદગીનો પ્રવાહ! જેના જીવનની ઈંટ જ બહેનના ત્યાગ પર મુકાઈ હતી એ જ ભાઈને મન આજે પારકી જ્ઞાતિની વહુના કહેવાથી બહેનમાં જ ઊણપ દેખાવા લાગી હતી! પ્રતિષ્ઠિત ડૉક્ટરની બહેન રૂપિયાને માટે સાધારણ નોકરી કરે એ માનહાનિ જેવું લાગતાં… જે નોકરીની આવક ઉપરથી જ પોતાની દાક્તરી મજબૂત બની હતી એ નોકરી પરાણે દૂરાગ્રહપૂર્વક બહેનને મુકાવ્યે છૂટકો કર્યો! પ્રવૃત્તિમાં ગળાડૂબ રાજનંદિનીને પોતાના નિવૃત્તિના ધ્વિસોમાં તીવ્રતાથી રામેશ્ર્વરમ્ યાદ આવી જતો…

અત્યારે પણ… ટ્રેન આવવાની સૂચના આપતા ઉદ્ઘોષકના ઘેરા-રણકારવાળા અવાજના લયમાં વીંટળાતી રાજનંદિની રામેશ્ર્વરમ્ નામના દરવાજા લગી ખુંચાતી ચાલી… એ કૉલેજમાં દાખલ થઈ ત્યારથી જોતી આવતી હતી કે કૉલેજની દરેક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્રબિંદુ રામેશ્ર્વરમ્ રહેતો. રામેશ્ર્વરમ્નો ઘેરો-રણકતો અવાજ અને આછી ઉદાસીની છાયા ઝીલતી બે પાણીદાર આંખો…! કાયમને માટે સાદગીપૂર્ણ રીતથી એ મેદાન મારી જતો. છેલ્લા વરસની પાર્ટી વખતે “પિકનિક પાર્ટીમાં પણ તમે બહુ જ ગંભીર રહો છો… અલબત્ત… અત્યંત મુશ્કેલીથી તમે બે-એક વખત હસ્યાં હશો. તમે હસો છો ત્યારે ખૂબ એટલે ખૂબ જ સુંદર દેખાવ છો. હસતાં રહો પ્લીઝ. સ્તબ્ધ રાજનાદના બહાવરી નજરથી રામેશ્ર્વરમ્ની શાંત અને મુલાયમ મુદમુદ્રા નિરખી રહી. એ ઊંડી-ઉદાસ આંખોમાં પોતાના માટે એક યાચના હતી કે શું? રાજનંદિની અત્યારે પણ કંપી ઊઠી. એ બંને વચ્ચેથી પસાર થઈ ગયેલી… વીજળિક ક્ષણની ઝણઝણાટીને પુન: અનુભવીને…

ઓહ! ન આવો ઓ યાદો! તમે પાછા પગલે ભીતર રહો… ને તમે!

અસ્વસ્થ રાજનંદિનીએ વ્યગ્ર થઈ પુસ્તકના પાનાં ફેરવ્યાં… એક જર્જરિત પરબીડિયું લસરીને પગ આગળ પડ્યું. રાજનંદિનીએ તે લઈને વાંચવા માંડ્યું. ચશ્માંની કિનારી પરથી ટપ.. ટપ.. કરતું અશ્રુબુંદ ખરી પડ્યું. શું આ જ હતું પોતાનું બળ! આ જ એ અક્ષરો હતા જેણે પોતાને જીવનભર લડવાની શક્તિ અને હિંમત આપ્યા કરી હતી? પોતાની નસ-નસમાં લોહી થઈને ફરતો એક-એક અક્ષર આટલો અર્થસભર હતો…!!?

‘વ્હાલાં રાજ,
સંજોગોને લઈને ભલે મોટાં થઈ ગયાં, જવાબદારીઓએ ભલે તમને ગંભીર કરી મૂક્યાં… પણ… કૉલેજમાં તમારા આગમનની ઘડીથી જ તમે મને ‘વ્હાલાં’ જ લાગ્યાં છો… બસ… શું કામ? એ નથી જાણતો… પૂછતાં પણ નહીં તમે. થયા કર્યું છે કે તમારું નિખાલસ વર્તન, ભોળા સવાલો અને સાફ નજરને હું બચાવી શકું જો આ દુનિયાથી તો… કેવું! ખેર… રાજ! ઘણી વેળાએ ઈચ્છાઓને મનગમતા ઢાળ પાસેથી પાછી વાળી લેવી પડતી હોય છે… તમે અને હું સમજદાર છીએ. આ તો કરવું જ રહ્યું. જાઉં છું હું તો ઉચ્ચ અભ્યાસાર્થે અને પછી એથીય આગળ જઈશ કશુંક કરી દેખાડવા… મને ક્યાંક કોઈ મળશે પણ રાજ નહીં હોય ક્યાંય… ખેર…

તમારા નિર્ણયને મારાં વંદન! બીજાઓને માટે જિવાતી જિંદગી ફળો. આ ઝંઝાવાતભર્યા સમુદ્રમાં એકલા નીકળેલા નાવિક જેવાં તમને મારે કહેવાનું શું હોય? નત્મસ્તક બનીને કહું કે… સમર્થ નાવિકોને પ્રતિકૂળ મોજાંઓનો વળી શો ડર? હું ક્યાંય તમારી પડખે નહીં હોઉં જીવનમાં… પણ… હા… એકલવાયાં પડો ત્યારે અચૂક યાદ કરજો કે તમારી એકલતાને સહારે… એની સમાંતરે પણ એક માણસ જીવે છે. સહવાસમાં રહેવું શક્ય નથી પણ સ્મૃતિઓમાં સાથે જીવવાને તમે પ્રેમનું નામ આપી શકો છો! અલબત્ત, તમે મને કંઈ પણ કહો એની મને ક્યારેય રાહ નહીં હોય! તમારા કોઈ પણ શબ્દો સાંભળ્યા વગર પણ હું તમને સમજી શકું છું. કદાચ એટલે જ સાથે નહીં રહી શકતો હોઉં! હંમેશાં કેમ એવું જ બને છે કે… આપણને સમજી શકનારાં આપણી સાથે નથી રહી શકતાં? અને સાથે રહેનારાં આપણે સમજી નથી શકતાં!

એણે રામેશ્ર્વરમ્ના પત્રને અડધો જ વાંચીને પુસ્તકમાં મૂક્યો. કદાચ… એ થાકી ગઈ હતી… ભૂતકાળની સફરેથી પાછી ફરી… સુમધુર સંગીત અને ઉચ્ચત્તમ સાહિત્ય જીવનમાં જરૂરી છે પણ રાજનંદિનીએ ગાઢ રીતથી અનુભવ્યું હતું કે… એકલતા પૂરવા માટે આ બે વસ્તુ જ પર્યાપ્ત નહોતી. મનના ખૂણામાં રહેલી ખાલી જગ્યાઓ ખખડ્યા કરતી હતી… એમાં પણ પોતાની ઉપેક્ષા, તિરસ્કૃત નજર અને અવહેલનાથી તો એ તરફડી ઊઠી હતી… કોઈક સપનાને માટે એણે ઝેર પણ પચાવ્યાં હતાં આ જગતનાં… પણ હવે બધું જ અર્થહીન, આધારહીન અને ધ્યેયહીન લાગતું હતું પોતાને! શા માટે? કોના માટે? કેમ? અને કેટલું સહેવાનું?

એણે એક નિર્ણય કર્યો હતો… જીવનની સાર્થકતા પામવા માટે હરિદ્વાર જવાનો.

‘ભૂલ હોય તો માફ કરજો પણ આપ રાજનંદિની મેડમ કે નહીં?’ -સોનેરી ફ્રેમમાં ચશ્માંથી મઢાયેલો એ તામ્રવર્ણીય, નમણો પણ અજબની શાંતિ પ્રદાન કરતો ચહેરો ખોળખતાં રાજનંદિનીને જરા કષ્ટ પડ્યું, પણ એ યુવાને તો ઘણી ફૂટે એમ જ રાજનંદિની સાથે વાતો કરવા માંડી. શાળામાં ‘માથાભારે’ની છાપવાળા વિદ્યાર્થીને લાડથી સમજાવટથી ઘડનારી પોતે માની નહોતી શકતી કે આ જ એ છોકરો હતો!

સમયસર ટ્રેન આવી, સફર દરમિયાન… ટ્રેનની ગતિ સાથે જ એ યુવાન બોલતો રહ્યો… સતત… અવિરત…! અને અજબની ધીરજથી રાજનંદિની એની વાતોમાંથી ઘણું ઘણું અલગ તારવતી રહી. દારૂડિયા બાપના ત્રાસને વેઠતી મા, માંદગીમાં રીબાઈને ઈલાજ વગર મરી ગયેલી બહેન, ચોરી કરવા બદલ જેલમાં બંધ એક ભાઈની જેલમાં જ આત્મહત્યા, એ આઘાતમાં માનું મૃત્યુ પામવું અને છેલ્લા દિવસોમાં પાગલ બાપનું ટ્રેનમાં આવી કપાઈ મરવું! – ઓહ… પ્રભુ! આ બધાની વચાળે આ યુવાનનું જીવી જવું – ટકી જવું અને લઠી લેવું… રાજનંદિની ગર્વથી, નવાઈથી જોઈ રહી એ યુવાનની ચમકતી – આશાવંત આંખોને…! એ આંખોની પેલે પારની નિર્મળતામાંથી રાજનંદિનીને પણ જીવનની જુદી જ દિશા મળી… પેલા યુવાને પોતાની જાતને સમર્પિત કરી હતી હરિદ્વારમાં ગંગાકાંઠે સ્થિત એક અનાથ આશ્રમને…

રાજનંદિનીનાં મનનો ડહોળ જાણે હેઠે બેસી રહ્યો હતો! જીવાઈ ગયેલી જિંદગીનો ખાલીપો ભરાઈ રહ્યો હતો કોઈ અર્થથી! આ ક્ષણે એની નજર સામેથી કેટલા ચહેરા પસાર થયા… પોતાને માગ્યા વગર ઘણું બધું આપનારાં મા-બાપ-શિક્ષકો અને રામેશ્ર્વરમ્ અહીં જ હતાં! પછી ફરિયાદો શેની? અજંપો શું ઋત્વિજ અને એની પત્નીના વર્તનને લીધે હતો? પણ કેમમ એ દુ:ખદ વાતોને ફેંકી નથી દેતી પોતે? એણે એક નજર બારીમાંથી દેખાતાં આકાશમાં કરી… દૂ…ર… ઊડતી પંખીઓની હારને એ નિરખી રહી. એને પોતાની જાતને પંખીમાં રૂપાંતરિત કરવાની ઈચ્છા થઈ આવી. અત્યારે હરિદ્વાર સ્થિત થનારા આ યુવાન શું પોતાનો માત્ર વિદ્યાર્થી જ તો? એણે તો પોતાને કેટલું શીખવ્યું હતું આટલાં સમયખંડમાં! રાજનંદિનીએ એક નજર નવેસરથી એના પર નાખી… કશી પણ ચિંતા વગર, ગુમાવ્યાની પીડા વગર એ બાળસહજ ભાવથી પડખે બેઠેલા યાત્રિક સાથે વાતો કરતો હતો.

રાજનંદિનીને થયું કે… મને લખેલા પેલા કાગળ મુજબ રામેશ્ર્વરમ્ની દૃષ્ટિથી આ યુવાન પણ એવો જ કુશળ નાવિક લાગી રહ્યો છે, જે પોતાની કશ્તીને ઝંઝાવાતોમાંથી કુશળતાપૂર્વક બહાર લઈ આવે છે! પોતાના અંતરમાં બેસીને આજ લગી પોતાને લડવાની હિંમત, શક્તિ આપતો રામેશ્ર્વરમ્નો અવાજ અત્યારે પણ એના અંતરનાં ઊંડાણમાંથી આવતો હતો અને એ જ અવાજનો પડઘો સામે બેઠેલા યુવાનની આંખોમાં પાણીદાર ખીણમાં પડઘાઈને એક નવો જ અર્થ પ્રદાન કરી રહ્યો હતો… જાણે કે… કોઈ મંદિરનાં ઘંટનાદથી આપોઆપ મીંચાઈ જતી આંખો જેવી ઊંડી ભાવભરી અનુભૂતિમાં રાજનંદિની ડૂબી ગઈ!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button