એકસ્ટ્રા અફેર

રાહુલે લોકસભામાં વિપક્ષના નેતા બનવું જોઈએ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી તેમાં મોદીએ મુસ્લિમ તુષ્ટિકરણના જોરે પોતાની દુકાન ચલાવતા ચંદ્રાબાબુ નાયડુ અને નીતીશ કુમારને મોટા ભા બનાવવા પડ્યા છે. અત્યાર લગી મોદીની ગેરંટીઓની વાત કરતા મોદી હવે મોદીની ગેરંટીની વાત છોડો પણ ભાજપની વાત પણ નથી કરતા. તેના બદલે એનડીએની વાત કરતા થઈ ગયા છે. દસ વર્ષ લગી એકહથ્થુ શાસન કરનારા મોદીએ હવે સાથે મળીને સરકાર ચલાવવાની વાતો કરવી પડે છે.

સ્વાભાવિક રીતે જ નરેન્દ્ર મોદીનો દબદબો ઘટી ગયો છે ત્યારે બીજી તરફ નહેરૂ-ગાંધી ખાનદાન પાછો લાઈમલાઈટમાં આવી ગયો છે. એક તબક્કે નહેરૂ-ગાંધી ખાનદાન પર નિષ્ફળતાનું લેબલ એવું લાગી ગયેલું કે, બળતું ઘર ખડગેને સમર્પિત કરીને આખું ખાનદાન ખસી ગયેલું. ભાજપની હાર સાથે પાછા નહેરૂ-ગાંધી ખાનદાનના દિવસો આવી ગયા છે. એક તરફ સોનિયા ગાંધી કોંગ્રેસ સંસદીય દળનાં પ્રમુખપદે ચૂંટાયાં છે ત્યારે બીજી તરફ રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનવાનો તખ્તો તૈયાર કરી દેવાયો છે.

કોંગ્રેસ વર્કિંગ કમિટીની સંસદના સેન્ટ્રલ હોલમાં મળેલી બેઠકમાં બેઠકમાં મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ગૌરવ ગોગોઈ અને તારિક અનવરે તેને સમર્થન આપ્યું ને પછી બધા સાંસદોએ સોનિયાના નામ પર મંજૂરીની મહોર મારતાં સોનિયા પાછાં સંસદીય દળનાં પ્રમુખ બની ગયાં છે. આ જ બેઠકમાં રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવાનો પ્રસ્તાવ પણ પસાર કરી
દેવાયો છે.

લોકસભામાં વિપક્ષના નેતાનું પદ કેન્દ્ર સરકારના કેબિનેટ મિનિસ્ટરની સમકક્ષ મનાય છે પણ લોકસભામાં વિપક્ષના નેતાનું પદ છેલ્લાં ૧૦ વર્ષથી ખાલી છે. ૨૦૧૪માં કોંગ્રેસને ૪૪ અને ૨૦૧૯માં ૫૨ બેઠક મળી હતી. ભાજપ પછી કોંગ્રેસને સૌથી વધુ બેઠકો મળી હતી પણ સંસદીય કાર્યવાહીની જોગવાઈના કારણે કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ મળ્યું નહોતું. લોકસભામાં વિપક્ષના નેતાનું પદ મેળવવા માટે કોઈપણ પક્ષ પાસે લોકસભાની કુલ બેઠકના ૧૦ ટકા બેઠકો હોવી
આવશ્યક છે.

આ જોગવાઈ પ્રમાણે લોકસભાની કુલ ૫૪૩ બેઠકોમાંથી કોંગ્રેસને પાસે ૫૪ સાંસદ હોવા જરૂરી હતા છેલ્લી ટર્મમાં કોંગ્રેસ પાસે લોકસભાની કુલ બેઠકોના ૧૦ ટકા બેઠકો નહોતી એટલે લોકસભામાં વિપક્ષનું નેતાપદ તેને નહોતું મળ્યું પણ અધીર રંજન ચૌધરી લોકસભામાં કોંગ્રેસના નેતા હતા. આ વખતે અધીર રંજન ચૌધરી ગુજરાતી ક્રિકેટર યુસુફ પઠાણ સામે હારી ગયા છે તેથી કોંગ્રેસે નવા નેતા શોધવાના જ હતા. કોંગ્રેસે ૯૯ બેઠકો જીતી છે તેથી લોકસભામાં વિપક્ષના નેતાનું પદ મળશે. કોંગ્રેસીઓ ઈચ્છે છે કે, રાહુલ ગાંધી આ લોકસભામાં વિપક્ષના નેતાનું પદ સંભાળે.

રાહુલ ગાંધી ૨૦૧૯માં પણ સાંસદ હતા પણ તેમને કોંગ્રેસના નેતા બનવામાં રસ નહોતો કેમ કે કોંગ્રેસની કારમી હાર થઈ હતી પણ આ વખતે રસ પડી શકે છે કેમ કે આ વખતે કોંગ્રેસ જોરમાં છે. ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી અને ભાજપ બીજા પક્ષોના ટેકે ઊભો છે. બીજી તરફ કોંગ્રેસ ૯૯ બેઠકો જીતીને મજબૂત બનીને ફરી બેઠી થઈ છે તેથી રાહુલ પાસે મોકળું મેદાન છે. રાહુલ આક્રમક બેટિંગ કરી શકે એવો તખ્તો તૈયાર છે તેથી રાહુલને વિપક્ષના નેતા બનવામાં રસ પડી શકે છે. રાહુલે વિચારવાનો સમય માગ્યો છે પણ એ મોટા ભાગે હા પાડી દેશે એવું લાગે છે.

રાહુલે લોકસભામાં વિપક્ષનું નેતાપદ સ્વીકારવું પણ જોઈએ કેમ કે કોંગ્રેસમાં બીજો કોઈ એવો નેતા નથી કે જે આ હોદ્દા પર બેસવા માટે લાયક ગણી શકાય. કોંગ્રેસના બીજા બધા નેતા સાવ મોળામસ છે જ્યારે રાહુલ આક્રમક છે. રાહુલ વિશે ભાજપના ભક્તજનોએ ગમે તે વાતો ફેલાવી હોય પણ રાહુલમાં જબરદસ્ત લડાયકતા તો છે જ. રાહુલે કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે આખા ભારતની બે યાત્રાઓ કરીને બતાવેલી લડાયકતાને વખાણવી જ પડે.

રાહુલે હજુ પોતાની સક્ષમ નેતા તરીકેની ક્ષમતા સાબિત કરવાની બાકી છે. લોકસભાની આ ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપને સ્પષ્ટ બહુમતી મેળવવાથી રોકવામાં સફળ થયો એ મોટી સિદ્ધિ છે કેમ કે ભક્તજનોએ તો માની જ લીધેલું કે, મોદી અજેય છે અને કોઈ કદી તેમને હરાવી ના શકે. અખિલેશ યાદવે એ સાબિત કરી દીધું કે, મોદીને હરાવી શકાતા જ નથી પણ પછાડી પણ શકાય છે.

અખિલેશે હિંદુત્વની લહેરને ખાળીને યુપીમાં સમાજવાદી પાર્ટીએ પહેલાં કદી નહોતી જીતી એટલી બેઠકો જીતાડી.

રાહુલે પણ અખિલેશ જેવી નેતૃત્વની ક્ષમતા બતાવી હોત તો લોકસભાનાં પરિણામોની સ્ટોરી અલગ હોત. કોંગ્રેસે ભાજપને રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્રમાં કારમી પછડાટ આપી પણ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, કર્ણાટક, તેલંગાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ના હરાવી શકી. કોંગ્રેસ આ રાજ્યોમાં થોડુંક વધારે જોર કરીને બીજી વીસેક બેઠકો જીતી શકે તેમ હતી. રાહુલ નેતૃત્વની ક્ષમતા બતાવીને એ કર્યું હોત તો ભાજપ ૨૨૦ બેઠકો જીતીને સાવ લબડી ગયો હોત અને કોંગ્રેસ એ ૨૦ બેઠકો જીતીને સરકાર રચી શકી હોત.

ખેર, જે ના થયું તેની વાત કરવાનો મતલબ નથી પણ રાહુલે ભવિષ્યમાં એ ક્ષમતા બતાવવી જ પડશે. આ ક્ષમતા કેળવવા માટે રાહુલે લોકસભાના વિપક્ષનું નેતાપદ સ્વીકારવું જોઈએ.

રાહુલ માટે અત્યારે અનુકૂળ સંજોગો પણ છે. રાહુલનો આત્મવિશ્વાસ બુલંદ છે જ્યારે ભાજપના નેતાઓનો આત્મવિશ્વાસ તળિયે છે. ભાજપના ચમચા અને મોદીભક્તો તો સાવ ઠરી જ ગયા છે.

રાહુલ ગાંધીને પપ્પુ કહીને સતત અપમાનિત કરતા ભક્તજનોને રાહુલે એવો ડોઝ આપી દીધો છે કે, તેમનું નામ બોલવાનું જ ભૂલી ગયા છે. ભાજપના નેતા પણ રાહુલનું નામ લેતા સાવ બંધ થઈ ગયા છે. ચૂંટણી વખતે શેહઝાદે ને એવાં વિશેષણોથી રાહુલ ગાંધીને સંબોધનારા ભાજપના નેતાઓમાંથી કોઈએ ચૂંટણીનાં પરિણામો પછી રાહુલ ગાંધી વિશે એક હરફ નથી ઉચ્ચાર્યો. તેનો મતલબ એ છે કે, રાહુલ અંતે ભાજપના નેતાઓમાં પોતાનો ડર પેદા કરવામાં સફળ થયા છે. રાહુલ વિશે એલફેલ બોલીશું તો તેની ભારે કિંમત ચૂકવવી પડશે એવો ફફડાટ ભાજપના નેતાઓમાં પેદા થઈ ગયો છે. આ ડરનો લાભ લેવા પણ રાહુલે લોકસભામાં વિપક્ષનું નેતાપદ સ્વીકારવું જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button