મોદી 3.0 કેબિનેટમાં મહારાષ્ટ્રના 5 પ્રધાન, ગડકરી-ગોયલ અને શિંદેના નેતાઓને શપથ માટે બોલાવવામાં આવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પીએમ પદના શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ કાર્યક્રમમાં 8000 થી વધુ મહાનુભાવો હાજરી આપે તેવી અપેક્ષા છે.
આ દરમિયાન દિલ્હીથી એવા સાંસદોને ફોન કરવામાં આવી રહ્યા છે જેમને કેબિનેટમાં સામેલ કરવામાં આવશે.
ક્યા નેતાઓને ફોન આવ્યો
મહારાષ્ટ્રમાંથી પાંચ સાંસદો પ્રધાન બનશે તે લગભગ નિશ્ર્ચિત છે. અહેવાલો અનુસાર મહારાષ્ટ્રના ભાજપના સાંસદ નીતિન ગડકરી, પીયૂષ ગોયલ અને રક્ષા ખડસેને કેન્દ્રીય પ્રધાન બનાવવામાં આવશે.
આ સાથે જ આરપીઆઈ ચીફ રામદાસ આઠવલેને ત્રીજી વખત મોદી સરકારમાં પ્રધાન બનવાની તક મળશે. બીજી તરફ, એકનાથ શિંદેની શિવસેનાને એક કેન્દ્રીય પ્રધાન પદ મળ્યું છે, જ્યારે અજિત પવારની એનસીપીના કોઈ નેતાને શપથ ગ્રહણ સમારોહ માટે હજુ સુધી દિલ્હીથી ફોન આવ્યો નથી.
શિંદે કેમ્પના સાંસદ પ્રતાપરાવ જાધવને પ્રધાન તરીકે શપથ લેવાનો ફોન આવ્યો છે.
મોદી સરકારના ત્રીજા કાર્યકાળ માટે પ્રધાન પદ આપતી વખતે પ્રાદેશિક અને જ્ઞાતિનું સંતુલન પણ જાળવવામાં આવશે. જો આપણે ધ્યાન આપીએ તો નીતિન ગડકરી વિદર્ભના હશે, જ્યારે પીયૂષ ગોયલ મુંબઈના હશે.
જાતિના સમીકરણને જોતા રામદાસ આઠવલેને ફરીથી કેન્દ્રીય પ્રધાન બનાવવામાં આવી રહ્યા છે, જ્યારે ઉત્તર મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેની પુત્રવધૂ રક્ષા ખડસેને પ્રધાન બનવાની તક આપવામાં આવી છે.
શ્રીકાંત શિંદેએ પ્રધાન બનવાની ના પાડી
મીડિયા સાથે વાત કરતા શિવસેનાના નેતા પ્રતાપરાવ જાધવે કહ્યું કે અમે શ્રીકાંત શિંદેને પ્રધાન બનાવવાની ઈચ્છા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સમક્ષ વ્યક્ત કરી હતી, પરંતુ સતત ત્રીજી વખત સાંસદ બનેલા શ્રીકાંત શિંદેએ પોતે પ્રધાન પદ લેવાની ના પાડી દીધી હતી. એકનાથ શિંદેએ પોતાના પુત્રને પ્રોત્સાહન આપવાને બદલે સામાન્ય શિવસૈનિકને ન્યાય આપ્યો છે.
રાણે-પટેલ વેઈટિંગ લિસ્ટમાં?
રસપ્રદ વાત એ છે કે પૂર્વ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેને હજુ સુધી શપથ ગ્રહણ સમારોહ માટે બોલાવવામાં આવ્યા નથી. તે જ સમયે, છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભોસલેનું નામ પણ ચર્ચામાં હતું. જો કે, તેમણે પણ હજુ સુધી કોલ રિસીવ કર્યો નથી.
છેલ્લા બે દિવસથી મીડિયામાં એવી ચર્ચા ચાલી રહી હતી કે પ્રફુલ પટેલના નામને અજિત પવાર જૂથે મંજૂરી આપી દીધી છે. જો કે પ્રફુલ પટેલને હજુ સુધી શપથ ગ્રહણ માટે કોઈ ફોન આવ્યો નથી. એનસીપીના નેતા હાલ દિલ્હીમાં હાજર છે. દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે એનસીપીને પટેલ માટે રાજ્યકક્ષાના સ્વતંત્ર પ્રભાર ખાતુું આપવાની વાત હતી, જેને પટેલનું ડિમોશન ગણાવીને સ્વીકારવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો.
Also Read –