ઉદ્ધવ ઠાકરેના બે સંસદ સભ્ય મોદીને સમર્થન આપશે?શિંદે સેનાનો દાવો: ઠાકરે જૂથ અસ્વસ્થ
મુંબઈ: લોકસભા ચૂંટણીમાં મહાયુતિ માત્ર 17 બેઠક મેળવવામાં જ સફળ રહી છે. આ વાતાવરણમાં ઠાકરે જૂથમાં ફરી ભૂકંપ થશે કે કેમ એવી ચર્ચાએ જોર પકડ્યું છે. પક્ષમાં ભંગાણ થવા છતાં ઠાકરે જૂથના 9 સંસદ સભ્ય ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. એકનાથ શિંદેના સાત સંસદ સભ્યને વિજય મળ્યો છે. આ પરિસ્થિતિમાં એકનાથ શિંદેના નેતૃત્વમાં ઠાકરે જૂથના બે સંસદ સભ્યએ કામ કરવાની તૈયારી દેખાડી હોવાની જાણકારી હાથ લાગી છે.
સંસદ સભ્ય નરેશ મ્હસ્કેએ દાવો કર્યો છે કે ‘ઉદ્ધવ ઠાકરેના બે સંસદ સભ્ય અમારા સંપર્કમાં છે. મતવિસ્તારમાં કામ થવા જોઈએ એ એમની ઈચ્છા છે. એ માટે બંને સંસદ સભ્ય મોદીનું સમર્થન કરવા તૈયાર થયા છે. મુલ્લા મૌલવીઓને પૈસા આપી મત મેળવવાની ઉદ્ધવ ઠાકરેની ભૂમિકા તેમને માન્ય નથી એવું સમર્થન આપવા તૈયાર થયેલા સંસદ સભ્યોએ જણાવ્યું છે. આ સંસદ સભ્યો પર પક્ષાંતર પ્રતિબંધ કાયદા અંતર્ગત કાર્યવાહીનું જોખમ રહેલું છે. એ માટે બંને સંસદ સભ્યોએ યોજના પણ તૈયાર કરી છે.’
આ પણ વાંચો : લોકસભાની ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે ભાજપને હરાવી શકાય છેઃ ઉદ્ધવ ઠાકરે
અનેક લોકો બાળાસાહેબની વિચારધારા માટે પ્રધાનપદ છોડી આવ્યા જ હતા ને? એ જ રીતે આ સંસદ સભ્યો પણ આવશે એવો દાવો કરી નરેશ મ્હસ્કેએ વધુમાં જણાવ્યું હતું કે સંજય રાઉત છેલ્લા બે વર્ષથી સરકાર તૂટી પડશે એવું કહી રહ્યા છે. રોજ સવારે તેમને શરદ પવારનો ફોન આવે છે અને ત્યારબાદ તેઓ શિંદે અને ફડણવીસની ટીકા કરે છે. રાઉત શરદ પવારના પે રોલ પર છે અને તેમને માનસિક ઉપચારની જરૂર છે.’