શૈક્ષણિક સત્ર ખૂલવાની તૈયારીમાં પણ રાજકોટમાં શાળાઓને લાગ્યા છે સીલ
![Schools in Rajkot have been sealed in preparation for the opening of the academic session](/wp-content/uploads/2024/06/Schools-in-Rajkot-have-been-sealed.webp)
રાજકોટ: રાજકોટના TRP અગ્નિકાંડ થયા બાદ સફાળી જાગેલી રાજકોટ મહાનગરપાલિકાએ શહેરની અંદાજિત 100થી વધુ શાળાઓને ફાયરની સુવિધાના અભાવ હોવાને લઈ સીલ મારી દીધી છે. ત્યારબાદ શાળા સંચાલકો પણ સૂકા ભેગું લીલું બાળતા હોવાની રાવ-ફરિયાદ લઈને રાજકોટ મહાનગરપાલિકા કમિશનર કચેરીએ પહોંચ્યા હતા.
શાળા સંચાલકોની રજૂઆત બાદ મ્યુનિસપલ કમિશનરે કહ્યું હતું કે, હવે જો પરિસ્થિતિ સુધારવા માગતા હોય તો જે ભાગની જરૂર હોય તે ભાગ ખોલી દેવામાં આવશે. અને નિયમોનું કડક પાલન કરવામાં કોર્પોરેશન પ્રતિબદ્ધ છે.
આથી રાજકોટના 100 જેટલા શાળા સંચાલકો રાજકોટ મનપાની કચેરીએ પહોંચ્યા હતા. શાળા સંચાલક અજય પટેલે જણાવ્યું હતું કે, ‘મનપા દ્વારા શાળાઓમાં ફાયર સુવિધાઓ કે તેના NOCને લઈને જે ક્ષતિઓના લીધે શાળાઓ સીલ કરી દેવામાં આવી છે તેને ખોલવાને લઈને આજે અરજઈ આપવા પહોંચ્યા હતા.
આ પણ વાંચો: એશિયાની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓની યાદીમાં મુંબઈ યુનિવર્સિટી
આગામી 13 જૂનથી શાળાઓ ખૂલી રહી છે અને જો હાલ સીલ ખોલવામાં નહિ આવે તો કોઈ સુધારો આવી શકે નહિ. માટે સીલ ખોલવામાં આવશે તો કોઈપણ પ્રકારની કચાશ શાળાઓ તરફથી રહેવા દેવામાં આવશે નહિ. જેને લઈને મ્યુનિસિપલ કમિશનરને આ અંગે અરજી આપી હતી.
મ્યુનિસિપલ કમિશનર ડી. પી. દેસાઇએ આ અંગે જણાવ્યું હતું કે , ‘શૈક્ષણિક પ્રવૃતિ સાથે સંકળાયેલ તમામ એકમો પર છેલ્લા આઠ દિવસથી તપાસ કરવામાં આવી હતી અને જે એકમો NOC મેળવવાપાત્ર હોવા છતાં મેળવી ન હતી અને રિન્યુઅલ પણ નહોતી કરી, તેવા સંકુલોને સીલ મારવામાં આવ્યા છે.
જે શાળાઓ NOC લેવા માંગે છે તેમના માટે આગળની શું કાર્યવાહી થઈ શકે તેના પર વિચાર કરવા એક સમિતિ રચવામાં આવશે. જે શાળાઓને એનઓસીની અરજીના આધારે સીલ ખોલવા અંગે નિર્ણય કરશે. જો કે ફાયર એનઓસી નહિ મેળવી શકનાર શાળાઓ માટે સીલ ખોલવામાં આવશે નહીં.’
પ્રતિવર્ષ સરકાર સામે આવતા અહેવાલો મુજબ મોટા શહેરોની શાળાઓમાં નથી રમતના મેદાન કે પછી કે નથી ફાયર સેફટી જેવી સુવિધાઓ. સરકાર સામે એવા પણ આરોપ છે કે, નેતાઓના આશીર્વચનથી શાળાઓ -અને ખાનગી શાળા-કોલેજોને પ્રોત્સાહન અપાતાં હોવાથી,સાહજિક રીતે આંખ આડા કાન થાય છે.
નિયમોને ઉવેખીને ચાલતા શાળાઓના હાંટડાઓ પૈસા છાપવાના મશીન છે અને અસુવિધાઓની ભરમાર હોવા છતાં કોઈ કાળજી લેવાતી નથી. અને છેલ્લા કેટલાક સમયથી નિયમોને તોડી મરોડી મસ મોટી ફી ઉઘરાવી પોતાના પેટ ભરતી સ્વનિર્ભર શાળાઓ નીંભર રીતે વર્તી રહી છે.