પુણેની બિલ્ડિંગમાં લાગેલી આગમાં વૉચમૅનનું મૃત્યુ: હોસ્ટેલની 40 વિદ્યાર્થિનીને બચાવાઈ
પુણે: પુણે શહેરના શનિપર વિસ્તારમાં આવેલી પાંચ માળની ઈમારતમાં લાગેલી આગમાં વૉચમૅનનું મૃત્યુ થયું હતું, જ્યારે બિલ્ડિંગમાંની હોસ્ટેલમાં રહેતી 40 વિદ્યાર્થિનીને બચાવી લેવાઈ હતી.
પુણે મહાનગરપાલિકાના ચીફ ફાયર ઑફિસર દેવેન્દ્ર પોટફોડેએ જણાવ્યું હતું કે આગ ગુરુવારની મધરાતે દોઢ વાગ્યાની આસપાસ લાગી હતી. બિલ્ડિંગના બીજા માળે આવેલી હોસ્ટેલમાં રહેતી 40 વિદ્યાર્થિનીને બચાવી લેવામાં આવી હતી.
પાંચ માળની ઈમારતમાં આગ લાગી હોવાની માહિતી ફાયર બ્રિગેડને મળી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે જાણ થઈ હતી કે ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી, એમ પોટફોડેએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: મુંબઇના કમાઠીપુરા વિસ્તારમાં લાગી ભીષણ આગ, કોઇ જાનહાનિ નહીં
ફાયર બ્રિગેડના જવાનો પહોંચ્યા તે પહેલાં સ્થાનિક રહેવાસીઓએ વિદ્યાર્થિનીઓને હોસ્ટેલમાંથી સુરક્ષિત બહાર કાઢી લીધી હતી. આગ પર કાબૂ મેળવવામાં આવ્યા પછી ગ્રાઉન્ડ ફ્લોરની રૂમમાંથી 40 વર્ષના શખસનો મૃતદેહ મળી આવ્યો હતો. આગમાં દાઝી જવાને કારણે તેનું મૃત્યુ થયું હોવાનું જણાયું હતું.
ઝોન-1ના ડેપ્યુટી પોલીસ કમિશનર સંદીપ સિંહ ગિલે જણાવ્યું હતું કે મૃતક વૉચમૅન હોવાનું જણાયું હતું, જે ઘટના સમયે ગ્રાઉન્ડ ફ્લોર પરની તેની રૂમમાં હતો. તેના મૃતદેહને સસૂન જનરલ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. આગ લાગવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું. (પીટીઆઈ)