Space માં ત્રીજી વાર પહોંચ્યા ભારતીય મૂળના Sunita Williams, બનાવ્યો રેકોર્ડ
વોશિંગ્ટન : ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ(Sunita Williams) અને તેના સાથી બૂચ વિલ્મોરને લઈને જતી બોઈંગ સ્ટારલાઈનર ગુરુવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS) પર પહોંચી હતી. 59 વર્ષીય સુનીતા નવા ક્રૂ સ્પેસક્રાફ્ટનું સંચાલન અને પરીક્ષણ કરનાર પ્રથમ મહિલા બની હતી. અગાઉ ભગવાન ગણેશની મૂર્તિ અને ભગવદ ગીતાને અવકાશમાં લઈ જનાર વિલિયમ્સ તેની ત્રીજી યાત્રા માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચી ગઈ છે. સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા બાદ તેઓએ ડાન્સ કરીને ઉજવણી કરી હતી. તેમણે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS) પર હાજર સાત અવકાશયાત્રીઓને ભેટીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
લોન્ચ કર્યાના લગભગ 26 કલાક પછી સ્પેશ સ્ટેશન પહોંચ્યું
વિલિયમ્સ અને વિલ્મોરને બેલ વગાડીને આવકારવામાં આવ્યા હતા, જે સ્પેશ સ્ટેશન પર લાંબા સમયથી ચાલતી પરંપરા છે. સ્પેસ સ્ટેશનના બાકીના સભ્યોને પરિવાર ગણાવીને તેમણે આવા અદ્ભુત સ્વાગત માટે તેમનો આભાર માન્યો. વિલિયમ્સ અને વિલ્મોર સ્ટારલાઈનરમાં ઉડાન ભરનાર પ્રથમ અવકાશયાત્રી છે. તેઓએ ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી લોન્ચ કર્યાના લગભગ 26 કલાક પછી બોઇંગ અવકાશયાનને સફળતાપૂર્વક સ્પેશ સ્ટેશન સુધી પહોંચાડ્યું.
સ્પેશ સ્ટેશન મારા માટે બીજા ઘર જેવું
સુનીતા વિલિયમ્સે સ્પેશ સ્ટેશનના સભ્યોને પોતાનો બીજો પરિવાર ગણાવ્યો હતો. “સ્પેશ સ્ટેશન મારા માટે બીજા ઘર જેવું છે. તેમણે અદ્ભુત સ્વાગત માટે તમામ અવકાશયાત્રીઓનો આભાર માન્યો હતો.
અવકાશયાન સ્પેસ સ્ટેશન સાથે ડોકીંગ કરવામાં સફળ રહ્યું
ભારતીય મૂળના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલમોરનું અવકાશયાન લોન્ચિંગના 26 કલાક પછી ગુરુવારે રાત્રે 11:03 વાગ્યે સ્પેસ સ્ટેશન પર પહોંચ્યું હતું. તે ગુરુવારે રાત્રે 9:45 વાગ્યે આવવાનું હતું, પરંતુ રિએક્શન કંટ્રોલ થ્રસ્ટરમાં સમસ્યાને કારણે તે પ્રથમ પ્રયાસમાં ડોક કરી શક્યું નહીં. જો કે બીજા પ્રયાસમાં અવકાશયાન સ્પેસ સ્ટેશન સાથે ડોકીંગ કરવામાં સફળ રહ્યું હતું.
બંને અવકાશયાત્રીઓ બોઈંગના સ્ટારલાઈનર અવકાશયાનમાં અવકાશમાં જનારા પ્રથમ અવકાશયાત્રી બન્યા છે. બોઇંગનું સ્ટારલાઇનર મિશન બુધવાર, 5 જૂને ભારતીય સમય અનુસાર રાત્રે 8:22 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું. તે ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ULA ના એટલાસ વી રોકેટ પર લોન્ચ કરવામાં આવ્યું હતું.
વિલ્મોર અને વિલિયમ્સ સ્ટારલાઇનર અવકાશયાન અને તેની સબસિસ્ટમનું પરીક્ષણ કરવા માટે લગભગ એક સપ્તાહ સુધી સ્પેસ સ્ટેશન પર રહેશે. સુનિતાએ બોઇંગના સ્પેસક્રાફ્ટ એસયુવી-સ્ટારલાઇનરને ડિઝાઇન કરવામાં પણ મદદ કરી હતી. આ અવકાશયાન 7 ક્રૂ મેમ્બર્સને લઈ જઈ શકે છે. અવકાશયાનનું નિર્માણ થયા પછી સુનીતા વિલિયમ્સે તેનું નામ કેલિપ્સો રાખ્યું.
જો મિશન સફળ થશે તો નાસા પાસે પ્રથમ વખત 2 અવકાશયાન હશે.
જો આ મિશન સફળ થશે તો ઈતિહાસમાં પ્રથમ વખત અમેરિકા પાસે અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવા માટે બે અવકાશયાન હશે. હાલમાં, અમેરિકા પાસે માત્ર એલોન મસ્કની કંપની સ્પેસએક્સનું ડ્રેગન અવકાશયાન છે. 2014માં નાસાએ સ્પેસએક્સ અને બોઇંગને સ્પેસક્રાફ્ટ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. SpaceX તેને 4 વર્ષ પહેલા જ બનાવી ચૂક્યું છે.