નવી દિલ્હીઃ વર્ષ 2014 અને 2019ની ચૂંટણીમાં કૉંગ્રેસએ માત્ર સત્તાથી જ હાથ ન હતા ધોવા પડ્યા પરંતુ કૉંગ્રેસ પોતાના દમ પર સંસદમાં વિરોધપક્ષના નેતાનું સ્થાન પણ ન હતી મેળવી શકી, પરંતુ બે દિવસ અગાઉ જાહેર થયેલા લોકસભાની ચૂંટણીના પરિણામોએ કૉંગ્રેસમાં જોશ ભર્યો છે. 2014માં 44 અને 2019માં 52 બેઠકમાં સમેટાયેલી કૉંગ્રેસને 99 બેઠક મળી છે.
કૉંગ્રેસે અન્ય પક્ષો સાથે હાત મિલાવી ઈન્ડિયા ગઠબંધનની રચના કરી અને હાલમાં તેમના હાથમાં 234 બેઠક છે, પરંતુ સરકાર બનાવવાથી દૂર છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે કૉંગ્રેસમાં વિપક્ષના નેતા અંગે ચર્ચાઓ તેજ થઈ છે. લોકસભામાં વિરોધપક્ષનો નેતા મજબૂત હોય તે ખૂબ જરૂરી છે અને આ 18મી લોકસભામાં દેશને પાછો મજબૂત વિરોધપક્ષ મળ્યો છે ત્યારે કૉંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીને વિરોધપક્ષના નેતા તરીકે પ્રસ્થાપિત કરવા માગે છે. કૉંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીને આ પદ આપવાની માગણી કરી છે.
Cngress MP Manikam Tagoreએ ટ્વીટ કરી માગણી કરી છે. તેમમે કહ્યું હતું કે લોકોએ અમને રાહુલ ગાંધીના નામે મત આપ્યા છે. રાહુલ ગાંધી જ વિપક્ષના નેતા હોવા જોઈએ. કૉંગ્રેસના તમામ સાંસદો મારી સાથે સહમત થશે. તેમ તેમણે કહ્યું હતું. આ સાથે તેમણે રાહુલ ગાંધીનો એક ફોટો શેર કર્યો હતો જેમાં ગાંધી તમામ ધર્મના લોકોને ભગવો ખેસ પહેરેલા હુમલાખોરોથી રક્ષણ આપી રહ્યા છે.
લોકસભામાં વિરોધ પક્ષના નેતા બનવા માટે કુલ સભ્યોમાંથી 10 ટકા સભ્યનું સમર્થન જે તે ઉમેદવારને હોવું જોઈએ એટલે કે તેને 55 સાંસદના મત મળવા જોઈએ. કૉંગ્રેસ પાસે 99 બેઠક છે અને વિપક્ષમાં એ જ સૌથી મોટો પક્ષ છે ત્યારે રાહુલ ગાંધીના નામનો વિરોધ લગભગ નહીં થાય તેમ માનવામાં આવે છે. અગાઉ શિવસેનાના નેતા સંજય રાઉતે રાહુલને પ્રધાનપદના ઉમેદવાર તરીકે પણ સમર્થન આપવા જણાવ્યું હતું.