Gujarat Monsoon : ‘હવે છત્રી લઈને નિકળજો’ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી
ગાંધીનગર : ભારતમાં નૈઋત્યનું ચોમાસું હવે કેરળથી આગળ વધી રહ્યું છે. જ્યારે હવે તેની અસરના ભાગરૂપે ગુજરાતનાં પણ અમુક જિલ્લાઓમાં વરસાદ પાડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે બુધવારથી વલસાડ, ડાંગ, નવસારી, તાપી તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં વસાદ પાડવાની સંભાવના છે.
રાજ્યમાં નૈઋત્યના ચોમાસાના આગમનની સાથે ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પાડવાની સંભાવનાઓ છે. આગામી 6 જૂનના રોજ તાપી, વલસાડ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં વરસાદ પડશે. 8 જૂનના રોજ સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગથી અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પાડવાની સંભાવના છે. આ સાથે જ ગુજરાતનાં અન્ય વિસ્તારો આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો : Monsoon 2024 Update : દેશમાં નૈઋત્યના ચોમાસાનો વિધિવત પ્રારંભ; કેરળમાં પડી રહ્યો છે સારો વરસાદ
હવામાન વિભાગની આગાહીની અસરના પગલે આજથી જ દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડવાની શરૂઆત થઈ ચૂકી છે. આજે સુરતના બારડોલી તાલુકાના ગામડાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યાં વરસાદ પડ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા વરસાદને કારણે ગરમીથી રાહત મળી હતી.
વલસાડમાં પણ વરસાદ પડ્યો હતો. થોડા જ વરસાદમાં બજારમાં પાણી ભરાય ચૂક્યા હતા. હજુ તો સામાન્ય વરસાદમાં જ નગરપાલિકાની પ્રીમોંસૂન કામગીરીના ચીંથરા ઉડ્યાં હતા. આ સિવાય ગીર પંથકમાં પણ વરસાદ પડ્યો છે.